Madhya Gujarat

ઘાતક હથિયારો વડે કરાયેલાં હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા વૃધ્ધનું મોત

નડિયાદ : કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામમાં રહેતાં ૬૫ વર્ષીય વૃધ્ધ પોતાના કુટુંબીભાઈના ખેતરમાં પડેલાં લાકડાના નકામાં ટુકડા વીણી પોતાના ઘરે લાવ્યાં હતાં. આ બાબતે કુટંબીભાઈના પરિવારે વૃધ્ધ સાથે ઝઘડો કરી ડંડા, નરાશ તેમજ ધારીયા જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યાં હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના મોટીઝેર ગામની સીમમાં આવેલ વાંટાવાસ વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષીય રઈજીભાઈ ધુળાભાઈ પરમાર ત્રણ દિવસ અગાઉ પોતાના કુટુંબીભાઈ રમેશભાઈ ભીખાભાઈ પરમારના ખેતરમાં પડેલાં નકામા લાકડાના ટુકડા વીણીને પોતાના ઘર આગળ લાવી મુક્યાં હતાં.

આની જાણ રમેશભાઈની પુત્રી શિલ્પાબેનને થતાં તેઓ ગત સોમવારના રોજ મોડી સાંજે આઠ વાગ્યાના અરસામાં એકાએક રઈજીભાઈના ઘરે પહોંચી ઝઘડો કરવા લાગ્યાં હતાં. તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં શિલ્પાબેનને ઈજા પહોંચી હતી. જેથી તેઓ ગમેતેમ અપશબ્દો બોલતાં બોલતાં ત્યાંથી ચાલ્યાં ગયાં હતાં.

જે બાદ રાત્રીના દશ વાગ્યાના અરસામાં શિલ્પાબેન રમેશભાઈ પરમાર, નિરૂબેન રમેશભાઈ પરમાર, ભીખીબેન સોમાભાઈ પરમાર, કાળાભાઈ સોમાભાઈ પરમાર, સોમાભાઈ ભીખાભાઈ પરમાર અને રમેશભાઈ ભીખાભાઈ પરમાર (તમામ રહે.વાંટા ફળીયું, મોટીઝેર, તા.કપડવંજ) હાથમાં લાકાડાના ડંડા, લોખંડની નરાશ તેમજ ધારીયાં લઈ એકાએક રઈજીભાઈના ઘરે આવી ચડ્યાં હતાં. અને અમને પુછ્યાં વિના અમારા ખેતરમાંથી લાકડા કેમ લાવ્યાં તેમ કહી રઈજીભાઈ અને તેમના પુત્ર કિર્તન સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં.

જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં ઉશ્કેરાયેલાં શિલ્પાબેને પોતાના હાથમાંના ડંડા વડે કિર્તન ઉપર હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય પાંચેય વ્યક્તિઓએ ભેગા મળી ડંડા, નરાશ તેમજ ધારીયા વડે રઈજીભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. બુમાબુમ થતાં આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. જેથી તેઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.

હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રઈજીભાઈને પ્રાથમિક સારવાર કરાવ્યાં બાદ ઘરે પરત લાવવામાં આવ્યાં હતાં. દરમિયાન રાત્રીના સમયે ઉંઘમાં જ રઈજીભાઈ ધુળાભાઈ પરમાર (ઉં.વ ૬૫) નું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે કિર્તન રઈજીભાઈ પરમારની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે નિરૂબેન રમેશભાઈ પરમાર, ભીખીબેન સોમાભાઈ પરમાર, કાળાભાઈ સોમાભાઈ પરમાર, સોમાભાઈ ભીખાભાઈ પરમાર, રમેશભાઈ ભીખાભાઈ પરમાર અને શિલ્પાબેન રમેશભાઈ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top