Columns

ખોવાયેલો પ્રેમ

7,446 Lost Love Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

રાજ અને રીનાનાં પ્રેમલગ્નને ૧૨ વર્ષ થયાં.બે બાળકો થયાં.ઘર અને બાળકોને રીના પ્રેમથી જાળવતી પણ પોતાની જાતને ભૂલી ગઈ. પોતાનું કોઈ ધ્યાન ન રાખતી. બધી ફરજ પૂરી કરતી.બાળકોને જાળવતી, તેમની સાથે હસતી, પણ રાજને એક સ્મિત પણ કદાચ જ આપતી. રાજે આખા દિવસમાં શું કર્યું ..કયાં હતો એવું પણ ન પૂછતી.પહેલાં રાજને ભાવતી વાનગીઓ રોજ બનાવતી પણ હવે એવું ન રહ્યું.જાણે પ્રેમરસ સુકાઈ રહ્યો હતો.રીનાના આવા પ્રેમવિહીન વ્યવહારથી રાજ દુઃખી અને પરેશાન રહેવા લાગ્યો.

બહુ મનોમંથન બાદ રાજે નક્કી કર્યું, આમ જીવવા કરતાં તો છૂટાં પડી જવું સારું અને તેણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.અને પોતાના પિતાને ભારે હૈયે ફોન કર્યો અને રીનાને મારી કોઈ પરવા નથી.હવે અમારી વચ્ચે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી જણાવી પિતાને કહ્યું, “મેં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.” પિતા સમજદાર હતા. તેમણે રાજને કહ્યું, “ભાઈ, જો હું તો એટલું કહીશ કે તું વિચારી જોજે કે તેં કેટલો પ્રેમ નિભાવ્યો છે અને લગ્ન વખતે આપેલાં કેટલાં વચન પાળ્યાં છે, પછી તને એમ લાગે કે તેં બધાં વચન નિભાવ્યા છે તો તું જે ઈચ્છે તે નિર્ણય લઇ શકે છે.” પિતાની વાત સાંભળી રાજ વિચારમાં પડી ગયો.એક સાથે પ્રેમની શરૂઆતના દિવસો …વાતો ….વિચારો ..સપનાંઓ ..વચનો યાદ આવી ગયાં… ‘આપણે બધી જવાબદારી સાથે મળી નિભાવશું’…

‘મને મોંઘી ભેટ નહિ પણ રોજ તું ગજરો લાવી આપીશ તો ગમશે’… ‘દર શનિવારે મોડી રાત સુધી વાતો કરીશું’….. ‘રવિવારે સવારે ચા હું બનાવીશ’…આવી નાની નાની કે પછી મોટી ઘણી વાતો ..વિચારો ..સપનાઓ…વચનો યાદ આવી ગયાં…..અને પછી પોતાને જ શરમ આવી…સત્ય સમજાયું  કે રીનાએ તો જાતને ભૂલી ઘર ..મને અને બાળકોને સંભાળ્યાં … પણ મેં શું કર્યું, શું એક પણ વચન નિભાવ્યું? હમેશા નહિ, પણ એક વાર પણ રીનાને ઘરકામમાં મદદ નથી કરી કે નથી એક વાર પણ ચા બનાવી કે તેના માટે ગજરો લાવ્યો.માત્ર ઠાલી વાતો. સાંજે રાજ ગજરો લઇ ઘરે ગયો.રીના જરાક મલકી.રવિવારે રાજે ચા નાસ્તો બનાવ્યા …રીનાને ખુશી થઇ …સાંજે મોંઘી હોટલને બદલે રાજે ઘરની બાલ્કનીમાં સરસ ડીનર ગોઠવ્યું અને રીનાને કહ્યું, “હું મારાં ઘણાં વચનો.. વાતો ભૂલ્યો છું ..પણ હવે મને યાદ આવી ગયાં છે …રીના મલકાઈ ઊઠી અને બંને વચ્ચે ખોવાયેલો પ્રેમ ફરી મહેકી ઊઠ્યો.      
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top