National

પંજાબ પોલીસે મોગામાંથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી, આસામના ડિબ્રૂગઢ જેલમાં મોકલાયો

નવી દિલ્હી: ખાલિસ્તાન તરફી સંગઠન ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની (AmrutPal Singh) પંજાબ પોલીસે (Punjab Police) આખરે ધરપકડ (Arest) કરી લીધી છે. NSA હેઠળ અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે જાણકારી મળી આવી છે કે પંજાબ પોલીસ અમૃતપાલને લઈને આસામના ડિબ્રુગઢ પહોંચી ગઈ છે અને તેઓએ તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અમૃતપાલને તેઓના સાથીઓને જે જેલમાં રાખવામાં આવ્યાં છે તે જ જેલમાં રાખવામાં આવશે. અમૃતપાલ છેલ્લા બે મહિનાથી ફરાર હતો અને તેની શોધમાં પોલીસ અનેક રાજ્યોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવી રહી હતી. ધરપકડ પહેલા અમૃતપાલ મોગા જિલ્લાના રોડે ગામમાં સ્થિત ગુરુદ્વારા પહોંચ્યો હતો અને ત્યાં ઉપદેશ આપ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

અમૃતપાલે શનિવારે રાત્રે ગ્રંથી સાથે વાત કરી આત્મસમર્પણ કરવાની માંગ કરી
છેલ્લા 36 દિવસથી પોલીસને ચકમો આપી રહેલો ‘વારિસ પંજાબ દે’ સંગઠનનો અમૃતપાલ શનિવારે રાત્રે જ ગુરુદ્વારા પહોંચ્યો હતો. ત્યાં તેણે ગ્રંથી સાથે વાત કરી અને કહ્યું કે તે આત્મસમર્પણ કરવા માંગે છે. આ અંગે ગ્રંથીએ પોલીસને જાણ કરી હતી. અમૃતપાલ ગુરુદ્વારામાં હોવાનો ઈનપુટ પોલીસને મળતાની સાથે જ સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું હતું. પોલીસે રોડેગાંવમાં ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે ગુરુદ્વારા સાહિબની ગરિમાનું ધ્યાન રાખવામાં આવે. સંપૂર્ણ સાવચેતી સાથે પોલીસ દળ આજે સવારે 6.45 વાગ્યે રોડેગાંવ પહોંચી ગયું હતું. જ્યાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી હતી. જાણકારી મળી આવી છે કે ISI એજન્સી અમૃતપાલની હત્યા કરવાનો પ્લાન બનાવી રહી હતી જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું હતું. ધરપકડ કરતા પહેલા અમૃતપાલ સિંહે પ્રવચન દરમિયાન પણ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ધરપકડનો અંત નથી, પરંતુ શરૂઆત છે. મેં અહીં મોગામાં આત્મસમર્પણ કરવાનું નક્કી કર્યું છે.

ભગવંત માને કહ્યું કે કેટલાક લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની ગતિવિધિઓની માહિતી મળતાં જ અમે કાર્યવાહી હાથ ધરી હતી. સીએમએ કહ્યું કે જો તેઓ ઇચ્છતા તો તે દિવસે પણ પકડી શક્યા હોત, પરંતુ તેઓ ખૂનખરાબ કે ગોળીબાર ઇચ્છતા ન હતા.

અમૃતપાલ સિંહે તેની ધરપકડ માટે પંજાબના રોડે ગામને માટે પસંદ કર્યું
અમૃતપાલ સિંહે તેની ધરપકડ માટે પંજાબના રોડે ગામને શા માટે પસંદ કર્યું તેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. જાણકારી મુજબ આ એ ગામ છે જ્યાં આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો જન્મ થયો હતો અને અમૃતપાલ સિંહની ‘દસ્તરબંદી’ (પાઘડી બાંધવાની વિધિ) સમારોહ પણ અહીં થયો હતો. અકાલ તખ્ત સાહિબના પૂર્વ જથેદાર અને જરનૈલ સિંહ ભિંડરાવાલેના ભત્રીજા જસબીર સિંહ રોડે પણ આ રોડ પર રહે છે. આ ઉપરાંત આતંકવાદ દરમિયાન પંજાબમાં અનેક લોકોની હત્યા કરવામાં સામેલ આતંકવાદી લખબીર સિંહ રોડે પણ આ ગામનો જ છે, જે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે.

અમૃતપાલ સામે કેમ થઈ રહી છે કાર્યવાહી?
અમૃતપાલ પહેલીવાર 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાના નજીકના મિત્રને છોડાવવા હજારો સમર્થકો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પછી તેણે ઘણી ટીવી ચેનલોમાં આપેલા ઈન્ટરવ્યુમાં અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. એટલું જ નહીં અમૃતપાલે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. અમૃતપાલની તુલના ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલે સાથે પણ કરવામાં આવી રહી છે.

ખાલિસ્તાની સમર્થકના પિતા તરસેમ સિંહે પંજાબ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા
ખાલિસ્તાની સમર્થકના પિતા તરસેમ સિંહે પંજાબ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. આરોપીના પિતાનું કહેવું છે કે તેમનો પુત્ર પંજાબમાં ડ્રગ્સ સામેની લડાઈ લડી રહ્યો હતો. ગુરુ સાહેબે વિચાર્યું કે પંજાબને ડ્રગ્સથી મુક્ત કરવું જોઈએ. હવે તેણે શીખ સંગતને અપીલ કરી છે કે પંજાબને નશામુક્ત બનાવવાના તેમના પુત્ર અમૃતપાલના મિશનને આગળ વધારવામાં આવે. તરસેમ સિંહે કહ્યું કે, તેમને ટીવી ચેનલો દ્વારા સમાચાર મળ્યા છે કે અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમનો પુત્ર પરિવારના સંપર્કમાં નથી.

Most Popular

To Top