Business

ગ્રીન ટીમના યુવાનોને કારણે વિકાસ પામતું લીલોતરીથી છવાયેલું માંડવીનું આ સુંદર ગામ

યુવાઓ ધારે તો શું નહીં કરી શકે. માંડવીના (Mandvi) એક ગામના (Village) યુવાનોને કારણે ગામને વિશેષ ઓળખ મળી છે અને એ ગામ એટલે વદેશીયા. જે માંડવી નગરથી 20 કિ.મી.ના અંતરે આવેલું છે. શહેરી વિસ્તાર જેવી સુવિધા આ ગામમાં પણ હવે તો ઉપલબ્ધ છે. તમે ગામમાં પ્રવેશો એટલે ચોતરફ લીલોતરી (Greenery) જોવા મળે. અને એ ગામના યુવાનોને (Youth) કારણે શક્ય બન્યું છે. આ ગામનો પહેલા નોગામા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતો હતો. સન-2017માં આ ગ્રામ પંચાયતને અલગ દરજ્જો પ્રાપ્ત થયો હતો. પાછલા દાયકાઓમાં વદેશીયા ગામનો વિકાસ રુંધાતો હતો. જેને હવે નવી દિશા મળી રહી છે. આ ગામનાં પ્રથમ સરપંચ કંકાબેન વી.ચૌધરીએ સુકાન સંભાળતાં જ ગામમાં રસ્તા, 45 હેડપંપ, 67 બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓ મળી છે.

વળી, પ્રધાનમંત્રી આવાસો, વીજળી જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. દરેક કામમાં ગ્રામજનોનો એકસંપ પણ ખરો. આ ગામની કુલ વસતી 2187 છે, જેમાં પુરુષ 1103 અને સ્ત્રી 1084 છે. કુલ મતદાર 1845 જેટલા છે. આ ગામમાં 4 આંગણવાડી, પ્રાથમિક શાળા, સેવા સહકારી મંડળી, દૂધમંડળી વગેરે ગ્રામજનો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ગામ 141.60 હેક્ટરમાં ફેલાયેલું છે. માંડવી તાલુકાના વદેશીયા ગામના યુવાનો હંમેશાં માટે પ્રકૃતિની જાળવણી કરવા માટે ખડેપગે સહકાર આપતા હોય છે. તેનાં ચિન્હ ઝાડ તેમજ બળદગાડું આજે પણ એ વાતની ગવાહી પૂરે છે કે આદિવાસી સંસ્કૃતિ જીવંત છે. ઝાડ અને બળદગાડાનું ચિન્હની ભેટ આદિવાસી આગેવાન બુધિયાભાઈ રત્નાભાઇ ચૌધરીએ સ્મૃતિભેટ તરીકે આપી હતી. તેનું નવીનીકરણ કરી ગામના કિસાન ચોકમાં પ્રદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તે જોતાં જાણે સ્માર્ટ વિલેજની રૂપરેખા પણ કંઈક અંશે આવી જ હશે.

તદ્ઉપરાંત ભંગારના પાટિયાને ઉપયોગમાં લઈ થાંભલા પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. સમાજને હંમેશાં આગળ લાવવા પ્રયત્નશીલ રહેતા યુવાનોના જણાવ્યા અનુસાર નવી આવનારી પેઢી કદાચ બળદગાડાને ફોટામાં જ જોઈ શકશે. તેથી આ વારસાને જાળવી રાખવા માટે એક અલગ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વદેશીયા ગામમાં પ્રવેશતાની સાથે જ ચોક નજરે પડશે. તેની સુંદરતાથી ગામની શોભામાં વધારો થયો છે. ખાસ કરીને રિબીન કાપીને મોટા ભાગે ઉદઘાટન થતું હોય છે. પરંતુ આ બળદગાડાના જોહરા જોડે દોરડું બાંધી ગ્રામજનો તથા સમાજને એકત્રિત કરી, સંગઠિત થવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઉપરાંત બળદગાડું આપનાર બુધિયાભાઈ અને આદિવાસી સંસ્કૃતિ વિશે સમજ આપનાર વિજયભાઈને કારણે રંગોળી સાથે બળદગાડાને પેઇન્ટ કરાવાયું છે. આવી ઉત્તમ કામગીરી માંડવી તાલુકાની આ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

