Latest News

More Posts

દિલ્હી શરાબ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની બેંચ કોઈ આદેશ આપ્યા વિના જ ઉઠી ગઈ હતી. હવે સુપ્રીમ કોર્ટની બેંચ કેજરીવાલની અરજી પર ગુરુવારે અથવા આવતા સપ્તાહે આદેશ આપી શકે છે. કેજરીવાલે કોર્ટમાં વચગાળાના જામીનની માંગણી કરી હતી જેની સુનાવણીમાં 3 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવામાં આવે જેથી તેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે.

કેસની સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું હતું કે વર્ષ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ 7 સ્ટાર ગ્રાન્ડ હયાત હોટલમાં રોકાયા હતા અને હોટલનું બિલ ચનપ્રીત સિંહે ચૂકવ્યું હતું. ચનપ્રીત સિંહ પર ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે કથિત રીતે ફંડ મેળવવાનો આરોપ છે. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કર્યો અને કહ્યું કે આ કોઈ રાજકીય રીતે પ્રેરિત કેસ નથી. અમને આ મામલામાં થઈ રહેલી રાજનીતિની ચિંતા નથી પરંતુ અમારી ચિંતા પુરાવાને લઈને છે. શરૂઆતમાં અમારું ધ્યાન અરવિંદ કેજરીવાલ પર ન હતું કે ન તો ED કેજરીવાલ સામે પગલાં લેવાનું વિચારી રહી હતી પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કેજરીવાલની ભૂમિકા સ્પષ્ટ થતી ગઈ.

સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલ સિંઘવીને કહ્યું કે જો અમે વચગાળાના જામીન આપીશું તો કેજરીવાલ સીએમ તરીકે સત્તાવાર કામ કરી શકશે નહીં કારણ કે તેનાથી સમસ્યા ઊભી થઈ શકે છે અને અમે સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી.

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલ વતી દલીલો રજૂ કરી અને એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ED વતી દલીલો રજૂ કરી. કેજરીવાલના વકીલ સિંઘવીનું કહેવું છે કે મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમની ધરપકડ ગેરકાયદેસર છે. તપાસ એજન્સી સમક્ષ હાજર થવામાં નિષ્ફળતા એ ધરપકડનો આધાર બની શકે નહીં. એસવી રાજુનું કહેવું છે કે ધરપકડનો નિર્ણય માત્ર તપાસ અધિકારીઓએ જ લીધો ન હતો પરંતુ વિશેષ ન્યાયાધીશ દ્વારા પણ લેવામાં આવ્યો હતો.

To Top