Dakshin Gujarat

તાપી જિલ્લા કોંગ્રેસે ધોરી માર્ગ બંધ કરવાની સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી

વ્યારા: ખેરગામ (Khergam) બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર હુમલાને તાપી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી વખોડ્યો હતો. સાથે હુમલોખોરોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. ૭૨ કલાકમાં હુમલાખોરોની અટક કરવામાં નહીં આવે તો ૧૪ જિલ્લાના ધોરી માર્ગ (Highway) બંધ કરવાની સાથે સરકાર આની નોંધ ન લે તો ઉગ્ર આંદોલનની (Movement) ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલા ગામીત, માંડવીના ધારાસભ્ય આનંદ પટેલ, નિઝરના ધારાસભ્ય સુનીલ ગામીત, તાપી જિ.પં.ના વિરોધ પક્ષના નેતા સિધ્ધાર્થ ચૌધરી, વ્યારા તા.પં. સભ્ય નીલેશ ગામીત સહિત તાલુકા-જિલ્લા પંચાયતના ચુંટાયેલા આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વાંસદાના ધારાસભ્ય પર હુમલાની ઘટનાનો મહુવામાં વિરોધ

અનાવલ: મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહુવા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી હેમાંગીની ગરાસિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ, કોંગ્રેસી નેતા પરિમલ પટેલ, પ્રકાશ મહેતા, દિનેશ પટેલ, હર્ષાબેન, ચારુલતાબેન તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાની ઘટનાની ચિનગારી આગામી દિવસોમાં ગુજરાતના સમગ્ર આદિવાસી પટ્ટામાં પ્રચંડ જ્વાલારૂપે પગટશે. કોંગ્રેસ પ્રચંડ પ્રતિસાદથી ભાજપને સખત શબ્દોમાં વખોડી કાઢશે.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલાની ઘટનામાં સુરત જિલ્લા કોંગ્રેસમાં રોષ
બારડોલી: સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પત્રમાં હુમલો કરનારાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરના ચાર કોંગી કાર્યકરોને પાસા હેઠળ ધરપકડ કરતાં તેના વિરોધમાં પણ કોંગ્રેસીઓએ રજૂઆત કરી હતી. જો આ બંને મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સોમવારના રોજ બારડોલીના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવતાં આદિવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. હુમલા બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા તેમજ તાલુકા મથકો ઉપર આવેદનપત્ર આપી ઘટનાને વખોડવામાં આવી રહી છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ બારડોલીના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આદિવાસીઓમાં લોકચાહના મેળવી રહેલા ધારાસભ્ય અનંત પટેલનો વિજય નિશ્ચિત હોય કથિત રીતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર દ્વારા આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા માટે આવી નિમ્ન સ્તરે રાજનીતિ આચરી રહ્યા છે, જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.

Most Popular

To Top