યુવાનોની કમાલ: બેકાર વીજપોલ ઉપર કલર કરી સુવિચારો લખ્યા
આજકાલ
યુવાનો કંઈક ને કંઈક નવું કરી રહ્યા છે. ટેક્નોલોજીમાં પણ યુવા વર્ગ સૌથી આગળ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં યુવા વર્ગની કુનેહને કારણે જોઈ કોઈ આગળ વધ્યું હોય તો તે વદેશીયા છે. જેમણે આખા ગામને પોતાની ઇનોવેટિવ આઇડિયા થકી સૌથી અલગ બનાવ્યું છે. ગ્રીન ટીમ યુવાનોએ એલઇડી લાઇટ ફિટ કરતાં બેકાર બનેલી સોલાર સિસ્ટમ લાઈટને અન્યત્ર ખસેડી હતી. અને બિન ઉપયોગી વીજપોલથી આંતરિક માર્ગને રોશન કર્યા હતા. પહેલાં ગામેગામ સોલર સિસ્ટમ લગાવવામાં આવી હતી. એ સમયે માંડવીના વદેશીયા ગામમાં પણ સોલાર સિસ્ટમ મૂકવામાં આવી હતી. પરંતુ લાંબા સમયે બિનઉપયોગી બનતાં તેની જગ્યાએ ગામમાં એલઇડી લાઇટ લગાવવામાં આવી હતી. બિનજરૂરી બનેલા બધા થાંભલાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ માટે વિચારણા કરવામાં આવી હતી. અને વેસ્ટ બનેલા પોલને બેસ્ટ બનાવી ગામમાં શોભારૂપ બનાવવાનું ગ્રીન ટીમ યુવાનોએ નક્કી કર્યું હતું. અને તે તમામ પોલોને ઉખેડી તેનો થોડા ખર્ચમાં અમલીકરણ કરી સોલર પેનલનો અન્ય જગ્યાએ ઉપયોગ કર્યો હતો. જે સ્ટેશનથી ગામની અંદર સુધી મુખ્ય રસ્તા ઉપર આ થાંભલાનો ઉપયોગ કરી અજવાળું કરવામાં આવ્યું હતું. પોલને કલર કરી તેના પર સુંદર સુવિચારો લખી ગામની શોભા વધારાઈ હતી.

અમે વિકાસકામો કરતા રહીશું: સરપંચ કંકાબેન
ગામના
વિકાસ માટે ગ્રામજનોમાં એકરાગીતા ખૂબ જ જરૂરી છે. વદેશીયા ગામનાં પ્રથમ મહિલા સરપંચ કંકાબેન વિલાસભાઈ ચૌધરીએ પણ ગામને અવ્વલ બનાવવાની નેમ લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારું ગામ અન્ય ગામોની તુલનામાં ખૂબ જ ડેવલપ થયું છે. અમારી ગ્રામ પંચાયતની મહિલા સભ્યો પણ એ વાતની સાબિતી આપે છે કે મહિલાઓ પણ આજે કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. ગામની નવી પંચાયત બોડી શિક્ષિત અને યંગ હોવાથી તેનો લાભ ગામને થયો છે. અમે આ જ રીતે વિકાસકામો કરતા રહીશું.

ઘરઆંગણે લાઈબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ
વદેશીયા
વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. રૂ.18 લાખના ખર્ચે આધુનિક પંચાયત બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં તલાટીનું નિવાસ અને કોમ્યુનિટી હોલનો પણ સમાવેશ કરાયો છે. ઉપરાંત ગ્રામના વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે લાઈબ્રેરીની પણ સગવડ છે. જેથી ગામના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે. હાલમાં ગામમાં ઘણા વિકાસનાં કામો થયાં છે. ગામનાં 8 ફળિયા છે. જેમાં ડી.પી. ફળિયું-1 અને 2, ડેરી ફળિયું, ગોડાઉન ફળિયું, ઉપલું ફળિયુ, નિશાળ ફળિયું, મંદિર ફળિયું અને જોડખા ફળિયું આવેલું છે. દરેક ફળિયાંમાં સીસી રોડ, પેવર બ્લોક સહિત પાણીની સુવિધા જેવાં 90 % જેટલાં કામ પૂર્ણ થયાં છે.

