Dakshin Gujarat

કુકરવાડા પાસે એલએન્ડટીના ગોડાઉનમાં બાકોરું પાડી રૂ.31.52 લાખનો સામાન ચોરી

ભરૂચ: અમદાવાદ-મુંબઇ વચ્ચે બની રહેલા ગુડ્સ ટ્રેન રેલવે પ્રોજેક્ટના કુકરવાડા અને દહેગામની સીમમાં આવેલાં એલએન્ડટીના (LNT Godown) ગોડાઉનની દીવાલમાં બાકોરું પાડી અંદરથી રૂ.૩૧.૫૨ લાખ મત્તાનો સામાન ચોરી થઇ ગઈ હતી.ભરૂચ (Bharuch) તાલુકામાં આવેલા કુકરવાડા અને દહેગામ ખાતે આવેલી એલએન્ડટી કંપનીનો અમદાવાદ-મુંબઇ સુધી ગુડ્સ ટ્રેનના રેલવે પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટમાં કામ ચાલી રહ્યું છે, જેમાં વડોદરાના મકરપુરાથી સુરત સુધી માટે અમિતકુમાર રાજ નારાયણ વર્મા એડમિન આસિસ્ટન્ટ તરીકે ધ્યાન રાખે છે. કુકરવાડા તેમજ દહેગામ બસ સ્ટેન્ડ પાસે કંપનીએ પાકી દીવાલનું ગોડાઉન બનાવ્યું હતું, જેમાં અલ્હાબાદથી આવેલો અલગ અલગ પ્રકારનો લાખોની મત્તાનો સામાન ગોડાઉનમાં મૂક્યો હતો.

ગોડાઉનની દીવાલને બાકોરું પાડી તસ્કરો .31.52 લાખનો સામાન ચોરી કરી ગયા
ગત તા.૨૩ સપ્ટેમ્બરે તેઓ સવારે દહેગામ ખાતે આવેલા શેડ પર કામ અર્થે જતાં ત્યાંના સ્ટોર ઇનચાર્જ પ્રમોદે તેમને જણાવ્યું હતું કે, ગોડાઉનની દીવાલને બાકોરું પાડી તેમાંથી તસ્કરો અલગ અલગ પ્રકારનો કુલ ૩૧.૫૨ લાખની મત્તાનો સામાન કોઈક તસ્કરો ચોરી કરી ગયા છે. જેના પગલે તેમણે હેડ ઓફિસમાં જાણ કરતાં તેમણે તમામ પ્રકારની તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપતાં આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં હાલ હાઇ સ્પીડ ટ્રેન, વડોદરા-મુંબઇ એકસપ્રેસ હાઇવે તથા રેલવેના કોરિડોરની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અનેક કન્સ્ટ્રક્શન કંપનીઓ તેમની કામગીરી કરી રહી છે. આ કંપનીઓએ તેમનો સામાન રાખવા માટે ઠેર ઠેર ગોડાઉન બનાવ્યાં છે. જેને લઈ ગોડાઉનોમાંથી ચોરીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે કામદારો વતનમાં ગયા હોવાથી અવરજવર ઓછી થતાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગે છે. જો કે, પોલીસ વિભાગ માટે પણ પડકારરૂપ ઘટના કહેવાય.

Most Popular

To Top