Comments

કાશ્મીરનો ઉત્પાત મોહભંગનું પરિણામ?

‘જમ્મુ કાશ્મીરમાન ઘર જેવું લાગતું નથી’ એમ તા. 27મી ઓકટોબર, 2021ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રીલેખનું મથાળુ કહેતું હતું. આ તંત્રીલેખમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમીત શાહની જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રણ દિવસની ઉચ્ચ કક્ષાની મુલાકાતની છણાવટ હતી અને એવો નિર્દેશ હતો કે ત્યાં બધું બરાબર નથી ચાલતું. બંધારણની કલમ ૩૭૦ની આંશીક નાબૂદીને પગલે તા. 5મી ઓગસ્ટ, 2019ના રોજ થયેલા મહત્વના બંધારણના ફેરફાર પછી ગૃહ પ્રધાનની આ પ્રથમ મુલાકાત હોય તેનું મહત્વ વધુ છે એમ તંત્રીલેખ ઉમેરે છે.

આ ઉપરાંત આ મુલાકાતનું મહત્વ એ હકીકતમાં પણ છે કે ત્રાસવાદીઓ દ્વારા કાશ્મીર ખીણમાં લઘુમતી કોમના સભ્યો અને બહારના લોકોને નિશાન બનાવી કરાતી હત્યાઓ, અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા તાલીમ પામેલા ત્રાસવાદીઓના ઘુસણખોરીના નવેસરના પ્રયત્નો અને સુરક્ષા કર્મીઓ અને નિર્દોશ નાગરિકોને નિશાન બનાવવાના છૂટાછવાયા પ્રયાસોની ઘટનાઓ વચ્ચે આ મુલાકાત યોજાઇ છે.

જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રનું સીધું શાસન છે અને કોઇ વિધાનસભા અસ્તિત્વમાં નથી. તેથી આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહ પ્રધાન અમીત શાહે આ વિસ્તારની સુરક્ષા દળોએ જુદા જુદા સ્તરોએ વિશ્વાસ પુનસ્થાપિત કરવા મુલાકાત લેવી જોઇએ. અંકુશ રેખા પર પૂંચના ગાઢા જંગલોમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ સાથે હજી ચાલી રહેલી અને લાંબી અથડામણમાં સૈનિકોને મારી નાંખવામાં આવ્યા હોય ત્યારે તો ખાસ મુલાકાત લેવી જોઇએ. તા. પાંચમી ઓગસ્ટ, 2019ના બંધારણીય ફેરફાર પછી કેન્દ્ર શાસિત બનેલા આ રાજયમાં બધું બરાબર ચાલી રહ્યું હોવાના સત્તાવાળાઓના દાવાઓનો ગુબ્બારો ઘણે અંશે ફૂટી ગયો છે.

કેન્દ્ર સરકાર અને લેફટેનંટ ગવર્નરનું વહીવટી તંત્ર મૂડી રોકાણ આકર્ષવા માટે અને પ્રવાસન ઉદ્યોગને તેમજ અન્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના મોટા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ખીણમાન કામ કરતા ગરીબ પરપ્રાંતી મજૂરોને આસાનીથી નિશાન બનાવાઇ રહ્યા છે ત્યારે તેમની યોજનાને મોટો ફટકો પડયો છે. આ સંજોગોમાં અમીત શાહની મુલાકાતનો હેતુ એક ઉપચાર તરીકેનો અને જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશને સર્વાંગી વિકાસના યુગમાં લઇ જવાની મહત્વાકાંક્ષી યોજનાઓને પાટા પરથી ઉતારવાના બદઇરાદે થયા છે એવી વાતોને રદિયો આપવા માટે થયા છે.

તદાનુસાર આ મુલાકાતના દેખાડા પાછળ ખૂબ વધુ અને વાસ્તવિકતા તરફ ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. ભારત પરાજિત થયું તે ટી-20 સિરીઝમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો આ સમય જ શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિજયના વધામણાના બનાવો જમ્મુ અને કાશ્મીરના પ્રદેશોમાંથી કેટલાક સ્થળેથી આવતા લેફટેનંટ ગવર્નરનું શાસન કફોડી હાલતમાં મૂકાઇ ગયું. આ ઘટના પણ ત્યારે બની જયારે દેશના ગૃહપ્રધાન જમ્મુ-કાશ્મીર પોલીસે પગલાં લીધા અને પાકિસ્તાનના વિજયને પગલે કહેવાતા પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરનાર શ્રીનગરની બે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સામે ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિરોધક) કાયદા હેઠળ મુકદ્દમો માંડયો અને કેટલાકની ધરપકડ કરાઇ.

