Business

લાઇફ 100, 200 નહીં 300 વર્ષ એક્સ્ટેન્ડ થઈ જાય તો?

પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર હેરોડોટસે ઈ.સ.પૂર્વે 5 ઈસામાં યુવાનીના ફુવારા વિશે લખ્યું હતું – એક જાદુઈ ફુવારો, જેનું પાણી ચીરયુવાની ફરી આપે છે અને જીવનભર જુવાન રાખે છે. ઇંગ્લેન્ડમાં લિબ્રાહમ ઇન્સ્ટિટ્યૂટના Ph.D વિદ્યાર્થી દિલજીત ગિલને 2019માં જાણવા મળ્યું હતું કે, યોગ્ય સમયે કોષના રૂપાંતરણને રોકવાથી જૂના માનવ કોષોનું વૃદ્ધત્વ સમાપ્ત થઈ શકે છે, જે મનુષ્યને 25 વર્ષની આસપાસ “યુવાન” બનાવી શકે છે! જાન્યુઆરી, 2022માં અલ્ટોસ લેબને 3 બિલિયન ડોલરના ભંડોળ સાથે શરૂ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે, જેફ બેઝોસ, યુરી મિલનર અને પીટર થિએલ જેવા અબજોપતિ રોકાણકારો ધરાવતી અલ્ટોસ લેબે વૃદ્ધત્વનો ઉકેલ શોધવા માટે ગિલ અને તેના સુપરવાઈઝર વુલ્ફ રિક સહિતના આ ક્ષેત્રના ઘણા મોટા નિષ્ણાતોને આ કાર્યમાં જોડ્યા છે.

અલ્ટોસ લેબ્સની ટોચની લીડરશીપમાં ગ્લેક્સો સ્મિથક્લાઇનની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમના ભૂતપૂર્વ વડા હેલ બેરોન, US નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર રિક ક્લાઉસનર અને જેનટેકના ભૂતપૂર્વ વરિષ્ઠ ઉપપ્રમુખ એન લી-કાર્લોનનો સમાવેશ થાય છે. તેમનું મિશન શું છે, જાણો છો? સદા યુવાન રહેવા માટે આધુનિક ફુવારાની શોધ અને મૃત્યુને હરાવવાનો માર્ગ શોધવો! અલ્ટોસનો ઉદ્દેશ્ય બીમારીઓ અને વૃદ્ધત્વને કારણે થતાં નુક્સાનને દૂર કરવાનો છે, જેના કારણે ઘણી વખત વ્યક્તિ અપંગ, લાચાર બની જાય છે અને મોત તરફ ધકેલાઈ જાય છે. અલ્ટોસ જીવનની ગુણવત્તાને પુનઃસ્થાપિત કરે છે અને તેને વધારે છે. અલ્ટોસ લેબનો મૂળ હેતુ ઉંમર વધતાં થતી પરેશાનીઓનો ઉકેલ શોધવો અને ઈન્સાનની જિંદગીને 100-200 વર્ષ, બની શકે તો 300 વર્ષ સુધી વધારવા માટે કોશિશ કરવી એવો થાય છે. રોગ અને પછી મૃત્યુ તરફ દોરી જતી પ્રક્રિયાઓને ધીમી કરવા અને તેને ઉલટાવી દેવાની કોશિશો થઈ રહી છે.

5 BCમાં હેરોડોટસ અને 2021માં અલ્ટોસ લેબ્સ, 16મી સદીથી મનુષ્યો કાયમ યુવાન રહેવા ‘વૈજ્ઞાનિક રીતે’ માર્ગ શોધી વૃદ્ધત્વને ઉલટાવી લેવાનો પ્રયાસ કરતા રહ્યા છે. વૃદ્ધત્વની સૌથી ખરાબ અસરોને અટકાવવાનો પ્રયાસ પણ કરતા રહ્યા છે. 1550માં એક ઇટાલિયન લુઇગી કોર્નારોએ ધ આર્ટ ઓફ લિવિંગ લોંગ પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે લાંબું જીવન જીવવા માટે આદતો સુધારવા વિશે વાત કરી હતી. આને આપણે આજની ભાષામાં જીવનશૈલીમાં બદલાવ કહી શકીએ. પછી 19મી સદી આવી અને વૈજ્ઞાનિક પ્રગતિએ શરીરના અનેક રોગો અને ખામીઓને ઓળખી લીધી, જે વધતી ઉંમર સાથે આવે છે‌. એવું પ્રસ્થાપિત કર્યું કે, વૃદ્ધાવસ્થા અને રોગ વચ્ચે અતૂટ સંબંધ છે, જેના કારણે વૃદ્ધાવસ્થાને જ શક્ય હોય તો દૂર કરવાની કોશિશ થવી જોઈએ.

