Editorial

વિશ્વમાં જુલાઈની રેકોર્ડબ્રેક ગરમી અમંગળના એંધાણ આપી રહી છે

વિશ્વમાં પ્રદૂષણ એવી ભયંકર રીતે વધી રહ્યું છે કે તેના કારણે ભવિષ્યમાં આખી પૃથ્વી નાશ પામે તો નવાઈ નહી હોય. પ્રદૂષણને કારણે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે અને તેને કારણે પૃથ્વી પર ગરમી વધી રહી છે. હાલમાં જુલાઈ માસમાં યુરોપ, અમેરિકા અને ચીન સહિતના દેશોમાં એવી ભયંકર ગરમી પડી છે કે તેને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. જુલાઈ માસનું તાપમાન આખા વિશ્વને અચંબામાં મુકી રહ્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે જુલાઈ માસમાં જે ગરમી પડી છે તે 1.20 લાખ વર્ષો પછી પડી છે. વૈજ્ઞાનિકોના દાવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે પરંતુ એ વાસ્તવિકતા તો છે જ કે આ વખતે જુલાઈ માસમાં ગરમી વધારે પડી છે. યુએનના વડા એન્ટોનિયો ગુટારેસે તો ત્યાં સુધી કહ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ પણ હવે ભૂતકાળ બની ગયું છે, હવે તો પૃથ્વી ઉકળવા માંડી છે.

યુએનના હવામાન વિભાગ તેમજ યુરોપિયન યુનિયનની ક્લાઈમેટ ચેન્જ સર્વિસના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આ વર્ષે જુલાઈ માસે ગરમીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. પૃથ્વી પર આટલી ગરમી ક્યારેય જોવા મળી નથી. તેમાં પણ ઉત્તર અમેરિકા, ચીન તેમજ યુરોપની હાલત આ ગરમીએ ખરાબ કરી નાખી છે. વૃક્ષો, ખડકો તેમજ અન્ય રીતે માહિતી એકઠી કરી વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે છેલ્લા 1.20 લાખ વર્ષોમાં પૃથ્વી પર અનુભવાયેલું આ તાપમાન સૌથી વધારે છે. ગરમી ઘટે તેવા કોઈ જ સંજોગો પણ દેખાતા નથી. આ બંને એજન્સીઓએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, જુલાઈના પ્રથમ 23 દિવસમાં સરેરાશ તાપમાન 16.95 ડિગ્રી સેલ્સિયસ અથવાતો 62.51 ફેરનહીટ જોવા મળ્યું છે.

અગાઉ જુલાઈ, 2019માં ગરમીનો 16.63 ડિગ્રી સેલ્સિયસનો રેકોર્ડ થયો હતો તે રેકોર્ડ પણ આ વખતે તૂટી ગયો છે. ગરમીને કારણે ગ્રીસના રોડ્સમાં જંગલોમાં આગ લાગતા હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ચીનના એક શહેરમાં તો તાપમાનનો પારો 52.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. જેણે ચીનનો અગાઉનો ગરમીનો રેકોર્ડ તોડ્યો છે. યુએનના ચીફે અપીલ કરવી પડી છે કે વિશ્વના દેશો દ્વારા ક્લાઈમેટ ચેન્જ પર તાત્કાલિક પગલાઓ લેવામાં આવે. જુલાઈના રેકોર્ડબ્રેક તાપમાનને કારણે ઉત્તર ધ્રુવ પર ભારે ગરમી પડી રહી છે. જ્યારે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા ગ્રીસ, ઈટાલી અને અલ્જેરિયા દેશોમાં રેકોર્ડબ્રેક તાપમાનને કારણે જંગલમાં આગ લાગી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ગરમી વધી રહી છે. દર વર્ષે ગરમીનો પારો નવા રેકોર્ડ પણ બનાવી રહ્યો છે. અત્યાર સુધી વિશ્વએ ક્લાઈમેટ ચેન્જની એટલી પરવા કરી નથી. ઉલ્ટું કાર્બન ક્રેડિટના નામે પ્રદૂષણ ફેલાવવાનો રસ્તો શોધી લીધો હતો.

હવે પ્રદૂષણ વિશ્વનો વારો કાઢી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જમાં એવો પણ બદલાવ આવી રહ્યો છે કે જ્યાં એક સમયે વરસાદ ઓછો પડતો હતો ત્યાં હવે પૂર આવી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જને કારણે જ ઉત્તર ભારતમાં વાદળો ફાટી રહ્યા છે. અન્ય દેશો ગરમીથી હેરાન છે તો ભારતમાં વાદળો ફાટવાથી લોકો હેરાન થઈ રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જને ગંભીરતાથી નહીં લેનાર વિશ્વએ હવે તેના પરિણામો ભોગવવા પડી રહ્યા છે. જે પ્રદેશો ઠંડા પ્રદેશો તરીકે જાણીતા હતા તે પ્રદેશોમાં ગરમી માઝા મુકી રહી છે. વિશ્વની આ સ્થિતિથી ભારતે વહેલા સમજી જવાની જરૂરીયાત છે. ભારતમાં બેફામપણે પ્રદૂષણ વધારવામાં આવી રહ્યું છે. કેટલાક શહેરો એવા છે કે જ્યાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. ભારત સરકારે જાગીને પ્રદૂષણની સામે જંગ છેડવો પડે તેમ છે. જો સરકાર આવું કરી શકશે તો જ ભારત ક્લાઈમેટ ચેન્જની વિનાશક અસરોથી બચશે નહીં તો ભારત માટે ક્લાઈમેટ ચેન્જ મોટી મુશ્કેલી સર્જશે તે નક્કી છે.

Most Popular

To Top