Sports

પંજાબના સેમ કરન, હરપ્રીત અને અર્શદીપે મુંબઈના વિજય રથને અટકાવ્યો

મુંબઈ: આઈપીએલ-2023માં (IPL 2023) મુંબઈ ઈન્ડિયન્સની (MI) સતત 3 જીતની ચેઈન તૂટી ગઈ હતી, પંજાબ કિંગ્સે (PBKS) મુંબઈને (Mumbai) તેના ઘરેલુ મેદાન વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી મેચમાં 13 રનથી હરાવ્યું હતું. કાર્યવાહક કેપ્ટન સેમ કરન (29 બોલમાં 55 રન) અને હરપ્રીતની વિસ્ફોટક ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સે 8 વિકેટ પર 214 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 201 રન જ બનાવી શકી હતી.

215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે સારી બેટિંગ કરી હતી અને મેચને રોમાંચક બનાવી હતી. મુંબઈને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી પણ પંજાબના અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને 2 વિકેટ લઈ મુંબઈને લક્ષ્ય પ્રાપ્ત કરવા દીધો ન હતો. કેમરોન ગ્રીન (43 બોલમાં 67 રન) અને સૂર્યકુમાર યાદવ (26 બોલમાં 57 રન) દ્વારા મજબૂત વળતા પ્રહારની મદદથી મુંબઈની ટીમે સારી લડત આપી હતી. બંને વચ્ચે 36 બોલમાં 75 રનની ભાગીદારી કરી હતી. જો કે 18મી ઓવરમાં અર્શદીપે જોખમી સૂર્યકુમારને આઉટ કરી ટીમની જીત નક્કી કરી હતી. તેણે મેચમાં 4 વિકેટ લીધી હતી.

આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા જેમાં સેમ કરને હરપ્રીત ભાટિયા (28 બોલમાં 41 રન) સાથે 5મી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી આખી મેચની તસવીર બદલી કાઢી હતી, અંતિમ 10 ઓવરમાં પંજાબના બેટ્સમેનોએ 131 રન બનાવ્યા હતા. અર્જુન તેંડુલકરે (3 ઓવરમાં 48 રન 1 વિકેટ) ઓપનિંગ સ્પેલ સારો નાંખ્યો હતો પણ તેના ત્રીજા ઓવરમાં 31 રન આવ્યા હતા જ્યારે 16થી 18 ઓવર વચ્ચે 69 રન બન્યા હતા.

જો કે પંજાબ કિંગ્સનો અસલ હીરો કરન હતો જેણે આ સીઝનમાં પોતીની પ્રથમ અડદી સદી ફટકારી હતી, તેણે અને હરપ્રીતે પાંચમી વિકેટ માટે 50 બોલમાં 92 રનની ભાગીદારી કરી હતી અને ટીમને એક વિશાળ સ્કોર આપ્યો હતો. કરવે 5 ચોગ્ગા અને 4 છગ્ગાઓ ફટકાર્યા હતા. મુંબઈના બોલર્સ પોતાની સારી શરૂઆતનો લાભ ઉઠાવી હરીફ ટીમને ઓછા સ્કોર પર અટકાવી શક્યા ન હતા. 13 ઓવર બાદ પંજાબના સ્કોર 4 વિકેટ ગુમાવી માત્ર 97 રન હતો.

Most Popular

To Top