આ જ સમયની આસપાસ વૃદ્ધત્વના ઉકેલની શોધ બે અલગ અલગ રસ્તે વિભાજિત થઈ ગઈ હતી. કોર્નારોનો પહેલો રસ્તો, જે વૃદ્ધત્વની રફ્તારને ધીમી કરવી અને શરીર પર વૃદ્ધત્વનાં ચિહનોને દૂર કરવા વિશે વાત કરે છે. વર્તમાન યુગમાં આ ઉપાયોમાં કસરત, આરોગ્યપ્રદ ખોરાક, જરૂરી પોષણ, પૂરતી ઊંઘ લેવી અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારોનો સમાવેશ થાય છે. બીજો રસ્તો જે આનાથી તદ્દન અલગ છે, જેને આપણે વધુ ઊંડાણપૂર્વક તપાસવા જઈ રહ્યા છીએ, તે છે વૈજ્ઞાનિક ડી-એજિંગ. આ પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધત્વને એક રોગ તરીકે જોવામાં આવે છે, જેની પર “હુમલો કરી નાશ” કરવો એવો કરવામાં આવે છે. પ્રથમ પદ્ધતિમાં તેની અસરકારકતા સાબિત કરવા માટે ઘણી વસ્તુઓ છે, બીજી પદ્ધતિમાં હજુ પણ સંશોધન અને ફેરફારો થઈ રહ્યાં છે. છતાં પણ આજે આપણે વૈજ્ઞાનિક રીતે વૃદ્ધાવસ્થાને રોકવા અથવા ઉલટાવી દેવાની પહેલાં કરતાં વધુ નજીક છીએ.

એન્ટી-એજિંગ સોલ્યુશન્સ માટેની વર્તમાન શોધ 2013માં ગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કંપની કેલિકો સાથે શરૂ થઈ હતી. કેલિકો કંપની નામ એક્ચુઅલી કેલિફોર્નિયા લાઇફ કંપની પરથી આવ્યું છે, તેની શરૂઆત વૃદ્ધાવસ્થા અને વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી બીમારીઓના ઉકેલ માટે કરવામાં આવી હતી. કંપનીનું ફોકસ વૃદ્ધત્વ સાથે જોડાયેલાં રોગોના ઉપચાર પર હતું. રસપ્રદ વાત એ છે કે, 2017માં તેના બે ટોચના વૈજ્ઞાનિકો હેલ બેરોન અને ડેફને કોલર અચાનક કેલિકોથી અલગ થઈ ગયા હતા. એ પછી બેરોન 2022માં અલ્ટોસ લેબ્સના CEO બન્યા હતા.

હવે જાણીએ કે, તો કેવી રીતે કેલિકો અને અલ્ટોસ લેબ્સ જેવી સંસ્થાઓ વૃદ્ધત્વને ઉલટાવવાનો પ્રયાસ કરી રહી છે? હવે ધ્યાનથી સાંભળો, કારણ કે મામલો જટિલ બનવાનો છે. વૃદ્ધાવસ્થા એ ટેલોમેર શોર્ટનિંગનું પરિણામ છે. ટેલોમેરેસ એ રંગસૂત્રની ધાર પરની નાની વસ્તુઓ છે અને તેઓ આપણી જિંદગીમાં વિભાજીત થતાંની સાથે નાના બની જાય છે અને પોતાની કોપી બનાવી લે છે. ઘણી બધી નકલો બની ગયા પછી તેઓ વધુ વિભાજિત થઈ શકતા નથી. તેઓ ‘સેનેસેન્સ’ નામની સ્થિતિમાં પહોંચી જાય છે અને આ સમયે તમે વૃદ્ધ થવાનું શરૂ કરો છો. જો કે, તે એકદમ ખરાબ નથી.

