National

EDએ મનીષ સિસોદિયા વિરૂદ્ધ દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ

નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની આકબારી નીતિ 2021-2022 મામલામાં દિલ્હીના  નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ (Money Laundering Case) દાખલ કર્યો છે. આબકારી નીતિ મામલામાં કથિત ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ પહેલા મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરી ચુકી છે. સીબીઆઈએ આ મામલાને લઈને દિલ્હી સ્થિત સિસોદિયાના નિવાસ્થાન સહિત 31 સ્થળે દરોડા (Raid) પાડ્યા હતા. હવે ઈડીએ પણ સિસોદિયા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. સીબીઆઈના દરોડા બાદ ઈડીએ પણ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમના વિરુદ્ધ આ જૂઠ્ઠો મામલો છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ખોટા મામલા છે. હું એક ઈમાનદાર વ્યક્તિ છું. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ ટીમની સાથે છું એટલે આ કરવામાં આવી રહ્યું છે. તેઓનો નિશાનો અરવિંદ કેજરીવાલ છે. 

બીજી તરફ મંગળવારે મનીષ સિસોદિયાના વતન ગામ શાહપુર ફાગોટા ચારથી પાંચ કારમાં પહોંચેલી અધિકારીઓની એક ટીમે તેમની સંપત્તિની તપાસ કરી હતી. જો કે સ્થાનિક વહીવટી અધિકારીઓને આ મામલાની જાણ નથી પરંતુ CBI અથવા EDની ટીમ તપાસ કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. ધૌલાના વિકાસ ખંડ વિસ્તારનાં શાહપુર ફગોતા ગામ એ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાનું પૈતૃક ગામ છે. હાલમાં મનીષ સિસોદિયાના પરિવારના સભ્યો ગામમાં રહે છે.

નાયબ મુખ્યપ્રધાનના કાકા સોનવીર સિંહે જણાવ્યું કે મંગળવારે બપોરે ચાર-પાંચ કાર તેમના ઘરે રોકાઈ હતી. તમામ કાર દિલ્હીનાં નંબરની હતી. કારમાં બેઠેલા લોકોએ તપાસ અધિકારી હોવાની વાત કરીને તેમને પોતાની સાથે કારમાં બેસાડી લીધા હતા. આ પછી તેઓ તેમને ખેતરમાં લઈ ગયા અને જમીન વિશે પૂછપરછ કરી. નાયબ મુખ્યમંત્રીના કાકાએ સીબીઆઈની ટીમ હોવાના ડરથી કારમાં સવાર લોકોને ગામમાં મનીષ સિસોદિયા દ્વારા બનાવેલા મંદિર, પૈતૃક સંપત્તિ વગેરેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાએ અહીંથી ગયા પછી ગામમાં કોઈ જમીન ખરીદી નથી. તેમણે કારમાં બેઠેલા અધિકારીઓને પણ આ વાત કહી. આ પછી ટીમ તેમને ગામમાં છોડીને પરત ફરી હતી.

એલજીએ દિલ્હીના સચિવના અહેવાલના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ રિપોર્ટ 8 જુલાઈએ મોકલવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષે લાગુ કરાયેલી એક્સાઈઝ પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં આબકારી નીતિ (2021-22) બનાવવા અને અમલમાં લાવવામાં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને નીતિના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આક્ષેપો થયા છે. આમાં અન્ય બાબતોની સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર પછીના લાભોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવો પણ આરોપ છે કે દારૂનું વેચાણ કરનારાઓની લાઇસન્સ ફી માફ કરવાથી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ આ જોગવાઈઓની અવગણના કરી છે.

Most Popular

To Top