SURAT

મેટ્રોનું કામ, બેરિકેટ અને ઉપરથી દબાણ: ટ્રાફિકગ્રસ્ત કોટ વિસ્તારના લોકોની આંદોલનની ચીમકી

સુરત: છેલ્લા કેટલાય મહિનાઓથી રાજમાર્ગ, ચોકબજાર અને ત્યાંથી કાદરશાની નાળ થઇ મજુરા ગેટ સુધી મેટ્રોના બેરિકેટથી ટ્રાફિક સમસ્યા, તો બીજી બાજુ બેફામ દબાણો સામે તંત્રના આંખ મીચામણાથી કોટ વિસ્તારના લોકો ગુંગળાઇ રહ્યાં છે. ત્યારે સુરતવાસીઓની તકલીફો સહન કરીને પણ વિકાસના કામોમાં સહકાર આપવાની ભાવનાની તંત્રવાહકો હાંસી ઉડાવતા હોય તેમ મેટ્રોના બેરિકેટના કારણે ચોક બજાર વિસ્તારમાં ઠેર ઠેર બંધ થયેલા રસ્તાઓ વચ્ચે માથાભારે દબાણકર્તાઓ પણ ટ્રાફિકની સમસ્યા વધારી રહ્યા હોવાથી, આ વિસ્તારના લોકો માટે જીવન દોખજ બનવા માંડ્યું છે. જો હવે મનપાનું તંત્ર તાકીદે દબાણો સામે કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચિમકી ગોપીપુરા-સોનીફળીયા વિસ્તારના લોકોએ મનપા કમિશનર, મેયર સહીતના તમામ પદાધિકારીઓ અને તમામ સ્થાનિક નગર સેવકોને રજુઆતમાં આપી છે.

કોટ વિસ્તારના લોકો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શહેરમાં હાલમાં મેટ્રો ટ્રેનનું કામ પ્રગતિ હેઠળ છે. પરંતુ શહેરના સૌથી વધુ ગીચ વિસ્તાર ચોકબજાર અને તેટલી જ ગીચતા ધરાવતા આજુ-બાજુના વિસ્તારો છે, આમ છતાં નાનપુરાથી ચોકબજાર સુધી આખો રોડ મેટ્રો ટ્રેનના કામકાજ અર્થે બંધ કરાયો છે.

આજુ-બાજુના લાગુ વિસ્તારો જેવા કે સોનીફળીયા, ગોપીપુરા, વાડીફળીયા, અંબાજી રોડ, બાલાજી રોડ જવા આવવા માટેનો વૈકલ્પિક વિસ્તાર જૂની સિવિલ હોસ્પિટલ પાસેથી તેમજ કમાલગલી થઈને અવર- જવર કરવા સિવાય કોઈ માર્ગ નથી. આ બંને માર્ગ પણ ખુબ જ જોખમી અને ટ્રાફિકના ભારણવાળા છે અને માર્ગ સાંકડા છે. તેમ છતાં આ વિસ્તારના દબાણો અને ગેરકાયદે રિક્ષાવાળાઓનો જમાવડો હોવાના કારણે દબાણનું ખૂબ ભારણ છે. સાગર હોટલની ગલીમાંથી અનેક લોકોના મકાનો એલાયન્મેન્ટમાં લઈ રોડ કાઢવામાં આવ્યા, પરંતુ આ રોડ ઉપરથી પ્રવેશી શકાય તેમ નથી, કારણકે અનેક પાર્કિંગ વગરની ગેરકાયદે દુકાનો બનાવી ધંધો થઇ રહ્યો છે.

આ દબાણો પાલિકાના તમામ કર્મચારીઓં જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. જ્યારે ફરિયાદ આવે ત્યારે ફક્ત કાગળ પર લીપાપોતી કરવા પૂરતાં દબાણ દુર કરે છે, પછી બીજા દિવસથી પાછું જૈસે થેની જેમ પાછા દબાણો કરવાવાળા ગોઠવાઈ જાય છે. જેના કારણે આ વિસ્તારના લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતાં નફ્ફટ જાડી ચામડીના પાલિકાના જવાબદાર અધિકારીઓને કોઈ પડી નથી.

જેથી તાકીદે કાયમી ધોરણે દબાણ દુર કરવામાં માંગણી કરવામાં આવી છે. જો લોકોની હાલાકી બાબતે હજુ પણ કંઇ નહીં કરાય તો આ વિસ્તારના લોકોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.

રજુઆતમાં ચોકબજાર અને તેને આનુસાંગિક રસ્તાઓ પરના દબાણોની યાદી
ચોક બજાર, જુની સિવિલ, કમાલ ગલી તેમજ સાગર હોટલની ગલીમાં ચા-પાનના ગલ્લા, નોનવેજની લારીઓ, ઉપરાંત ભાગાતળાવ- એવન કોકોથી સાંસદ દર્શનાબેન જરદોષની જુની ઓફિસ સુધીના માર્ગ ઉપર ન્યુસન્સરૂપ દબાણો દુર કરવામાં આવતા નથી. જ્યાં આંખો રોડ રોકી બિન્દાસ્તપણે દબાણ થયા છે.

ચોકબજાર જુની સિવિલ હોસ્પિટલની દીવાલને અડીને ખાણી-પીણીની લારીઓ અને રોડ રોકી કબુતરના પીંજરા, ચા-પાનની લારીઓનું દબાણ છે. તેમજ સામેની સાઈડ ઉપર માછલી-જિંગાવાળાના દબાણો છે. કમાલગલીના દબાણોને કારણે મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસનો આવવા જવાનો રસ્તો રોકાઇ જાય છે.

Most Popular

To Top