ટેલોમેયર શોર્ટનિંગ ગાંઠોને વધતી અટકાવે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે પરંતુ સેન્સેન્ટ કોશિકાઓ જ્વલનશીલ પદાર્થો પણ છોડે છે, જે વૃદ્ધાવસ્થા સાથે આવનારી અન્ય બીમારીઓ અને સમસ્યાઓને જન્મ આપે છે. તમારું શરીર ધીમે ધીમે તમારા કોષોને જાળવવાની ક્ષમતા ગુમાવે છે અને તમારાં અંગોનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડવા લાગે છે. હવે જ્યારે આપણે આટલું સ્પષ્ટ કરી દીધું છે તો ચાલો આમાંની કેટલીક એજ-રિવર્સલ કંપનીઓ બુઢાપાને અટકાવવા કેવા પ્રયાસ કરી રહી છે, તેની રીતોને જાણીએ.

વૃદ્ધત્વને રોકવા માટે માનવીઓની એકદમ તાજી કોશિશ એક સંશોધન પેપર છે, જેની હજુ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી નથી. કેલિકો દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલું આ પેપર સૂચવે છે કે સેલ રિપ્રોગ્રામિંગ કોષોની “નવયુવાન સ્થિતિને પુનઃસ્થાપિત” કરી શકે છે પરંતુ સાથે કોષોની બેકાબૂ કોપીઓ બનાવવા માંડે તો ટ્યુમરનો ખતરો વધી જાય છે! આનો અર્થ એ છે કે આ વૃદ્ધત્વ ઉલટાવી શકાય છે પરંતુ કોષોની અનિયંત્રિત નકલનું કારણ બની શકે છે, જે ગાંઠો તરફ દોરી જઈ શકે છે. સંશોધન પેપરનું નિષ્કર્ષ એ છે કે ડી-એજિંગ શક્ય છે, પરંતુ હાલના રિપ્રોગ્રામિંગથી કેન્સરની ગાંઠો પણ થઈ શકે છે. ઉલમાંથી ચૂલમાં પડી શકાય છે.

બર્મિંગહામ ખાતે યુનિવર્સિટી ઓફ અલાબામામાં જિનેટિક્સ, પેથોલોજી અને પર્યાવરણીય સ્વાસ્થ્યના પ્રોફેસર ડૉ. કેશવ સિંઘે 2018માં દર્શાવ્યું હતું કે માઇટોકોન્ડ્રીયલ કાર્ય વૃદ્ધત્વ સાથે સંકળાયેલું છે અને ઉંદરમાં કૃત્રિમ રીતે માઇટોકોન્ડ્રીયલ કાર્યને ધીમું કરી વૃદ્ધત્વની ગતિને ધીમી કરવામાં આવી હતી! તેમણે તેની સરખામણી આયુર્વેદિક ફોર્મ્યુલા કાયાકલ્પ સાથે કરી હતી, જેનો શાબ્દિક અર્થ “શરીરનું અમરત્વ” થાય છે. આ અભ્યાસનું તારણ એવું નીકળતું હતું કે, માઇટોકોન્ડ્રીયલ ફંક્શન રિપેર કરવાથી વૃદ્ધ ત્વચાને વધુ યુવા, સ્વસ્થ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય છે. આ સાથે મનુષ્યના વાળનો વિકાસ પણ યુવાવસ્થા જેવો થવા લાગે છે.

