Columns

જસ્ટિસ ચંદ્રચૂડ ભારતના ચીફ જસ્ટિસ બનતાં પહેલાં વિવાદોમાં સપડાઈ ગયા છે

સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે ભટકાતા હોય છે. ભારતના ૫૦મા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના નામની જાહેરાત થઈ તે પહેલાં જ તેઓ એક કરતાં વધુ વિવાદોમાં સપડાઈ ગયા છે. તેમાં પહેલો વિવાદ સુપ્રિમ કોર્ટના કોલેજિયમની કામ કરવાની પદ્ધતિ બાબતમાં પેદા થયો છે તો બીજો વિવાદ મુંબઈના રાશીદ ખાન પઠાણે જસ્ટિસ ચંદ્રચૂડ પર કરેલા આક્ષેપોને કારણે પેદા થયો છે. ત્રીજો વિવાદ સોશ્યલ મીડિયામાં જસ્ટિસ ચંદ્રચૂડ સામે ચાલી રહેલી ઝુંબેશને કારણે પેદા થયો છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જસ્ટિસ ચંદ્રચૂડ હિન્દુ પ્રજાના અને ભારતીય સંસ્કૃતિના વિરોધી હોવાથી તેમને કોઈ સંયોગોમાં ભારતના ચીફ જસ્ટિસ બનાવવા જોઈએ નહીં. આ બધા વિવાદો વચ્ચે વિદાય લઈ રહેલા ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ચંદ્રચૂડનું નામ જાહેર કરી દીધું છે, જેને ભારત સરકારે પણ સ્વીકારી લીધું છે.

ભારતમાં સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજોની પસંદગી કોલેજિયમ પદ્ધતિથી થાય છે, તેની સામે ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવ્યા છે, પણ તે પદ્ધતિ બદલી શકાતી નથી. આ વખતે કોલેજિયમના મતભેદો પહેલી વખત સપાટી પર આવ્યા છે અને જાહેર થઈ ગયા છે. વિદાય લેતાં ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ તેમની કોલેજિયમની અંતિમ બેઠક બોલાવી હતી, જેમાં સુપ્રિમ કોર્ટમાં ૧૦ જજોની નિમણૂક બાબતમાં ફેંસલો લેવાનો હતો. તેમાં જસ્ટિસ ચંદ્રચૂડ અકળ કારણોસર ગેરહાજર રહ્યા, જેને કારણે બેઠક મુલતવી રહી હતી. ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત રિટાયર થવાના હોવાથી તેમના માટે કોલેજિયમની બીજી બેઠક બોલાવવી સંભવિત નહોતી તો તેમણે લેખિત નોટ દ્વારા ચાર જજોનાં નામો સૂચવ્યાં હતાં. તેનો બે જજો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ બે જજો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાંના એક જસ્ટિસ ચંદ્રચૂડ હતા.

સામાન્ય રીતે જજોની પસંદગી કોલેજિયમની બેઠક દ્વારા થતી હોય છે, જેમાં ભારતના ચીફ જસ્ટિસ સહિત સુપ્રિમ કોર્ટના પાંચ જજ સાહેબો સભ્ય હોય છે. આ બેઠકમાં ક્યાં નામોની ચર્ચા થઈ અને કોની પસંદગી ક્યા આધારે થઈ, તેની વિગતો ક્યારેય બહાર આવતી નથી. પહેલી વખત એવું બન્યું કે નવા જજોની નિમણૂકનો નિર્ણય મીટિંગના માધ્યમથી કરવાને બદલે પત્રનું સર્ક્યુલેશન કરીને કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટના કોલેજિયમ પૈકી જસ્ટિસ સંજય ક્રિશ્ન કૌલે અને જસ્ટિસ કે. એમ. જોસેફે તેને સમર્થન આપ્યું, પણ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નાઝીરે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ પદ્ધતિ માટે નારાજગી વ્યક્ત કરી હતી.

ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત દ્વારા જે ચાર નામો સૂચવવામાં આવ્યાં હતાં તેમાંના ત્રણ હાઈ કોર્ટના જજો હતા તો એક સિનિયર ધારાશાસ્ત્રી હતા. જસ્ટિસ ચંદ્રચૂડે અને જસ્ટિસ નાઝીરે આ નામો સામે વાંધો નહોતો ઉઠાવ્યો, પણ તેને પસંદ કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વાત દિલ્હીનાં વકીલોનાં વર્તુળમાં લિક થઈ ગઈ હતી, જેને કારણે કોલેજિયમમાં ચાલી રહેલા મતભેદો સપાટી પર આવી ગયા હતા. છેવટે કેન્દ્રના કાયદા પ્રધાન ચિત્રમાં આવ્યા હતા. તેમણે સત્તાવાર પત્ર બહાર પાડીને કોલેજિયમમાં પ્રવર્તમાન મતભેદોની વાતને સ્વીકૃતિ આપી હતી, પણ ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત દ્વારા ચાલુ કરવામાં આવેલી પ્રક્રિયાને રોકી દીધી હતી.

તેમાં પ્રણાલિકા એવી છે કે કાયદા પ્રધાન એક વખત ચીફ જસ્ટિસને તેમના ઉત્તરાધિકારી જાહેર કરવાની વિનંતી કરે તે પછી તેઓ કોલેજિયમની બેઠક બોલાવી શકતા નથી કે જજોની નિમણૂક બાબતમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી. કાયદા પ્રધાને ચીફ જસ્ટિસને તેમના ઉત્તરાધિકારી જાહેર કરવાની વિનંતી કરી તેને પગલે કોલેજિયમની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ હતી. હવે ૧૦ નવા જજોની નિમણૂકનો નિર્ણય સૂચિત નવા ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા રચવામાં આવેલું કોલેજિયમ લેશે. આ વિવાદમાં જસ્ટિસ ચંદ્રચૂડ પોતાનું ધાર્યું કરાવવામાં સફળ થયા છે.

