SURAT

સ્ટુડન્ટ્સને કચોરી કેમ નહીં આપી?, વીર નર્મદ યુનિ.ના સ્વર્ણિમ મહોત્સવમાં વ્હાલા દવલાંની નીતિનો આક્ષેપ

સુરત(Surat): શહેરમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં (VNSGU) 50માં સ્વર્ણિમ મહોત્સવની (SwarnimMahotsav) ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ માટે નક્કી કરાયેલા મેન્યુ અનુસાર ભોજન પીરસવામાં નહીં આવતું હોવાની બૂમ ઉઠી છે. સેનેટ મેમ્બર ભાવેશ રબારીએ આ મામલે યુનિવર્સિટીના કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી છે.

એડવોકેટ અને સેનેટ મેમ્બર ભાવેશ રબારીએ આજે તા. 3 જાન્યુઆરી 2024ના રોજ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર લખી સ્વર્ણિમ મહોત્સવના કાર્યક્રમમાં વ્હાલાદવલાંની નીતિ અપનાવી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

ભાવેશ રબારીએ પત્રમાં આક્ષેપ કરતા લખ્યું છે કે, તા. 2થી 6 જાન્યુઆરી દરમિયાન યુનિવર્સિટીમાં સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવ દરમિયાન લંચમાં વિદ્યાર્થીઓને ભોજન પીરસવાનું એક મેન્યુ નક્કી કરાયું છે, પરંતુ વિદ્યાર્થીઓને મેન્યુ અનુસાર ભોજન પીરસવામાં નહીં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું છે.

રબારીએ આક્ષેપ કર્યો કે આજે તા. 3 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓને લંચમાં કચોરી, છાશ અને અથાણું પીરસવામાં આવ્યું નહોતું. જયારે આ જ સમયે વીઆઈપીની ભોજન વ્યવસ્થામાં આ ત્રણે વાનગી પીરસવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ સાથે પક્ષપાતભર્યું વલણ દાખવવામાં આવતું હોવાનું દર્શાવે છે.

આ સાથે જ ભાવેશ રબારીએ આ મામલે દરમિયાનગીરી કરી વિદ્યાર્થીઓને નક્કી કરાયેલા મેન્યુ અનુસાર વાનગી પીરસવામાં આવે તેવી માંગણી કરી છે. રબારીએ કૌભાંડની શંકા પણ વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા 50 મો સ્વર્ણિમ યુવા મહોત્સવ-20024નું આયોજન કરાયું છે, જે અંતર્ગત સ્કિટ સ્પર્ધામાં જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કૉલેજ, અમરોલી પ્રથમ ક્રમે અને માઇમ સ્પર્ધામા ત્રીજા ક્રમે વિજેતા રહી હતી.

Most Popular

To Top