આ અભ્યાસમાં ઉંદરોને ડોક્સિસાયક્લિન નામની દવા આપીને કૃત્રિમ રીતે વૃદ્ધત્વને વેગ આપવામાં આવ્યો હતો અને જેવી આ દવા બંધ કરવામાં આવી ઉંદરો પર વધતી ઉંમરની અસર (ડી-એજ્ડ) થઈ ગઈ હતી. ઉંદરોની ત્વચા યુવાન થઈ ગઈ હતી. તેના વાળમાં ફરીથી ચોક્કસ વૃદ્ધિ થઈ હતી. જો કે, આ બધા એક્સપરિમેન્ટ પછી પણ હજુ મનુષ્યમાં વૃદ્ધત્વને ઉલટાવી શકાય તેવી કોઈ રીત શોધી શકાઇ નથી. દિલજીત ગિલ અને વુલ્ફ રિક દ્વારા 2019ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત કોષોને સ્ટેમ સેલમાં રૂપાંતરિત કરવા માટે સેલ રિપ્રોગ્રામિંગ કરી શકાય, આ રીતે કોઈને પણ 25 વર્ષની યુવાવયે પરત લાવી શકાય છે પણ ફરી એ જ જોખમ – કેન્સરની ગાંઠ થવાનું જોખમ છે. તેઓ લાંબું જીવી શકે છે પરંતુ તેમાં ગાંઠો પણ છે. જોખમ પણ વધે છે.

અન્ય ઉપચારો કે જે વૃદ્ધત્વ અટકાવવાનો દાવો કરે છે તેમાં હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી અથવા  HBOTનો પણ સમાવેશ થાય છે.  HBOTમાં કાર્બનમોનોક્સાઇડ ઝેર, ગેસ ગેંગરીન, ડિકમ્પ્રેશન સિકનેસ અને સાયનાઇડ ઝેરની સારવાર સહિત અનેક ફાયદાકારક પદ્ધતિઓનો સમાવેશ થાય છે. જો કે, 2020માં એજિંગ જર્નલમાં પ્રકાશિત થયેલાં અભ્યાસનો ઉપયોગ ઘણાં HBOT ક્લિનિક્સ દ્વારા આ દાવાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો. દાવો એવો હતો કે HBOT ટેલોમેર શોર્ટનિંગને અસર કરીને વૃદ્ધત્વને ઉલટાવી શકે છે, પરંતુ અહીં રિસર્ચ કરવામાં આવ્યું તેમાં સામેલ કરાયેલાં વોલિન્ટીયર્સની સંખ્યા ખૂબ ઓછી હતી, માત્ર 30. અલબત, નમૂનાનું કદ નાનું હોવાથી તેને માન્યતા મળી નથી.

HBOT તમને વયની અસરોથી દૂર કરી શકે છે તે સાબિત કરવા માટે પૂરતાં વૈજ્ઞાનિક પુરાવા નથી. નિષ્કર્ષ એવો નીકળે છે કે, આપણે કહી શકીએ કે હાલમાં આપણી પાસે મનુષ્યોમાં વૃદ્ધત્વને રોકવાનો કોઈ ચોક્કસ માર્ગ નથી. છતાં પણ યુવા દેખાવા માટેનો ઉદ્યોગ 2025 સુધીમાં 610 બિલિયન ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. 57 વર્ષના જેફ બેઝોસ જેવા કેટલાક અબજોપતિઓ વૃદ્ધ ન થવાનો માર્ગ શોધી રહ્યા છે, જ્યારે બિલ ગેટ્સ જેવા અન્ય બિલિયોનેરે મનુષ્ય માટે અમરત્વની શોધને અહંકાર પ્રેરિત ગણાવી છે. બિલ ગેટ્સ માને છે કે, યુવાની પરત મેળવવાની વાત દૂર રહી પહેલાં આપણે મેલેરિયા અને TB જેવા રોગોને નાથવાની જરૂર છે, ધનિકોએ તેના માટે ભંડોળ આપવું જોઈએ જેથી લોકો લાંબું જીવી શકે. બિલ ગેટ્સે વિવિધ સખાવતી સંસ્થાઓ તેમ જ તેમના પોતાના બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા રોગોની સારવાર અને જરૂરિયાતમંદોની સંભાળ માટે લાખો ડોલરનો ખર્ચ કર્યો છે. અલબત્ત, સવાલ  એ છે કે, શું કૃત્રિમ રીતે કુદરતની રચનાને ચેલેન્જ આપી મનુષ્ય તેની આયુ, ઉંમર ક્યારેય વધારી શકશે ખરો?

Most Popular

To Top