Gujarat Election - 2022

કપરાડા સીટ પર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જીતુ ચૌધરી માટે ફરી જીતવું જરૂરી

કપરાડા વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. અહીં છેલ્લી ચાર ચૂંટણી જીતીને હવે ભાજપમાં ઉમેદવાર તરીકે પાંચમી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ પેટા ચૂંટણીમાં ૪૭ હજારની લીડથી મોટી જીત મેળવનાર જીતુભાઈ પોતાના વ્યકિતત્વને કારણે આ વિસ્તારમાં જાણીતા છે. એક વર્ષ મંત્રી તરીકે પણ જીતુભાઈએ સારી કામગીરી કરી છે. નર્મદા,જળ સંસાધન અને પાણી પુરવઠાના રાજય મંત્રી તેમજ કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો સંભાળતા જીતુભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ સારી પક્કડ જમાવી છે. કોંગ્રેસમાંથી આ વખતે માજી ધારાસભ્ય બરજુલભાઈ પટેલના પુત્ર વસંતભાઈ પટેલ ઉમેદવાર તરીકે છે. વસંતભાઈ એક સમયે જીતુભાઈના સાથી જ હતા. કોંગ્રેસના વસંતભાઈ પટેલ સુખાલાના રહેવાસી છે.

કપરાડામાં બરજુલભાઈ મંત્રી તરીકે પણ રહ્યા હતા. આમ બરજુલભાઈના પુત્ર તરીકે તેમજ કોંગ્રેસના આગેવાન તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે. કપરાડા બેઠક ઉપર આમ તો સાત ઉમેદવાર મેદાનમાં છે. પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. આમ આદમી પાર્ટી તરફથી જયેન્દ્રભાઈ ગાંવિત અહીં ઉમેદવાર છે. જોકે આપ પાર્ટીનું અહીં ખાસ સંગઠન નથી. જે રીતનું ભાજપ અને કોંગ્રેસનું સંગઠન છે. તે જોતા મુખ્ય મુકાબલો ભાજપના જીતુભાઈ સામે કોંગ્રેસના વસંતભાઈનો જ રહેશે. આ બેઠક ઉપર વારલી તેમજ કુકણા તથા ધોડિયા મતો છે. જોકે કપરાડા મત વિસ્તારમાં પારડી તેમજ કપરાડાના અંતરિયાળ ગામો પર જીતુભાઈનું સારું પ્રભુત્વ છે. કપરાડા બેઠક ઉપર ભાજપ-કોંગ્રસની ટક્કર કેવી રહેશે તે તો મતદાન અને મતગણતરી પછી જ જાણી શકાશે. કપરાડા વિધાનસભાના 2,66,808 મતદારો પૈકી પુરૂષ મતદારો 1,35,450 તથા સ્ત્રી મતદારો 1,31,353 છે જયારે 5 અન્ય મતદારો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે 35,112 મતદારોનો વધારો થયો છે.

કપરાડા વિધાનસભા બેઠક વિશે
અનુસૂચિત જનજાતિની અનામત બેઠક એવી કપરાડા વિધાનસભા બેઠક પહેલાં મોટાપોંઢા વિધાનસભા બેઠક તરીકે ઓળખાતી હતી. આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર કોંગ્રેસના બરજુલભાઇ નવલાભાઇ પટેલ ચાર વખત ચૂંટણી જીત્યા હતા. તેમના પછી છેલ્લી ચાર ચૂંટણી કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી જીત્યા છે. ત્યાર બાદ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી મોટી લીડથી જીતેલા જીતુભાઈ ચૌધરી કપરાડાના ધારાસભ્ય અને હવે રાજય કક્ષાના પાણી પુરવઠા મંત્રી છે. કપરાડા વિધાનસભા બેઠક પર આ પહેલા એક વખત 1995માં ભાજપના માધુભાઇ રાઉત અહીં જીત્યા હતા. જાકે 1998માં માધુભાઇને હરાવી ફરી કોંગ્રેસના બરજુલભાઇ આ બેઠક પર જીત્યા હતા. આમ 1967થી 2017 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક ઉપર જીતતી આવી છે.  કોંગ્રેસમાંથી ઉત્તમભાઇ હરજીભાઇ પટેલ પણ આ બેઠક પર 1975માં જીત્યા હતા. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ આ બેઠક ઉપર હવે ભાજપના જીતુભાઈ પાંચમી ચૂંટણી લડી રહ્યા છે. પેટા ચૂંટણી જીતી હતી તેેેેના સાથે ગણીએ તો છઠ્ઠી ચૂંટણી.

ચર્ચાતા મુદ્દા
કપરાડામાં તાલુકામાં મુખ્ય સમસ્યા પાણીની છે. અહીં આખા રાજયમાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં પીવાના પાણીની સમસ્યા વધુ છે. મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોમાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ છે. આ વિસ્તારના લોકો માટે ખેતી સિવાય બીજુ કોઇ આવકનું સાધન નથી. શિક્ષણ માટે આ વિસ્તારના લોકોએ આશ્રમ શાળાઓ પર નિર્ભર રહેવું પડે છે. દુધ મંડળીઓના કારણે ડેરીને લઇને આ વિસ્તારના લોકો પશુપાલન ક્ષેત્રે પોતાની રોજીરોટી કમાઇ લે છે.

Most Popular

To Top