જસ્ટિસ ચંદ્રચૂડ પર બીજો હુમલો મુંબઈના રાશીદ ખાન પઠાણ નામના ઇસમે કર્યો હતો. તેણે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સેન્ટ્રલ વિજીલન્સ કમિશન અને ભારતના ચીફ જસ્ટિસ પર પત્ર લખીને જસ્ટિસ ચંદ્રચૂડ પર આક્ષેપ કર્યો હતો કે જસ્ટિસ ચંદ્રચૂડે બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં તેમના વકીલ પુત્રને ફાયદો થાય તેવો ઓર્ડર સુપ્રિમ કોર્ટના જજ તરીકે કર્યો હતો. તેનો બીજો આક્ષેપ એવો હતો કે જસ્ટિસ ચંદ્રચૂડે કોરોના વેક્સિન ફરજિયાત બનાવતો ચુકાદો આપ્યો હતો. બોમ્બે બાર એસોસિયેશન દ્વારા રાશીદ ખાન પઠાણના આક્ષેપોની કડક નિંદા કરવામાં આવી હતી.

જસ્ટિસ ચંદ્રચૂડ પર ત્રીજો હુમલો સેફ્રોન બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા ભૂતકાળમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મો પર પ્રહાર કરતા ચુકાદાઓ આપવામાં આવ્યા હોવાથી તેમને ભારતના ચીફ જસ્ટિસ બનાવવા જોઈએ નહીં. આ દલીલના સમર્થનમાં જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ ચુકાદાઓની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં પહેલા નંબરે સબરીમાલાનો ચુકાદો છે. સુપ્રિમ કોર્ટે આ ચુકાદા દ્વારા કેરળના સબરીમાલા મંદિરમાં ચાલી રહેલી ઋતુસ્રાવી મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન આપવાની પ્રણાલિકા પર પ્રહાર કર્યો હતો અને તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશની છૂટ આપી દીધી હતી.

જસ્ટિસ ચંદ્રચૂડે એક ચુકાદા દ્વારા ભારતની કાયદાપોથીમાં દાયકાઓથી રહેલા વ્યભિચાર અંગેના કાયદાને રદબાતલ જાહેર કર્યો હતો. આ કાયદામાં જો કોઈ પરણેલી મહિલા પારકા પુરુષ સાથે સેક્સ કરે તો તેને વ્યભિચાર માનવામાં આવતો હતો, પણ પરણેલો પુરુષ પારકી સ્ત્રી સાથે સેક્સ કરે તો તેને વ્યભિચારની સજા કરવામાં આવતી નહોતી. જસ્ટિસ ચંદ્રચૂડે આ કાયદો મહિલાઓને અન્યાયકર્તા છે, તેમ કહીને તેને રદ કર્યો હતો. ભારતના રૂઢિચુસ્ત પુરુષપ્રધાન સમાજને આ ચુકાદો ગમ્યો નહોતો. હાલના એક ચુકાદામાં તો જસ્ટિસ ચંદ્રચૂડે ત્યાં સુધી કહ્યું હતું કે ‘‘પરિણીત મહિલાને એક પુરુષ સાથે લગ્ન કર્યા પછી પણ બીજા પુરુષ સાથે સેક્સ કરવાનો અધિકાર છે.’’

જસ્ટિસ ચંદ્રચૂડે સુપ્રિમ કોર્ટના જજ તરીકે ૨૦૧૮માં એક ચુકાદા દ્વારા સજાતીય સંબંધોને કાનૂની માન્યતા આપી તેને પણ ભારતીય સંસ્કૃતિ પરનું આક્રમણ માનવામાં આવી રહ્યું છે. ભારતીય દંડસંહિતામાં ૩૭૭મી કલમ દ્વારા સજાતીય સંબંધોને સજાપાત્ર ગુનો ગણવામાં આવ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડે તે કલમ જ રદ કરી નાખી હતી. તેને કારણે સજાતીય સંબંધો બાંધનારા લોકો ફોર્મમાં આવી ગયા હતા અને તેમણે દિલ્હીની શેરીઓમાં વિજયકૂચ કાઢી હતી. તાજેતરમાં તા. ૧ ઓક્ટોબરે આપેલા ચુકાદામાં જસ્ટિસ ચંદ્રચૂડે કોઈ પણ સગીર કન્યાને તેના માતાપિતાની સંમતિ વિના ગર્ભપાત કરાવવાની સ્વતંત્રતા આપી દીધી હતી.

આ ચુકાદા દ્વારા તેમણે કોઈ પણ પરિણીત મહિલાને તેના પતિની સંમતિ વિના પણ ગર્ભપાત કરાવવાની છૂટ આપી દીધી હતી. કટ્ટર હિન્દુત્વમાં માનતા લોકોને લાગે છે કે જસ્ટિસ ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ બનશે તો ભવિષ્યમાં તેવા અનેક ચુકાદાઓ આપશે. જો કે આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ ચંદ્રચૂડના નામની જાહેરાત થતાં જ આ વિવાદો પર પડદો પડી જશે. જસ્ટિસ ચંદ્રચૂડ દેશના ચીફ જસ્ટિસ તરીકે કેવા ચુકાદાઓ આપે છે? તે જોવાનું રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top