સ્વયંસેવકો રાખે છે ગામને ચોખ્ખુંચણાક
ગામમાં
વિવિધ પ્રવૃત્તિઓ કરાય છે. જેમાં યુવાનો દ્વારા ઉત્સાહભેર ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામના જાહેર રસ્તાની સફાઇ કરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ, સ્વાઈન ફ્લૂના ઉકાળાનું વિતરણ, બ્લડ બેન્ક માટે રક્તદાન, વિવિધ તહેવારો સાથેની ધાર્મિક પ્રવૃત્તિ સાથે ભંડારાનું આયોજન પણ થાય છે અને સામાજિક કાર્યક્રમમાં યુવાનો પોતાનું યોગદાન પણ આપે છે. ગામના જાગૃતિ અભિયાનમાં પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. નોગામા સહકારી મંડળી ફડચામાં ગઈ એ સમયે ત્યાંથી તેનો વિકાસ કરવામાં યુવાનોનો સિંહફાળો રહ્યો હતો. આ સેવા સહકારી મંડળી દ્વારા ઝીરો ટકા વ્યાજ વગરની લોન આપવામાં આવે છે અને પિયત મંડળી ચાલુ થતાં તેનો લાભ પણ ગામને મળ્યો છે. આ ગામની દરેક કામગીરી ઘણી સારી છે. તેનો લાભ દરેકને મળે છે. ખેતી માટે મળતું ધિરાણ ખેડૂતોને પણ ઘણું જ ઉપયોગી છે.

વદેશીયા ગામને એક વર્ષ માટે યુનિસેફની ટીમે દત્તક લીધું
વદેશીયા ગામમાં ગાંધીનગર યુનિસેફ તથા તાલુકાના કર્મચારીઓએ પણ મુલાકાત લીધી હતી. અને ગ્રીન ટીમના સભ્યોની કામગીરી બિરદાવી હતી. ખુલ્લામાં શૌચમુક્ત અભિયાન અંતર્ગત ઘન-પ્રવાહી કચરાનો નિકાલ, ડ્રેનેજ લાઈન, ઉકરડા સહિતની કામગીરી અંગેની માહિતી આપી હતી. ગામના વિકાસ માટે અન્ય યોજના માટે પણ સફળતાનો પ્રયાસ કરવા સરપંચ અને ગ્રીન ટીમના યુવાનોનો જુસ્સો જોઈ મોડેલ વિલેજ બનાવવા માટે યુનિસેફની ટીમે વિસ્તૃત ચર્ચા કરતાં યુવાનોનો જુસ્સો વધ્યો હતો. યુનિસેફના જવાબદાર અધિકારી તથા સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ દ્વારા વદેશીયા ગામને મોડેલ વિલેજ તરીકે વિકસિત કરવાની જાહેરાતો કરાઈ હતી. જ્યારે યુનિસેફ ગુજરાતના છ જિલ્લામાં સમાવેશની કામગીરી કરે છે. ત્યારે સુરત જિલ્લાનો સમાવેશ થતાં માંડવીના વદેશીયા ગામની વસતી તથા સરપંચ અને ગ્રીન ટીમના યુવાનો માટે ગામ માટે કંઈક કરવું એવી ભાવના પણ યુનિસેફે વ્યક્ત કરી હતી. બીજી તરફ વેસ્ટમાંથી બેસ્ટ, લાઇબ્રેરી, જાહેર સંદેશ માટે માઇક, સ્વચ્છ અભિયાન, કોરોનામાં કિટ વિતરણ, સેનિટાઈઝર માટે દેશી પદ્ધતિ, જરૂરિયાતમંદોને સહાય જેવાં જનહિતનાં કાર્યો સાથે ગામ વ્યસનમુક્ત બને એ માટે ગ્રીન ટીમ પ્રયત્નશીલ છે.

