Columns

થોડી વાર એકલા બેસો

એક સજ્જન હંમેશા ખુશ રહે , એક્ટીવ રહે, કામ કરે.બીજાને મદદ કરે અને કોલોનીનાં બાળકોને ભેગાં કરી ધમાલ પણ કરાવે.ક્યારેય થાકેલા દેખાય નહિ. તેમનું નામ આમ તો પ્રણવભાઈ હતું, પણ કોલોનીમાં તેમનું નામ એનર્જી અંકલ પડી ગયું હતું.એક દિવસ કોલોનીમાં સાંજે મીટીંગ હતી કોલોનીને સુંદર બનાવવા માટેની. મીટીંગમાં પણ પ્રણવભાઈનો આઈડિયા જ પસાર થયો.પ્રણવભાઈએ આઈડિયા આપ્યો, સોસાયટીમાં જેનો જન્મદિવસ આવે તે એક,બે, પાંચ જે ઈચ્છા હોય તેટલા ફૂલના છોડ સોસાયટીમાં વાવે.બીજો આઈડિયા આપ્યો રોજ બે ફ્લેટના મેમ્બર આખી સોસાયટીમાં સ્વચ્છતાનું ધ્યાન રાખે. ચેરમેને પૂછ્યું, ‘પ્રણવભાઈ, તમારા આઈડિયા સરસ છે.

આટલા સરસ આઈડિયા ક્યાંથી લાવ્યા?’ પ્રણવભાઈ હસતાં હસતાં બોલ્યા, ‘એકલા બેસીને.’ચેરમેને પૂછ્યું, ‘એટલે?’ પ્રણવભાઈ બોલ્યા, ‘દોસ્તો,ચાલો આજે હું તમને એક સરસ રહસ્યની વાત કરું, જે હું રોજ કરું છું અને તમે પણ કરજો તો ફાયદો જ થશે.’બધા ફાયદાની વાત સાંભળી ઉત્સુક બન્યા.પ્રણવભાઈ બોલ્યા, ‘ખાસ રહસ્યની વાત તમને બધાને કહું છું ધ્યાનથી સાંભળજો. હું રોજ વહેલી સવારે અને રાત્રે સૂતાં પહેલાં ૨૦ મિનીટ સાવ એકલો બેસું છું.’એક મિત્રે પૂછ્યું, ‘એમાં શું રહસ્ય, એકલા બેસીને શું કરવાનું?’ પ્રણવભાઈએ કહ્યું, ‘બસ રોજ એકલો બેસું છું.શું કરવું તે નક્કી નથી.

જાત સાથે વાત કરવી હોય તો કરું, નહીં તો શાંત બેસી રહું.ધ્યાન કરું કે પછી ભગવાન સાથે પણ વાતો કરું.કોઈ વાત પર વિચાર કરું.કોઈ પ્રશ્ન સતાવતો હોય તો તેનો ઉકેલ શોધું અને કંઈ જ ન કરવાનું હોય તો બસ આંખ બંધ કરી બેસી રહું.’ બીજા મિત્રે પૂછ્યું, ‘આમ કરવાથી શું ફાયદો થાય?’પ્રણવભાઈએ કહ્યું, ‘એ તો તમે રોજ કરવાનું શરૂ કરશો એટલે જ સમજાશે.મારું તો મન શાંત થાય છે.નવા નવા વિચારો આવે છે …કોઈ ઉકેલ મળી જાય છે …કોઈ સપનું પૂરું કરવાનો રસ્તો મળી જાય છે..શાંત બેસવાથી મને તાકાત મળે છે, એક અલગ એનર્જી મળે છે, જે મને આખો દિવસ થાકવા દેતી નથી.

એટલે જ તો બાળકો મને એનર્જી અંકલ કહે છે.પણ હા થોડી વાર એકલા બેસીને તમારે જે કરવું હોય તે કરી શકો છો પણ એક શરત છે.’બધા બોલી ઊઠ્યા, ‘કઈ શરત?’ પ્રણવભાઈએ કહ્યું, ‘રોજ થોડો સમય એકલાં બેસવાનું છે, પણ જયારે પણ એકલા બેસો ત્યારે તમારા ભૂતકાળ સાથે નથી બેસવાનું.ભૂતકાળની ભૂલો હોય કે સફળતા તેના વિષે વિચારવાનો કોઈ અર્થ નથી.એકલા બેસીને તમે આજને શણગારવાના વિચારો કરી શકો છો અને ભવિષ્યને ક્ન્ડારવાનાં સપનાં જોઈ શકો છો.એક વાર શરૂ કરો તો સમજાશે કે થોડી વાર એકલા બેસવાથી ઘણું મેળવી શકશો.’એનર્જી અંકલે પોતાની એનર્જી ક્યાંથી આવે છે તે રહસ્ય સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top