કેટલાક જુવાનિયાઓ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરી તેનું રાષ્ટ્રગીત ગાતા હતા તેવી ચકાસ્યા વગરની વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતી થઇ પછી ફરિયાદ માંડવામાં આવી. કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આવા દેખાવોની કોઇ નવાઇ નથી પણ બંધારણની કલમ 370 એની આંશિક નાબુદી પછી પહેલીવાર આવું બન્યું. કાશ્મીરમાં બંધારણીય ફેરફારના વિરોધમાં તનાવ ચાલુ રહ્યો હોવા છતાં બળતામાં ઘી હોમતાં તત્વોને કાબુમાં રાખવામાં સુરક્ષા દળો ઘણા અંશે કામિયાબ રહ્યા છે પણ આ ઉજવણી કરતા ટોળાએ ખાસ કરીને કાશ્મીરની પ્રજાએ પરિવર્તન દિલથી સ્વીકાર્યું હોવાના દાવા સામે પ્રશ્નાર્થ મૂકયો છે.

ભારતના સાર્વભૌમત્વને પડકારનારને એની રીતે જવાબ આપવો જોઇએ અને જમ્મુ-કાશ્મીર પોલીસે એ જ કર્યું છે પણ તેથી જે કંઇ બને છે તેની સામે સત્તાવાળાઓ આંખમીંચામણા નહીં કરી શકે. માત્ર સરકારની વાતોને જ નહીં લોકોની વ્યથાને પણ વાચા આપવી જોઇએ અને તે માટે તા. 5મી ઓગસ્ટ, 2019થી અપાયેલા વચનોનું તબક્કાવાર પાલન થવું જોઇએ. અત્યારની જેમ ફામફોસ નહીં. અત્યારે ઘણી નીતિઓ પ્રજા વિરોધી છે. સરકાર મોટી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી સામાન્ય લોકોની રોજી-રોટીની વાત ભૂલી ગઇ છે. બંધારણ સુધારા માટે જુદા જુદા રાજકીય પક્ષોના જુદા જુદા મતમતાંતર હોઇ શકે પણ રોજી રોટીનો પ્રશ્ન જમ્મુ-કાશ્મીર બંને પ્રદેશોને સરખો જ કનડે છે. કેન્દ્રસ રકાર બે વર્ષ પહેલા લોકોને આપેલા વચનો પૂરા કરવામાં ઉણી ઉતરી છે એવી પ્રબળ લાગણી છે.

બંધારણની કલમ 370 એક વખતના જમ્મુ-કાશ્મીર રાજયના બધા અનિષ્ટોનું મૂળ હતી તેવા દાવાનો છેદ ઉડી ગયો છે. વાતો તો સ્થાનિક લોકોની આશા અને અપેક્ષાઓ પર આધારિત કરવાને બદલે મોટા મોટા વિકાસની થતી હતી પણ સ્થાનિક લોકોની લાગણીને વહીવટી તંત્રે ધ્યાનમાં લીધી હોત તો પાકિસ્તાનના પીઠ્ઠુઓનો ઉત્પાત અટકાવી શકાયો હોત. વહીવટી તંત્રે ઊંઘમાંથી જાગી જઇ તરત પગલાં ભરવા જોઇએ. લેફટેનંટ ગવર્નર લોકો માટે સુલભ બને અને લોકોની સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તે માટે કંઇ થવું જોઇએ. ભારતીય જનતા પક્ષ સહિતના સમગ્ર રાજકીય તંત્રને કામે લગાડવું જોઇએ. લેફટેનંટ ગવર્નરના વહીવટી તંત્રે લોકો અને વચનપાલન માટે સેતુ બનવું જોઇએ. વિકાસ અને રાજકીય પ્રક્રિયા હાથમાન હાથ મિલાવીને નહીં ચાલે તો ભયંકર પરિણામ આવશે.          
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top