Gujarat

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ડેમો ઓવરફ્લો, ઉકાઈ તથા નર્મદા ડેમમાં પાણીની આવક વધી

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વરસાદની (Rain) આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા નદી (River), નાળા છલકાયા ગયા હતા. તો કેટલાક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. રાજ્યમાં પ્રથમ સિઝીને જ સારો વરસાદ વરસતા ડેમોમાં (Dam) પણ પાણીની સારી આવક થઈ હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ત્યારે દ્વારકાનો બોખરિયા ડેમ, તાપી પરનો ઉકાઈ ડેમ, વંથલીનો ઓઝત વિયર ડેમ, બગડ નદી પરનો બગડ ડેમ ઓવરફ્લો થયો છે. તમામ ડેમોમાં ઉપરવાસ વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. તેથી ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 8558 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેથી હાલ નર્મદા ડેમની સપાટી 114.38 મીટર પર પહોંચી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાપી નજીક દમણગંગા નદીનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરવાસ વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે તેથી તંત્ર દ્વારા લોકોને નદી ડેમ પાસે ન જવાના સૂચન કરાયા છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 14 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાતા મધુબેન ડેમમાં પાણીની આવક વધી છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમની સપાટી વધી
ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉકાઈ ડેમની જળ સપાટી 315.59 ફૂટે પહોંચી છે. હાલમાં ઉકાઈ ડેમમાં 11,791 ક્યૂસેક પાણીની આવકની સામે 1000 ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી વધતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ સિવાય વંથલીનો ઓઝત વિયર ડેમ પણ પાણીની આવક વધતા ડેમ છલકાયો છે. ડેમના 2 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યુ છે. ઓઝત ડેમના તમામ 12 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

દ્વારકા તેમજ ભાવનગરના ડેમોમાં પણ આવક વધી
દ્વારકામાં પણ ધોધમાર વરસાદના કારણે દ્વારકાના ચરકલા પાસે આવેલ બોખરીયા ડેમ ઓવરફ્લો થયો છે. નોંધનીય છે તે માત્ર 24 કલાકમાં જ બોખરીયા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ચો બીજી તરફ ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાના મહુવાનો બગડ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમોમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Most Popular

To Top