Business

લાઈફ બિગિન્સ at 40..!! Let’s Celebrate

કહેવાય છે ને જીંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે, બસ તમારામાં જીવવાનો જોમ હોવો જોઈએ.  તમે સાંભળ્યું જ હશે કે 40 વર્ષે ફરી નવી જીંદગી શરૂ થાય છે અને આ જીંદગી જીવવાની ખૂબ મજા આવે છે. કોલેજ, કરીયર અને બાળકોની ઉપાધીમાંથી મુક્ત થયા બાદ 40 વર્ષે વ્યક્તિ ફરી એક વખત જીવવાનું શરૂ કરે છે. શહેરમાં હાલ 40 વર્ષે બર્થ ડે સેલિબ્રેટ કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 40 મી બર્થ ડે લોકો પહેલા બર્થ ડેની જેમ જ સેલિબ્રેટ કરે છે અને વ્યાધિ ઉપાધીમાંથી બહાર નીકળીને ભવ્ય સેલિબ્રેશન સાથે પોતાની લાઈફને મિનિંગફૂલ પણ બનાવે છે. ગુજરાતમિત્ર સિટીપલ્સે શહેરના આવા અનેક જાણીતા લોકો સાથે વાત કરીને શહેરમાં ચાલી રહેલા 40 માં વર્ષના બર્થ ડે સેલિબ્રેશનના ટ્રે્ન્ડ અંગે માહિતી મેળવી હતી

40 મો બર્થ ડે સેલિબ્રેટ કરી મેં ડાન્સ અને ટેનિસની શરુઆત કરી: અમિષા શાહ

અમિષા શાહ ટેનિસ ક્લબના વુમન વીંગના કમિટી મેમ્બર છે. ઘરની જવાબદારીઓમાંથી ફ્રી થયા બાદ તેમણે ફોરેનમાં ધુમધામથી તેમના ફ્રેન્ડ્સ સાથે એક ગ્રાન્ડ પાર્ટી અરેન્જ કરી પોતાની 40 મી બર્થ ડે સેલિબ્રેટ કરી હતી. ત્યારબાદ તેમણે ટેનિસ ક્લબ જોઈન કર્યું અને ગરબા રમવાની શરૂઆત કરી. તેમણે જણાવ્યું હતું કે 40 વર્ષે લોકો ફેશન કરવાનું અને તૈયાર થવાનું તેમજ જીવવાનું ભૂલી જતા હોય છે. મેં 40 વર્ષે જીવવાની ફરી શરુઆત કરી છે.

40 વર્ષે બર્થ ડે સેલિબ્રેટ કરવા લોકો રિસોર્ટ બુકીંગ કરી રહ્યા છે: પાર્થ શાહ

ઈવેન્ટ મેનેજર પાર્થ શાહે જણાવ્યું હતું કે શહેરમાં હવે 40 બર્થ ડે સેલિબ્રેશનનો ટ્રેન્ડ જોરશોરમાં જોવા મળી રહ્યો છે. બર્થ ડે ના દિવસે કોઈ વિકેન્ડ , રિસોર્ટ કે ફાર્મ બુક કરીને ઉજવણી કરે છે તો કોઈ ભવ્ય ઉજવણી કરવા માટે ઈવેન્ટનું આયોજન કરે છે. 40 વર્ષે પોતાની બીજી લાઈફની શરૂઆત સાથે સેલિબ્રેશન પ્રિય સુરતીઓ ફ્રીડમ સાથે પોતાની બર્થ ડે મનાવી રહ્યા છે. કોરોના બાદ ફરી બુકીંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પ્રકારના બર્થ ડે માં અમે બર્થ ડેની થીમ સાથે ફ્રીડમ ઓફ લાઈફ થીમ પર પણ ડેકોરેશન કરીએ છીએ.

40 વર્ષે હું મારી સાથે સંકળાયેલા બીજા લોકોને પણ બેસ્ટ લાઈફ પ્રોવાઈડ કરીશ : નિલેષ બોડકી

નિલેષ બોડકી ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 20 વર્ષ સુધી લાઈફમાં સ્ટ્રગલ કર્યા બાદ હવે તેઓ આ વર્ષે તેઓ પોતાનો 40 મો બર્થ ડે યાદગાર બનાવશે. તેમણે પોતાના 40 માં બર્થ ડે સેલિબ્રેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે પોતાના બર્થ ડેના દિવસે તેઓ ડાયમંડ ઈન્ડસ્ટ્રીના લોકો માટે ભવ્ય એક્ઝિબિશન યોજશે અને પોતાની સંસ્થાને અપડેટ કરશે. આ ભવ્ય એક્ઝિબિશનમાં શહેરના હીરા અગ્રણીઓને આમંત્રણ અપાશે અને પાર્ટીનું આયોજન કરાશે. આ સંસ્થા સુરત શહેરમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પરિવારોની અનેક મહિલાઓને ફ્રી માં રોજગારીના કોર્સ શિખવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે. તેમણે જણાવ્યું હતું કે 40 વર્ષે તેમની નવી લાઈફની શરૂઆત સાથે શહેર માટે તેઓ નવી પહેલની પણ શરૂઆત કરશે.

40 વર્ષ પછી જ મે મારી વાસ્તવિક લાઈફ જીવવાની શરૂઆત કરી : સ્વાતી જાની

સ્વાતી જાનીએ જણાવ્યું હતું લાઈફની સાચી શરૂઆત 40 વર્ષ પછી જ થાય છે. 40 વર્ષ સુધી ઘર સંભાળ્યા બાદ 2019 માં  તેમણે મિસ એશિયા યુનિવર્સનો ખિતાબ જિત્યો. ત્યારબાદ તેમણે પોતાની લાઈફની નવી શરુઆત કરી. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગે તેઓ બર્થ ડે સેલિબ્રેશનમાં માનતા નથી પણ 40 વર્ષની ઉંમરે ખિતાબ જીત્યા બાદ તેમણે પોતાના 40 વર્ષના બર્થ ડેની ઉજવણી કરી હતી અને મહિલાઓ માટે બિગ હાઉઝીનું આયોજન કર્યું હતું. આ દિવસથી તેમણે નક્કી કર્યું હતું કે હવે હું  મારી અલગ ઓળખ ઉભી કરીશ. હાલ હું સોશ્યલ વર્કમાં એક્ટીવ છું અને ઘણા NGO સાથે કાર્યરત છું.

Most Popular

To Top