Dakshin Gujarat

દહેજની મેઘમણી કંપનીમાં ભીષણ આગ: વેરહાઉસ અને તેમાં રહેલો તમામ તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ

ભરૂચ : દહેજ સેઝમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક (Meghmani Organic) કંપનીમાં શનિવારે મધરાતે ભીષણ આગ (Fire) ભભૂકી ઉઠી હતી. કંપનીના ત્રણેય પ્લાન્ટ ૮ દિવસથી બંધ હોવાથી કોઈ જાનહાની નોંધાઇ નથી. દિવાળીના (Diwali) તહેવારોમાં જ દહેજમાં આગની ઘટનાથી ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે. ગત તા-૧૫મી ઓક્ટોબરથી પ્લાન્ટ બંધ છે.દરમિયાન શનિવારે રાત્રે.૧૨.૩૦ કલાકે ફિનિશ્ડ ગુડ્ઝના વેરહાઉસમાં (Warehouse) એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વેરહાઉસમાં રહેલા તૈયાર પીગમેન્ટ બીટા બ્લ્યુના સહિત અન્ય સામાનના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

  • તમામ તૈયાર માલ આગમાં સ્વાહા: આગનું કારણ અકબંધ
  • છથી વધુ ફાયર ફાઈટરોએ પોણા બે કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો
  • ફિનિશ્ડ ગુડ્ઝ પ્લાન્ટમાં રહેલું બીટા બ્લ્યુ પીગમેન્ટ સાથે વેરહાઉસ ભડકે બળ્યા

વેરહાઉસમાં રહેલો તમામ તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ
ઘટનાની જાણ ઇન્ડસ્ટ્રીયલ સેફટી, પોલીસ, જીપીસીબી ને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આસપાસની કંપનીના ૬ થી વધુ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોણા બે કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. જોકે વેરહાઉસ અને તેમાં રહેલો તમામ તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ અને ઘટના અંગે વધુ તપાસ ઇન્ડસ્ટ્રીયલ સેફટીના ડેપ્યુટી ડિરેક્ટરે હાથ ધરી છે.

દિવાળીને કરાણે કંપનીના ત્રણેય પ્લાન્ટ 15 ઓક્ટોબરથી બંધ છે
ઉલ્લેખનીય છે કે, કંપનીમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે, દિવાળીના તહેવારોને લઇ તા.૧૫મી ઓક્ટોબરથી જ પ્રોડક્શન અને ત્રણેય પ્લાન્ટ બંધ છે. કંપનીમાં આગની ઘટના સમયે માત્ર સિકિયોરિટી ગાર્ડ જ હોય દિવાળી ટાણે જ મોટી હોનારત સર્જાતા ટળી ગઈ હતી.

પેપરમીલમાં કન્વેયર મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં યુવતીનું મોત

વ્યારા: વાલોડ તાલુકાના ડુમખલ ખાતે આવેલી સંકલ્પ પેપર મીલમાં કામ કરતી વેળાએ યુવતીનો ચાલું કન્વેયર મશીનના બેન્ટમાં હાથ આવી જતાં અરેરાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
નિઝર તાલુકાના હરધૂલી ગામે રહેતી આરતીબેન કુમારભાઈ પાડવી (ઉ.વ.19 )નાઓ તા. 22/10/2022ના રોજ ડુમખલ ગામે આવેલી સંકલ્પ પેપર મીલમાં બોઇલર વિભાગમાં કામ કરતી હતી. તે વેળાએ ચાલુ કન્વેયર મશીનના બેલ્ટમાં તેણીનો હાથ આવી જતા પોતાને બચાવવા માટે ભારે ચીસીયારીઓ પાડી પણ બચાવનાર કોઈ પણ નહતું. જેના કારણે તેણીનાં શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. પુષ્કળ લોહી વહી જતા તેનું મોત નિપજ્યું હતું. વાલોડ પોલીસે ફરિયાદ નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top