Latest News

More Posts

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં મહાયુતિ ગઠબંધનને જંગી જીત મળી છે, જેમાં ભાજપે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ૧૪૯ બેઠકો પર ચૂંટણી લડ્યાં હતાં. તેમાંથી તેઓ ૧૩૨ બેઠકો જીતવામાં સફળ થયા હતા, જેનો અર્થ છે કે લગભગ ૯૦ ટકા ભાજપના ઉમેદવારો જીત્યાં છે. આ જીત પાછળ હાલની મહાયુતિ સરકારની મુખ્યમંત્રી લાડકી બહિંન યોજના અને રાજ્યમાં ખેડૂતો માટે સબસિડી ઉપરાંત વિકાસ કાર્યોની પણ વિગતવાર ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જીત પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભજવેલી ચાવીરૂપ ભૂમિકાને પણ સમજવાની જરૂર છે.

આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા સીટોમાંથી માત્ર ૧૭ સીટો જીતી શકી હતી, કારણ કે તેણે આરએસએસની મદદ માગી નહોતી.  આરએસએસની કેડર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય મોટાં રાજ્યોમાં પણ લોકસભાની ચૂંટણીમાં ઓછી દેખાઈ હતી. બીજેપી આ વાતથી સારી રીતે વાકેફ હતી, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માત્ર આરએસએસ પર તેની નિર્ભરતાનો સ્વીકાર કર્યો ન હતો પરંતુ ચૂંટણી સાથે સંકળાયેલા પક્ષના ટોચના નેતૃત્વની પસંદગી પણ આરએસએસની સલાહપૂર્વક જ કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીએ તેના એક સ્ટાર પ્રચારક યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મેદાનમાં ઊતાર્યા હતા અને તેમણે બટેંગે તો કટેંગેનો વિવાદાસ્પદ નારો પણ આપ્યો હતો. મુંબઈ અને કેટલાંક અન્ય શહેરોમાં રાતોરાત આ સૂત્રો સાથેનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. સૂત્રોચ્ચારના વિવાદના ત્રણ દિવસ બાદ જ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયમાં તેની ચર્ચા થઈ રહી હતી. તેમનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો કે ભાજપને કોઈ પણ ભોગે મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર જવા દેવાય નહીં. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ બીજા દિવસે કહ્યું હતું કે કેટલીક રાજકીય શક્તિઓ જાતિ અને વિચારધારાના નામે હિંદુઓને તોડવા માગે છે અને આપણે આનાથી માત્ર સાવધ રહેવાનું જ નથી પરંતુ તેની સામે લડવું પણ પડશે.

ભાજપ સુધી પણ આ સંદેશો પહોંચ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવું સૂત્ર આપ્યું હતું કે જો આપણે એક છીએ તો સેફ છીએ. કેટલાંક રાજકીય વિશ્લેષકોએ તેને યોગી આદિત્યનાથના નારા સાથે જોડ્યું પરંતુ તેને વધુ અસરકારક ગણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હેઠળ કામ કરતી તમામ સંસ્થાઓમાંથી બે લોક જાગરણ મંચ અને પ્રબોધન મંચને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેઓ ઘરે-ઘરે જઈને સૂત્રનો અર્થ સમજાવે; એટલું જ નહીં જો આપણે એક થઈશું તો સેફ છીએ, તેમ કહેવાને બદલે  હિંદુઓને ચેતવણી આપો કે જો તેઓ એક નહીં રહે તો તેમનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. એક સૂત્ર ધાર્મિક લાઇન પર હતું તો બીજાનો હેતુ અન્ય પછાત વર્ગોને એક કરવાનો હતો. દરેક વ્યક્તિએ સૂત્રોનો અર્થ અલગ-અલગ રીતે કર્યો હતો, પરંતુ લાગે છે કે ટી.વી. અને સોશ્યલ મિડિયાથી દૂર રહેતાં સામાન્ય મતદારો સુધી પણ આ સંદેશ પહોંચ્યો હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પહેલાં જ કબૂલ કર્યું હતું કે અમે વોટ જેહાદીઓ અને અરાજકતાવાદીઓ સામે લડવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લીધી છે. દેવેન્દ્ર ફડણવીસ આરએસએસના ગઢ ગણાતા નાગપુરના વતની છે અને તેમના પિતા ગંગાધર ફડણવીસ સ્વયંસેવક તેમજ ભારતીય જનતા પાર્ટીના MLC હતા, જેમને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના રાજકીય ગુરુ માને છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે હરિયાણાની જેમ કંઈક આવું જ કર્યું. હરિયાણામાં ચૂંટણી પ્રભારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી બહાર આવેલા ધર્મેન્દ્ર પ્રધાનને સોંપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કમાન ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને આપવામાં આવી હતી.

