ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ ઍલર્ટ વચ્ચે સુરત શહેરમાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. તીવ્ર પવન અને અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લા તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની કટોકટી કે આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર કચેરી, પોલીસ, ફાયર બ્રિગેડ, દક્ષિણ ગુજરાત વિજ કંપની અને સિંચાઈ વિભાગ વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે.
શાળા-કોલેજોમાં રજા, માર્કેટો બંધ રાખવા અપીલ
સ્થિતિની ગંભીરતા અને નાગરિકોની સુરક્ષાને જોતાં તંત્ર અને વેપારી મંડળો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:
- શૈક્ષણિક સંસ્થાઓ: સુરત શહેર અને જિલ્લાની તમામ શાળા તેમજ કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરી દેવામાં આવી છે.
- વેપારી સંગઠનો: વિવિધ વેપારી અને માર્કેટ એસોસિએશનો દ્વારા બજારો બંધ રાખીને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે અપીલ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની નાગરિકોને ખાસ વિનંતી
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને એક વીડિયો સંદેશ જાહેર કરીને શહેરીજનોને સાવચેત રહેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોર પછી તીવ્ર પવન સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું.
- નીચાણવાળા વિસ્તારો: નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કિંમતી સામાન અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત સ્થળે ખસેડવા તથા તંત્ર દ્વારા જો સ્થળાંતર કરાવવામાં આવે તો તેમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.
- અફવાઓથી દૂર રહો: સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરી માત્ર પાલિકા કે કલેક્ટર કચેરીની અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા જણાવાયું છે.
- કમિશનરનો સંદેશ: મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે, “તમારી સાવચેતી જ તમારી અને તમારા પરિવારની સૌથી મોટી સુરક્ષા છે. બિનજરૂરી બહાર ન નીકળો, ઘરે જ સુરક્ષિત રહો અને પાલિકા તંત્રને સહયોગ આપો.”
24 કલાક ઇમરજન્સી સેવાઓ શરૂ, આર્મીની ટુકડીની માંગણી
શહેરમાં કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે SDRF અને NDRF ની બચાવ ટીમોને એલર્ટ મોડ પર તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ ઈમરજન્સી સેવાઓ અને કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે.
ઉપરવાસ અને આસપાસના જિલ્લાઓમાં પણ પડી રહેલા ભારે વરસાદના કારણે જો સ્થિતિ વધુ વિકટ બને, તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આર્મીની એક ટુકડીની પણ માંગણી કરવામાં આવી છે.