Madhya Gujarat

નડિયાદની ડમ્પિંગ સાઇટ મુદ્દે પાલિકા અને GPCB સામસામે

નડિયાદ: પ્રદૂષણ મામલે ફરી એકવાર નડિયાદ નગરપાલિકા તંત્ર ભીંસમાં મુકાયુ છે. મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે સંકલન સમિતિની બેઠકમાં નડિયાદ પ્રશાસનના ડમ્પિંગ સાઈટે ચાલી રહેલી લાલીયાવેડી અંગે આક્રમક સવાલો કરતા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને પાલિકા પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હજારો વસ્તી ધરાવતા કમળા, મંજીપુરા અને યોગીનગર ગામમાં ગંભીર અસર કરતા જોખમી વાયુ પ્રદૂષણ અંગે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે.

સમગ્ર મામલે ધારાસભ્યના પ્રશ્ન અંગે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા નગરપાલિકા પર દોષારોપણ કરી પોતે પાલિકા તંત્રને નોટીસો આપ્યાનો જવાબ રજૂ કરી હાથ ઉંચા કરવાનો પ્રયત્ન સંકલનની બેઠકમાં કરાયો હતો. જો કે, આ મામલે ઈન્દ્રજીતસિંહે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, GPCB માત્ર નોટીસો ફટાકારી સંતોષ કેમ માની લે છે? લાંબા સમયથી પાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટની અંદર રહેલી ખામીઓ આગળ ધરી ચોમાસા દરમિયાન રસ્તા પર કચરો ઠાલવી દેવાય છે.

કચરાના ઢગ થયા બાદ ગ્રામજનોની પરવાહ કર્યા વગર વરસાદ બંધ થતા આ કચરો સળગાવી તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરાય છે. ત્યારે આ મામલે અગાઉ અનેકવાર રજૂઆતો કરી છે. તો પછી નગરપાલિકા સામે કાયદાકીય પગલાં કેમ નથી લેવાતા? પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પાલિકાને નોટીસ પાઠવવા સિવાય અન્ય કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી? તેવા ગંભીર સવાલો કર્યા હતા. તો વળી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાથી તાત્કાલિક આ સંદર્ભે યોગ્ય નિકાલ લાવવા માટે જણાવ્યુ હતુ. તો સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કચેરી દ્વારા સંકલન સમિતિમાં હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. જેમાં પ્રજાના સ્વાસ્થ્યનો પ્રશ્ન નગરપાલિકાનો હોવાનું જણાવ્યુ છે. જ્યારે અધિકારીઓની જવાબદારી અંગેનો પ્રશ્નની જવાબદારી પણ નગરપાલિકાની હોવાનું ઠેરવ્યુ છે. આટલુ તો ઠીક પણ ઘન કચરાના વ્યવસ્થાપન અંગે કોર્ટ મેટર ચાલતી હોય, તેનો નિકાલ આવ્યે NGTના ઓર્ડરનું પાલન કરવામાં આવશે તેમ જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે.

નડિયાદમાં અનેક જગ્યાએ કચરો સળગે છે.
નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ કચરાનો યોગ્ય નિકાલ ન થતા ઢગ વાગી જાય છે. ત્યારબાદ સ્થાનિકો દ્વારા કચરાને સળગાવી દેવાતો હોય છે. શહેરના મંજીપુરા ફાટક પાસે આવેલા પડતર વિસ્તારમાં ભેગો થતો આસપાસનો કચરો, ચકલાસી ભાગોળ પર ફતેપુરા રોડ પર થતા કચરાના ઢગ, પવનચક્કી રોડ પર કેટલીક જગ્યાએ ભેગા થતા કચરાના ઢગ સહિત અનેક વિસ્તારોમાં વારંવાર કચરો સળગતો જોવા મળે છે.

  • શું છે ડમ્પિંગ સાઈટનો મામલો?
  • નડિયાદ-કમળા મુખ્ય રોડથી 300 મીટર અંદર છે ડમ્પિંગ સાઈટ
  • ડમ્પિંગ સાઈટ જવા માટે પાક્કો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બનાવાયો નથી.
  • ચોમાસા દરમિયાન વરસાદ પડતા ડમ્પિંગ સાઈટમાં જતા રસ્તા પર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જામી જાય છે
    જેથી શહેરભરનો કચરો ભરીને આવતા વાહનો ડમ્પિંગ સાઈટમાં જઈ શકતા નથી.
  • રસ્તાનો અભાવ હોવાનું જણાવી પાલિકા તંત્ર કચરો મુખ્ય રસ્તા પર ઠાલવી દે છે.
  • વરસાદ બંધ થતા તાપમાં કચરો તપી ગયા બાદ કેટલીક વાર જાતે જ સળગી ઉઠે છે. તો કેટલીકવાર અંદર લઈ જવાની આળસના કારણે પાલિકા તંત્ર કચરો ત્યાં જ સળગાવી દેતુ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.
  • કચરો સળગતા ખૂબ મોટા પ્રમાણમાં ઝેરી ધૂમાડો કમળા, મંજીપુરા અને યોગીનગર જેવા ગામો સહિત નડિયાદ શહેરના કેટલાક વિસ્તારમાં ફરી વળે છે. જેથી લોકોના સ્વાસ્થ્યને જોખમની શક્યતાઓ વધી ગઈ છે.
  • ધુમાડાના કારણે નડિયાદ-કમળા રોડ પર વિઝીબિલીટી ઘટી જાય છે.

Most Popular

To Top