અશ્વિની વૈષ્ણવ એક અમલદાર રહી ચૂક્યા છે અને તેઓ સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્ર જેવા સમૃદ્ધ અને ફેલાયેલા રાજ્યમાં ઝુંબેશ કેવી રીતે ગોઠવવી. ભૂપેન્દ્ર યાદવનું ચૂંટણી પ્રભારી બનવું એ એક મોટો નિર્ણય હતો, જેમાં ચોક્કસપણે આરએસએસનો હાથ હતો. ભૂપેન્દ્ર યાદવ વ્યવસાયે વકીલ છે. તેઓ અખિલ ભારતીય વકીલ પરિષદના મહાસચિવ રહી ચૂક્યા છે, જે આરએસએસની લોયર્સ વિંગ તરીકે ઓળખાય છે. બહુ ઓછાં લોકો જાણતાં હશે કે જે વ્યક્તિએ તેમને પહેલી વાર ભાજપ સંગઠનમાં સ્થાન આપ્યું તે નીતિન ગડકરી હતા, જેમણે ૨૦૧૦માં ભાજપ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ભૂપેન્દ્ર યાદવને પહેલી વાર મહાસચિવ બનાવ્યા હતા.

આરએસએસે તેના પશ્ચિમી પ્રાંતના વડા અતુલ લિમયેને ભાજપના નેતાઓ બીએલ સંતોષ અને ભાજપ અને આરએસએસ વચ્ચેના સંયોજક અરુણ કુમાર સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું ‘અબકી બાર ૪૦૦ પાર’નું સૂત્ર ભાજપનાં તમામ મતદારોને એવા કમ્ફર્ટ ઝોનમાં લઈ ગયું કે તેઓ મતદાન કરવા ઘરની બહાર પણ ન નીકળ્યા. આને ધ્યાનમાં રાખીને આરએસએસે રાજ્યના નાનાં અને મોટાં શહેરોમાં તેની શાખાઓ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ડોર-ટુ-ડોર અભિયાન ચલાવ્યું હતું અને ભાજપ સરકારના કાયમી વિકાસનો સંદેશ પહોંચાડવામાં મદદ કરી હતી.

મહાયુતિની રચનામાં અજિત પવારના પ્રવેશથી સંઘ બહુ ખુશ ન હતો, પરંતુ આ ચૂંટણીમાં આરએસએસનાં લોકો પણ તેને ભૂલીને મુદ્દાઓને લોકો સુધી લઈ જવામાં સફળ રહ્યા હતા. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં આ સમસ્યા પર કાબૂ મેળવવા બદલ પાર્ટીને અભિનંદન આપતાં સંઘે તેના મેગેઝિન ઓર્ગેનાઈઝરમાં લખ્યું હતું કે લાડકી બહેન યોજના છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવી રહી છે અને ખેડૂતોના કલ્યાણની વાત આ વખતે અસરકારક સાબિત થઈ છે.

શહેરી મતદારો અને મધ્યમ વર્ગનાં મતદારો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિણામ એ આવ્યું કે આ ચૂંટણીમાં ૧૯૯૫ પછી સૌથી વધુ ૬૬.૦૫ ટકા મતદાન નોંધાયું હતું. શહેરી મતદારો પર આરએસએસનું ધ્યાન બરાબર એવું જ હતું જે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં જોવા મળ્યું હતું. આ પ્રકારના વન-ટુ-વન અભિયાનમાં, તમે ક્યારેય કોઈને કોઈ ફ્લેગ અથવા લાઉડસ્પીકર સાથે જોશો નહીં. ફક્ત તમારા વિસ્તાર અથવા બૂથની આસપાસ કોઈ વ્યક્તિ તમને વારંવાર મળશે અને ખૂબ જ હળવાશથી પોતાની વાત જણાવશે.

લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના પ્રદર્શનથી નિરાશ થયેલા આરએસએસના ટોચના નેતૃત્વએ આ વખતે પહેલેથી જ પોતાનું હોમવર્ક બરાબર કરી લીધું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં નબળા પ્રદર્શન પછી આરએસએસએ રાજ્યના દરેક જિલ્લામાં એક સમિતિની રચના કરી હતી, જેના સભ્યો લોકોને મળ્યા હતા ત્યારે તેમને રાજ્યની મહાયુતિ સરકારમાં વધુ શું સુધારા કરી શકાય છે તે જાણવા મળ્યું હતું. આ કાર્ય માટે સંઘમાં કામ કરવા માટે દેશનાં ઘણાં રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યાં હતાં, જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થતો હતો.

એ નોંધવું પણ જરૂરી છે કે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં નીતિન ગડકરીને પ્રચારની ઓછી જવાબદારી આપવામાં આવી હતી. આ વખતે મહારાષ્ટ્રમાં તેમની માંગ ઘણી વધારે હતી.  તેની પાછળ આરએસએસની વ્યૂહરચના કામ કરતી હતી.  નીતિન ગડકરીએ પણ પ્રચારના અંત પૂર્વે છેલ્લા ૨૦ દિવસમાં ૭૦થી વધુ ચૂંટણી રેલીઓ કરી હતી. જૂના આરએસએસ તથા ભાજપના મતદારોને પણ એક સંદેશ અપાયો હતો કે બધાએ સાથે આવવું જોઈએ, ફરીથી સરકાર બનાવવી જોઈએ, જેમાં ભાજપ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

To Top