National

MPમાં મોહન સરકાર બનતા જ એક્શન મોડમાં, ભાજપ કાર્યકરનો હાથ કાપનાર વ્યક્તિના ઘરે ચલાવ્યું બુલડોઝર

નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નવા મુખ્યમંત્રી (Chief Minister) મોહન યાદવ શપથ લેતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. મોહન યાદવની સરકાર બનતાની સાથે જ મધ્યપ્રદેશમાં ફરી એકવાર બુલડોઝરનો (Bulldozer) ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપના (BJP) કાર્યકરની હાથ કાપનાર વ્યક્તિના ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બાદ મોહન રાજમાં પણ બુલડોઝરની કાર્યવાહી ચાલુ છે.

મળતી માહિતી મુજબ પ્રશાસને ભાજપના કાર્યકરનો હાથ કાપી નાખનાર આરોપી ફારુખ રૈન ઉર્ફે મીનીના ઘર પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો છે. આ બુલડોઝર ભોપાલના 11 નંબર જનતા કોલોનીમાં આરોપીના ઘરે ગયું હતું. આરોપી ફારૂક રૈન પર ભાજપના કાર્યકર દેવેન્દ્ર ઠાકુરની હથેળી કાપવાનો આરોપ હતો.

5 ડિસેમ્બરે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આરોપી ફારૂકે ભાજપના કાર્યકર દેવેન્દ્ર ઠાકુર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં દેવેન્દ્ર ઠાકુરની હથેળી કપાઈ ગઈ હતી. દેવેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કૈલાશ વિજયવર્ગીય પણ બીજેપી કાર્યકરને મળવા હોસ્પિટલ ગયા હતા. આરોપી ફારૂક હબીબગંજ પોલીસની ગુંડા યાદીમાં સામેલ છે અને તેની સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચ આરોપી ફારુક રૈન, અસલમ, શાહરૂખ, બિલાલ અને સમીરની ધરપકડ કરી લીધી છે.

મોહન યાદવે સીએમ બન્યા બાદ પોતાના પહેલા આદેશમાં લાઉડસ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવ્યો હતો. આ આદેશ અનુસાર, જો ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકર નિર્ધારિત ડેસિબલથી વધુ અવાજે વગાડતા સાંભળવામાં આવશે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ટાંકવામાં આવી હતી.

નવા સીએમ મોહન યાદવે પણ ખુલ્લામાં માંસ વેચવા પર કડકતા દાખવી હતી. તેમણે ખુલ્લામાં માંસ વેચવા અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ સંદર્ભે ખુલ્લામાં માંસ વેચવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top