UNICEF દ્વારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી
વદેશીયા
ખાતે એક આદર્શ ગામ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા UNICEFએ દત્તક લીધા બાદ ગામની પ્રાથમિક સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કરી ઘરોમાં વપરાશ કર્યા બાદના ગંદા પાણીના નિકાલ માટે કોમ્યુનિટી મેજિક પીટ (જાદુઈ ખાડો) બનાવવામાં આવ્યો હતો. જેનું રાજ્યમાં સૌપ્રથમ ઉદાહરણ ગુજરાતના લોકો સમક્ષ રજૂ કરાયું હતું. આ કાર્યોમાં નાયબ કલેક્ટર નિયામક, યોજના તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, અન્ય ગામના સરપંચો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતના અન્ય કર્મચારીઓ અને ગ્રામજનો તથા ગ્રીન ટીમના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રીન ટીમે લીધી વૃક્ષારોપણની પ્રતિજ્ઞા
વદેશીયા
ગામના ગ્રીન ટીમના યુવાનો તથા ગ્રામજનો સાથે મળી વિવિધ દિવસોની ઉજવણી કરતા હોય છે. પરંતુ પ્રકૃતિ પૂજ્ય તરીકે સૌપ્રથમ વૃક્ષારોપણ એ જ આપણો મોટો તહેવાર હોવાનું માની અનોખી ઉજવણી પણ કરે છે. ગામમાં અનેકવાર વૃક્ષનું વાવેતર કરી મદદ કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ત્રણથી ચાર હજાર જેટલાં વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે. જેને નિયમિત રીતે પાણી, સેન્દ્રીય ખાતર આપી વૃક્ષોની માવજત કરાય છે. આ બાબતે ગ્રીન ટીમના મિતુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગામ સુંદર હોય તો કોને ન ગમે. અમારા ગામે જે વિકાસ કર્યો છે એમાં અમારા ગ્રામજનોનો ખૂબ જ સહકાર છે. વદેશીયા ગ્રીન ટીમને વૃક્ષારોપણ થકી સફળતા મળી છે. ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ પણ આ કાર્યમાં રસ લીધો હતો. શાળાનાં તમામ બાળકોને એક છોડનો રોપો આપવામાં આવ્યો હતો. જેમણે ઘરના વાડામાં રોપ્યા હતા. તેનું મૂલ્યાંકન કરતાં ઉનાળામાં પણ ખૂબ જ સરસ માવજત કરાઈ હોવાનું જણાયું હતું. મોટા ભાગના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે છોડોની માવજત કરે છે. જેને ધ્યાને લઈ ગ્રીન ટીમ તરફથી બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યાં હતાં. અને ગામના દરેક નાગરિકે એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેતાં આગામી દિવસોમાં ગામને હરિયાળું બનાવવામાં મદદરૂપ થશે.

