National

અન્ના હજારે ફરી આંદોલનની વાટે: મહારાષ્ટ્રના સીએમને કરી લોકાયુક્ત કાયદાની માંગણી

મુંબઇ: સમાજસેવક અન્ના હજારેએ (Anna Hazare) ફરી એકવાર આંદોલનનું (Movement) રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે તેઓ મહારાષ્ટ્ર સરકાર (Government of Maharashtra) વિરુદ્ધ આંદોલન કરશે. આ વાતની જાહેરાત તેમણે પોતે કરી છે. અન્ના હજારે 9 ઓગસ્ટથી મહારાષ્ટ્રમાં લોકાયુક્ત એક્ટ લાગુ કરવાની માંગ સાથે રાલેગણ સિદ્ધિમાં આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે.

અન્નાએ કહ્યું કે ઠાકરે સરકારે ખાતરી આપી હતી કે અમે કાયદો બનાવીશું. અગાઉ જે સમિતિની રચના કરવામાં આવી હતી તે મુજબ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. ઠાકરે સરકારે લેખિત ખાતરી આપી હતી કે અમે કાયદો બનાવીશું, પરંતુ પછીથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે મહારાષ્ટ્રમાં ફરી એકવાર આંદોલન કરીશું. મુખ્યમંત્રીને 12 વખત પત્ર લખ્યો, પણ જવાબ મળ્યો નહીં. હવે આ આંદોલન મહારાષ્ટ્રના 36 જિલ્લા અને 200 તાલુકાઓમાં શરૂ કરવામાં આવશે.

અગાઉ 2016માં લોકાયુક્ત એક્ટ લાગુ કરવાની માગણી કરી હતી
2016માં અન્ના હજારેએ મહારાષ્ટ્રમાં લોકાયુક્ત એક્ટ લાગુ કરવાની માગણી માટે રાલેગણ સિદ્ધિમાં આઠ દિવસના ઉપવાસ કર્યા હતા. તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અન્નાના ઉપવાસ તોડવા માટે અન્નાની તમામ શરતો સ્વીકારીને લોકાયુક્ત કાયદો બનાવવા માટે એક સમિતિની રચના કરી હતી. લોકાયુક્ત અધિનિયમનો મુસદ્દો સરકારના પાંચ સભ્યો અને અન્ના હજારેના પાંચ સભ્યોની બનેલી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્તામાં આવી હતી. અન્ના હજારેએ સાત પત્રો લખ્યા જેમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ ઠાકરે સરકાર તરફથી એક પણ જવાબ મળ્યો ન હતો.

કેન્દ્રમાં લોકપાલની રચના થઈ, હવે રાજ્યોના લોકાયુક્ત બનવું જોઈએ: અન્ના હજારે
થોડા દિવસ પહેલા અન્ના હજારેએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને લોકાયુક્ત કાયદા માટે વધુ એક આંદોલનની જરૂર હોવાની જાહેરાત કરી હતી. આ વિશે અન્નાએ કહ્યું હતું કે 2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં લોકપાલ માટે આંદોલન થયું હતું. લોકપાલ કેન્દ્ર માટે છે અને લોકાયુક્ત રાજ્યો માટે છે. કેન્દ્રમાં લોકપાલની રચના થઈ, હવે રાજ્યોમાં લોકાયુક્ત બનવું જોઈએ. અન્ના હજારેએ કહ્યું કે ઘણા રાજ્યોએ લોકાયુક્ત બનાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં હતા, ત્યારે તેમણે છ દિવસ સુધી આંદોલન કર્યું. જો કે ત્યાર બાદ કાયદાનું નિર્માણ શરૂ થયું હતું. પરંતુ પછી મહારાષ્ટ્ર સરકાર બદલાઈ હતી.

Most Popular

To Top