National

સચિને ટ્વિટ કર્યું કે શું ગજબની ટેસ્ટ હતી: લોર્ડસ ફતેહ કરવા પર ભારતીય ટીમને દિગ્ગ્જ્જોએ સલામ કર્યા

લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલરકર (Sachin tendulkar), બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav ganguli)થી લઇને દિગ્ગજ લેગ સ્પીનર શેન વોર્ન અને ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોન સહિતના ક્રિકેટ જગતે લોર્ડસ (Loards)ના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ (Test)માં અવિશ્વસનીય જીત મેળવવા બદલ ભારતીય ટીમના જુસ્સા અને ધૈર્યને વખાણીને તેમને સલામ (salute to team India) કર્યા હતા. ભારતના ઝડપી બોલરોએ બેટ વડે કમાલ કર્યા પછી ધારદાર બોલિંગ કરીને ઇંગ્લેન્ડને પરાસ્ત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

સચિને ટ્વિટ કર્યું હતું કે શું ગજબની ટેસ્ટ હતી. તેની દરેક પળ જોવાની મજા આવી. આકરી પરિસ્થિતિઓમાં ટીમે જે જુસ્સો અને ધીરજ દાખવી તે મારા માટે સૌથી અલગ હતું. ઘણું સારું રમ્યા. બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ ભારતીય ટીમના લડાયક અભિગમની પ્રશંસા કરતાં લખ્યું હતું કે ટીમે જોરદાર જુસ્સો અને હિમંત દાખવ્યા, મેચને આટલી નજીકથી જોવી ઘણી સુખદ રહી. વીવીએસ લક્ષ્મણે આ જીતને સનસનાટીભરી ગણાવી હતી. શેન વોર્ને ટ્વિટ કર્યું હતું કે લોર્ડસમાં ગજબની ટેસ્ટ જોવા મળી. ભારતે જોરદાર રમત રમી બતાવી. જ્યારે ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે ક્રિકેટની અદ્દભૂત રમત. ભારતે આજે એ બતાવી દીધું કે તે ઇંગ્લેન્ડથી શ્રેષ્ઠ કેમ છે. જીત માટે તેમનો વિશ્વાસ અપાર હતો.

અમારા એક ખેલાડી વિરૂદ્ધ સ્લેજિંગનો અર્થ તમે આખી ટીમને સ્લેજ કરી રહ્યા છો : કેએલ રાહુલ

ભારતીય ટીમના ઓપનર લોકેશ રાહુલે કહ્યું હતું કે જો કોઇ હરીફ ખેલાડી અમારી ટીમના કોઇ ખેલાડી વિરૂદ્ધ સ્લેજિંગનો પ્રયાસ કરે છે તો અમારા બાકીના 10 ખેલાડીઓ પણ હરીફ ટીમ સામે એવું જ વલણ અપનાવી લે છે અને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં એ જ થયું, જેમાં યજમાનોએ 151 રને પરાજય વેઠવો પડ્યો. લોર્ડસ ટેસ્ટના પાંચમા દિવસે ગરમાગરમી ત્યારે શરૂ થઇ જ્યારે માર્ક વુડે જસપ્રીત બુમરાહના માથાને નિશાન બનાવીને બાઉન્સર ફેંક્યો હતો અને તેના વિશે કોઇ ટીપ્પણી કરી હતી, તે પછી બુમરાહ સાથે જો રૂટ અને એન્ડરસન વચ્ચે પણ ચર્ચા થઇ હતી. ઓલી રોબિન્સન પણ ભારતીય બેટ્સમેનોને સ્લેજ કરી રહ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ જ્યારે ચોથા દાવમાં બેટિંગ માટે ઉતરી તો ભારતીય ખેલાડીઓએ પણ તેમના અંદાજમાં તેમને જવાબ આપ્યો હતો.

મેન ઓફ ધ મેચ રાહુલે મેચ પછી કહ્યું હતું કે આ બાબત દર્શાવે છે કે ટીમે આ મેચ જીતવા માટે કેટલી મહેનત કરી છે. ટેસ્ટ મેચ આ રીતે જ રમાય છે. અમે એક ટીમ તરીકે વળતો પ્રહાર કરવામાં શરમાતા નથી. કોઇ અમારા ખેલાડીને સ્લેજ કરશે તો બાકીના 10માં જુસ્સો ઊભરાવા માંડે છે. અમારી વચ્ચે એવી ટીમ બોન્ડિંગ છે.

Most Popular

To Top