વદેશીયા ગામના બસ સ્ટેન્ડમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી
હાલમાં સરકારી યોજનાઓને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પરિવર્તનની લહેર ફેલાઈ રહી છે. આધુનિકતા તરફની દોટમાં ગામડાં પણ પાછળ નથી. એટલે જ તો આધુનિકતાને આવકાર, સંસ્કૃતિને સન્માન સાથે વદેશીયાએ પણ નવી દિશામાં આગેકૂચ કરવાનું નક્કી કરી લીધું છે. વદેશીયા ગામના યુવાનો હંમેશાં નવા પ્રયોગ કરીને ગામની રોનક બદલવામાં અગ્રેસર રહ્યા છે. ત્યારે માંડવી-કીમ રોડ ઉપર વદેશીયા ગામના બસ સ્ટેન્ડને રિપેરિંગ કરી તેના પર આદિવાસી સંસ્કૃતિ અને રીત-રિવાજો દર્શાવતું વારલી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જે અહીં આવનારા અને અહીંથી પસાર થનારા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મનરેગા યોજના થકી ગ્રામજનોને કોરોના મહામારીના સમયે રોજગારી મળી
વદેશીયા
ગામ ખાતે મનરેગા યોજનાનાં વિવિધ કામો શરૂ કરાતાં અંતર્ગત કામગીરી દરમિયાન વ્યક્તિ દીઠ રૂ.221 સુધીની રોજગારી આપવામાં આવે છે. કોરોનાની મહામારીના સમયે ગ્રામજનોને ગામ ખાતે રોજગારી મળી રહે એ હેતુથી સરકારીની મનરેગા યોજનાનાં કામો કરાયાં હતાં, જેમાં 300થી વધુ વ્યક્તિને લાભ આપવામાં આવ્યો હતો.
જાહેર સૂચનો માટે નવતર પ્રયોગ
એક સમય
હતો જ્યારે ગ્રામ પંચાયતનો કર્મચારી ઘરે ઘર ફરીને ગ્રામસભા સહિતની જાણકારી આપતો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. વદેશીયા ગામના શાસકો તથા યુવા ટીમ દ્વારા માઈક સિસ્ટમનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને પંચાયત ઘર પર ચોક્કસ ઊંચાઈએ ચારેય દિશામાં સ્પીકરો ગોઠવવામાં આવ્યાં છે. જેના દ્વારા ગામમાં સુખ, દુઃખનો પ્રસંગ હોય અથવા કોઈ યોજના અંગેની માહિતી સરળતાથી પહોંચાડી શકાય છે. એ સાથે સમયનો વ્યય પણ થતો નથી.

વદેશીયા ગામે ડામર રોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ
ગામનો
યુવાન મિતુલ ચૌધરી છેલ્લા ઘણા સમયથી પ્રકૃતિના જતન તથા સંવર્ધન માટે કટિબદ્ધ છે. અને પર્યાવરણની જાળવણી માટે પણ લોકોને જાગૃત કરી રહ્યો છે. પોતાના ગામ માટે સરકારી યોજનામાં ડામર રોડનું નિર્માણ કરવાના સમયે પ્લાસ્ટિકનો ક્રસ કરી ગામના ડામર રોડમાં ઉપયોગ કર્યો હતો. જે અન્ય ગ્રામજનો માટે પ્રેરણારૂપ છે. જે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ ઉપયોગ અંગેનું સરાહનીય કાર્ય છે.
લોકોના આરોગ્યની સુખાકારી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ
વદેશીયા
ગામમાં 90 ટકા વસતી ચૌધરી સમાજની છે. જેને ધ્યાનમાં રાખી આરોગ્ય CHC સેન્ટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આરોગ્ય સેન્ટર સન-2017માં શરૂ કરવામાં આવ્યું હતું. જે અંદાજિત 8 લાખના ખર્ચે બનાવાયું હતું. આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન સરપંચ કંકાબેન ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાથમિક સુવિધાનો લાભ ગ્રામજનો, આજુબાજુ ગામના લોકો તથા શેરડી કાપવા આવતા મજૂરોને પણ મળે છે. હાલ આરોગ્ય કેન્દ્ર પર ડો.સંદીપ શુક્લ સેવા આપી રહ્યા છે.

ગામના ગ્રીન ટીમના યુવાનોએ લાઇબ્રેરી બનાવી
વદેશીયા
ગામમાં 65 % વસતી શિક્ષિત છે. શિક્ષણ કોઈપણ દેશના વિકાસ માટે મોટો ફાળો ભજવે છે. કોઈ ભાવિના પેઢીના નિર્માણ માટે શિક્ષણ જરૂરી છે. આદિવાસી સમાજના લોકો પણ એ દિશામાં આગળ વધી રહ્યા છે. પંચાયત ખાતે ગ્રીન ટીનના યુવાનો થકી લાઇબ્રેરીની સુવિધાઓ ઉપલબ્ધ થતાં ગામનાં યુવકો-યુવતીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.

શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પાયાના પ્રશ્નો વણઉકેલ્યા
દક્ષિણ
ગુજરાત આમ તો ખેતી માટે જાણીતું છે. પરંતુ કુદરતી આપત્તિઓ વચ્ચે ખેતી પડકાર બની છે. નાના ખેડૂતો માટે આર્થિક ખોટ નજીવી હોય છે. ત્યારે મોટા ખેડૂતો માટે ખેતી જુગાર બને છે. આ સ્થિતિમાં માંડવીના વદેશીયા ગામના ખેડૂતો શેરડી, ડાંગર અને ભીંડાની ખેતી કરે છે. હાલમાં શેરડીનું ઉત્પાદન વધુ હોવાથી મઢી, કામરેજ સુગરમાં મોકલાવવી પડે છે. માંડવી સુગર અણધડ વહીવટના કારણે બંધ પડી છે, જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જેના કારણે પ્રમુખ – ઉપપ્રમુખ અને એમ.ડી.એ જેલની હવા ખાવી પડી હતી. ઉપરાંત વદેશીયા ગામની સેવા સહકારી મંડળી બંધ હોવાના આરે હતી. જેને પુન: જીવિત કરવા વિલાસભાઈ ચૌધરીએ ખેડૂતોને 0 % દરે ધિરાણ આપીને ખેડૂતોને સક્ષમ બનાવ્યા હતા.

પર્યાવરણ જાગૃતિ માટે પ્લાસ્ટિકની થેલીન અલવિદા
આખા
વિશ્વ માટે પ્લાસ્ટિકનો કચરો સમસ્યારૂપ બની ગયો છે. આ સમસ્યાને નાથવા વિશ્વ આદિવાસી અધિકાર દિવસે વદેશીયા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ઘરે-ઘરે કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. તેમજ આદિવાસીના અધિકાર દર્શાવતું કાગળ આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે ગ્રીન ટીમે માર્ગદર્શન આપ્યું હતું. ગામમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. તેમજ તમામ દુકાનોમાં પ્લાસ્ટિકના ઝભલા સદંતર બંધ કરવા માટે સૂચન કરાયું હતું. ગામના યુવાનોએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટિ માટે પ્લાસ્ટિક દાનવસમાન છે. ત્યારે તેને નાથવું ખૂબ જ જરૂરી છે. ગામમાં અનેક જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો હોવાથી ગામમાંથી પ્લાસ્ટિક ઉકરડા તથા ખેતરોમાં જાય છે. તે જમીન માટે હાનિકારક છે. આવી અનેક સમસ્યા પ્લાસ્ટિક નોતરી શકે છે. પૃથ્વી આપણું ઘર છે. તેમાં રહેતી તમામ જીવસૃષ્ટિને બચાવવા એક થઈને અનેક પ્રયત્નો હંમેશાં કરતા રહેવું એ આપણો ધર્મ હોવો જરૂરી છે.

ગ્રામ પંચાયતના પ્રથમ વખત ચુંટાયેલાં સરપંચ અને સભ્યોની નામાવલી
# સરપંચ – કંકાબેન વિલાસભાઈ ચૌધરી
# ઉપસરપંચ – રામુભાઈ પરસોત્તમભાઈ ચૌધરી
# તલાટી કમ મંત્રી – હર્ષિદાબેન આર. સોલંકી
# ગ્રામસેવક – રેખાબેન
પંચાયતનાં સભ્યો
# રક્ષાબેન દેવસિંગભાઈ ચૌધરી
# સોનાબેન લાલસિંગભાઈ ચૌધરી
# વર્ષાબેન જયંતીભાઈ ચૌધરી
# સરિતાબેન હસમુખભાઈ ચૌધરી
# દુર્લભભાઈ ઉક્કડભાઈ ચૌધરી
# વિલાસભાઈ ગબલભાઈ ચૌધરી
# લલિતાબેન કાંતુભાઈ ચૌધરી

Most Popular

To Top