Latest News

More Posts

આપણી પૃથ્વીનું વધતું તાપમાન કે ગ્લોબલ વૉર્મિંગ એ આજની એક ભયંકર સમસ્યા છે. આ ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં વિચિત્ર હવામાન પરિવર્તન થઇ રહ્યું છે અને માનવજાત પર જાત જાતની આફતો આવી રહી છે ત્યારે આપણા હિંદ મહાસાગર વિશે હમણા એક ખૂબ જ ચિંતાજનક વૈજ્ઞાનિક આગાહી થઇ છે તે મુજબ હિંદ મહાસાગરીની સપાટીના તાપમાનમાં આ સદીના અંત સુધીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઇ શકે છે.

હિંદ મહાસાગરની સપાટીના તાપમાનમાં વર્ષ ૨૦૨૦થી લઇને ૨૧૦૦ સુધીમાં ૧.૪ ડીગ્રી સેલ્સિયસથી માંડીને ૩ ડીગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઇ શકે છે, જે આ સમુદ્રને લગભગ કાયમી હીટવેવની સ્થિતિમાં મૂકી દેશે, અને તેનાથી વાવાઝોડાઓ વધશે, ચોમાસાને અસર થશે અને સમુદ્રી સપાટીમાં વધારા તરફ  તે દોરી જશે એમ એક નવો અભ્યાસ જણાવે છે. આ અભ્યાસના તારણો ખૂબ જ ચિંતાજનક છે અને તે આપણને વધતું પ્રદૂષણ અને તેને પગલે વધતું તાપમાન રોકવા માટે તાકીદે પગલા ભરવાની પણ ચેતવણી આપે છે.

આ અભ્યાસ, પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મટીરોલોજીના એક હવામાન વૈજ્ઞાનિક રોક્ષી મેથ્યુ કોલ દ્વારા કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સમુદ્રી ગરમીના મોજા(અસાધારણ રીતે ઉંચુ સમુદ્રી તાપમાન) દર વર્ષે ૨૦ દિવસ(૧૯૭૦થી ૨૦૦૦ દરમ્યાન) હતા તેના પરથી વધીને વર્ષના ૨૨૦-૨૫૦ દિવસ સુધી પહોંચી જશે, જેનાથી વિષુવવૃતિય હિંદ મહાસાગરમાં ૨૧મી સદીના અંત સુધીમાં સમગ્ર બેસિનમાં લગભગ કાયમી ધોરણે ગરમીના મોજાની સ્થિતિ રહેશે. સમુદ્રી હીટવેવ્ઝ સમુદ્રી વસવાટોના વિનાશ અને સમુદ્રી ઘાસના નષ્ટ થવા તરફ દોરી જાય છે, માછીમારી ક્ષેત્રને વિપરીત અસર કરે છે અને વાવાઝોડાઓમાં ઝડપથી વધારા તરફ પણ દોરી જાય છે.

હાલમાં પણ  આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાઓનું જે પ્રમાણ વધ્યું છે તે માટે સમુદ્રોની ગરમ થયેલી સપાટીની અસરને જ જવાબદાર માનવામાં આવે છે. વળી સમુદ્રની સપાટીની ગરમી વધવાથી ચોમાસાના વરસાદ પર પણ તેની નોંધપાત્ર અસર થાય છે અને વરસાદની અનિયમિતતાના પ્રમાણમાં વધારો થાય છે. ઋતુગત વરસાદ મોડો શરૂ થાય, વહેલો શરૂ થાય, ખેંચાઇ  જાય કે પછી ખૂબ વધારે પડતો વરસે તેવી અસરો આપણે છેલ્લા કેટલાક સમયથી જોઇ જ રહ્યા છીએ. અને ગરમીનો આ વધારો સમુદ્રી સપાટી સુધી મર્યાદિત નથી, સપાટીથી લઇને  ૨૦૦૦ ફૂટની ઉંડાઇ સુધીમાં ગરમી ઝડપથી વધવાની આગાહી કરવામાં આવી છે.

હિંદ મહાસાગરમાં ગરમીનો ભવિષ્યનો વધારો એ એક હીરોશીમા અણુ બોંબ ફૂટવા જેટલી ઉર્જા દર સેકન્ડે, દરરોજ આખા દિવસ માટે એક દાયકા સુધી ઉમેરી શકે છે એમ આ અભ્યાસના લેખક કહે છે. આ સમુદ્રમાં ગરમીમાં કેટલી ભયંકર હદે વધારો થઇ શકે છે તે આ ઉદાહરણ પરથી સમજી શકાય છે. સમુદ્રની સપાટીનું તાપમાન ૨૮ ડીગ્રી સેલ્સિયસની ઉપર  જાય તેને સામાન્ય રીતે વાવાઝોડાના જન્મવા માટે સાનુકૂળ સ્થિતિ માનવામાં આવે છે. ભારે વરસાદની ઘટનાઓ અને અત્યંત તીવ્ર વાવાઝોડાઓ ૧૯પ૦ના દાયકાથી વધ્યા જ છે અને સમુદ્રની સપાટીના વધતા તાપમાનની સાથે તે વધુ વધવાનો અંદાજ છે.

હિંદ મહાસાગરના કાંઠે ૪૦ દેશો આવેલા છે અને આખા વિશ્વની ત્રીજા ભાગની વસ્તી આ દેશોમાં વસે છે ત્યારે હિંદ મહાસાગરના હવામાનમાં ફેરફાર એ મોટી સામાજીક અને આર્થિક અસરો કરી શકે છે. હાલમાં પણ હિંદ મહાસાગર અને તેની આજુબાજુના દેશો વિશ્વભરમાં સૌથી વધુ પાકૃતિક હોનારતોનું જોખમ ધરાવે છે. એવી આગાહી કરવામાં આવી છે કે ગરમીમાં સૌથી વધુ વધારો ઉત્તર પશ્ચિમ હિંદ મહાસાગરમાં થશે, અને અરબી સમુદ્રની સપાટીની ગરમીમાં પણ મોટો વધારો થવાની આગાહી છે જે અરબી સમુદ્ર આપણા ગુજરાત સહિત ૫શ્ચિમ ભારતના એક મોટા કાંઠાને સ્પર્શે છે.

અત્યારે જ આપણે વાવાઝોડાઓના પ્રમાણમાં વધારો જોઇ રહ્યા છીએ. બંગાળની ખાડીના  તટપ્રદેશોમાં આવતા ઉપરા છાપરી વાવાઝોડાઓ ઉપરાંત આપણા ગુજરાતના, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો પર વાવાઝોડા વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગથી થતા હવામાન પરિવર્તનની ગંભીર અસરોની અનેક ચેતવણીઓ આ પહેલા આવી ચુકી છે પરંતુ તે સૌમાં આપણા માટે આ સૌથી વધુ ભયંકર ચેતવણી જણાય છે જેમાં હિંદ મહાસાગરની સપાટીનું તાપમાન ભયંકર હદે વધવાની આગાહી કરવામાં આવી છે. આને જો રોકવાના પ્રયાસ નહીં કરવામા઼ આવે તો મોટો વિનાશ નિશ્ચિત જણાય છે.

To Top