Dakshin Gujarat

અકસ્માત: મહુવામાં ખાનગી લક્ઝરી બસ પુલ પર અધ્ધર લટકી, સદનસીબે પ્રવાસીઓનો આબાદ બચાવ

અનાવલ: રાજ્યમાં ચોમાસાના કારણે રસ્તાઓની બિસ્માર હાલત અને વાહન ચાલકો દ્વારા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે અકસ્માતો (Accident) થવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતનો બનાવ પામ્યો હતો. મહુવા અનાવલ સ્ટેટ હાઈવે (Mahuva Anaval State Highway) પરથી પસાર થઈ રહેલી ખાનગી લક્ઝરી બસને (Private Luxury Bus) આ અકસ્માત નડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામેથી મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પરથી બુધવારની સવારે પ્રવાસન સ્થળોએ નીકળેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ લક્ઝરી બસ મહેસાણા-ગાંધીનગરથી પ્રવાસીઓને સાપુતારા, શિરડી સહિતના પ્રવાસીય સ્થળે લઈ જઈ રહી હતી. તે દરમિયાન સવારે બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ પુલની રેલીંગ તોડીને અડધી નીચે જતી રહી હતી.

  • બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
  • મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પરથી પસાર થતી બસ પુલની રેલિંગ તોડી, સળિયા પર અધ્ધર લટકી

લક્ઝરી બસ નદીના પુલ સાથે અથડાયા બાદ પુલ પર સાઈટમાં અધ્ધર લટકી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. પ્રાપ્ત એક વીડિયોમાં બસ પુલના સળીયા પર અધ્ધર લટકેલી સ્થિતીમાં જોવા મળી રહી છે. અધ્ધર થયેલી બસને જોતાં સ્થાનિકોની સાથે જ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓએ પ્રવાસીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી.

અકસ્માતમાં કેટલાક પ્રવાસીઓને નાની ઈજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ મહુવા પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની થતાં રહી ગઈ છે. મળતી માહિતી મુજબ, બસમાં સવાર 26 મુસાફરોનો આબાદ થયો હતો. આ ભયજનક વળાંક પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.

તાપી જિલ્લામાં બાઈક અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 2ના મોત
તાપી જિલ્લામાં બાઈક અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત તાપીના ઉચ્છલ નિઝર રોડ પર બાઈક અને કન્ટેનર વચ્ચે સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હાલ ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top