Dakshin Gujarat

અબ્રામા ગામે કરોડોની જમીનના કબ્જા મુદ્દે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ, બેને ચપ્પુ વાગ્યા

કામરેજ: (Kamrej) અબ્રામા ગામે આવેલી કરોડોની કિંમતની જમીનના કબ્જા (Land Possession) બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં વાતાવરણ ગરમાયું હતું. બંને પક્ષે મારામારી થતાં ચપ્પુ ઉછળ્યા હતાં અને બેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે બન્ને પક્ષોની સામ સામે હત્યાના (Murder) પ્રયાસ અને રાયોટીંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • અબ્રામા ગામે કરોડોની જમીનના કબ્જા મુદ્દે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ, બેને ચપ્પુ વાગ્યા
  • એક પક્ષના વીસેક લોકો વાડીમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં ત્યારે બીજા પક્ષનું વીસેક માણસોનું ટોળુ તેમના પર તૂટી પડ્યું
  • ચપ્પુ, પાઈપ, ફટકા જેવા હથિયારો સાથે જોરદાર મારામારીમાં અનેક ઘવાયા, પોલીસે હત્યાના પ્રયાસ, રાયોટિંગની સામસામી ફરિયાદો નોંધી

કામરેજ તાલુકાના અબ્રામા ગામે બ્લોક નંબર 75 તથા 126વાળી કિંમતી 22 વિંધા જમીનમાં બે દિવસ અગાઉ રાત્રિના અજીત ઉર્ફે ગુડ્ડુ પટેલ (રહે. ડીંડોલી) મિત્ર સુરજ રામઅચલ યાદવ સાથે જમીનની વાડીમાં સાફસફાઈ કરવા માટે અન્ય બે મિત્રો સાથે ગયા હતા. વાડી પહોંચીને જોતા જીતેન્દ્ર રાજપુત (રહે. જલારામ સોસાયટી લીંબાયત) તથા તેના આઠથી દસ માણસો હાજર હતા. જમીને રાત્રિના બધા સુઈ ગયા હતા. મોડી રાત્રિના આશરે 1.30 કલાકે પંદરથી વીસ લોકોનું ટોળુ લોંખડના પાઈપ, સપાટા, ચપ્પુ લઈને વાડીમાં આવી વાડીમાં સુતેલા લોકોને મારવા માંડ્યા હતા અને શેઠ મહેન્દ્રભાઈએ જગ્યા ખાલી કરવા કીધું છે તો કેમ ખાલી નથી કરતા? ખેતર ખાલી કરો નહિ તો જાનથી મારી નાંખીશુ, તેમ કહીને હુમલો કર્યો હતો.

એક ઈસમે સુરજ યાદવને પેટના જમણા ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો તથા બીજા ઈસમે પ્લાસ્ટીકના પાઈપથી માથાના ભાગે મારી લોહીલુહાણ કરી દીધો હતો. ગાડીમાં તેમજ વાડીમાં પણ નુકશાન કરતા બન્ને પક્ષો વચ્ચે જમીનના કબજા બાબતે માથાકુટ થતાં સામસામે મારામારી અંગે કામરેજ પોલીસને જાણ થતાં પીઆઈ ડી.વી.રાણા સ્ટાફ સાથે દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત સુરજ યાદવને સુરતની ખાનગી હોસ્પીટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મહેન્દ્ર તથા બીજા પંદરથી વીસ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે રાજેશ મોતીરામ યાદવ પણ સુરતની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. રાજેશ યાદવે પણ દિપક મકવાણા, વિજય દરબાર તથા બીજા પંદર વીસ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષે હત્યાના પ્રયાસ અને રાયોટીંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top