Comments

જમ્મુ કાશ્મીર : સુપ્રીમના આકરા સવાલો

જમ્મુ કાશ્મીરમાંથી ક. ૩૭૦ દૂર કરાયા બાદ હજુ ય કેન્દ્રના તાબામાં છે આ પ્રદેશ. રાજ્યનો દરજ્જો પાછો અપાયો નથી. એ અલગ કરી દેવાયું છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના કેન્દ્ર સરકારે નિર્ણય લીધો એને ચાર વર્ષ થવા આવ્યાં છે અને હજુ ય કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાયો નથી અને ક્યારે મળશે એ વિષે કેન્દ્ર સરકાર ફોડ પાડતી નથી અને હવે વાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ક. ૩૭૦ રદ થઇ એ સામે કેસ છે એની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલાક અણિયાળા સવાલો કેન્દ્ર સરકારને કર્યા છે. સુપ્રીમે પૂછ્યું છે કે, શા માટે જમ્મુ કાશ્મીર અને લડાખને જુદા કરાયા? અને આ પ્રદેશ ક્યાં સુધી કેન્દ્રના તાબામાં રહેશે? રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? આ માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ સમયપત્રક છે કે નહિ? આ સવાલોના જવાબ આપવાનું કેન્દ્ર માટે સહેલું નથી. સરકાર તરફથી જવાબ એવો અપાયો છે કે, શાંતિ સ્થપાશે , સામાન્ય સ્થિતિ આવશે એટલે રાજ્યનો દરજ્જો અપાશે અને આ મુદે્ ચૂંટણી પંચ નિર્ણય લેશે.

પણ આવા જવાબથી સુપ્રીમ કોર્ટ સંતોષ લે એ શક્ય નથી. સરકારે વિસ્તૃત જવાબ આપવો પડશે. સવાલ એ છે કે, ક. ૩૭૦ દૂર કરવાનું હિંમતભર્યું પગલું તો મોદી સરકારે લીધું પણ ત્યાં ચૂંટણી ક્યારે થશે એ સવાલનો જવાબ મળતો નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખીણમાં આતંકવાદી ઘટનાઓ ઘટી છે. ૨૦૦૫થી ૨૦૧૯ દરમિયાન ૧૧૧૧ આતંકી ઠાર મરાયા હતા. ૪૨ પકડાયા અને ૨૨૫૩ ને સરહદેથી ઘુસતા અટકાવ્યા હતા. ૨૦૨૧માં ઘુસણખોરીના ૭૭ અને ૨૦૨૨માં ૯૯ ઘટના બની હતી. પણ ૨૦૨૩માં એમાં ઘટાડો થયો છે. આ વર્ષમાં માર્ચ સુધીમાં આઠ આતંકીઓ ઠાર મરાયા છે. એ પહેલાંના બે વર્ષમાં ૧૯૨ આતંકીઓ ઠાર મરાયા હતા.

એમ તો સરકારે ખીણમાં નવું રોકાણ આવે એ માટે પ્રયત્નો શરૂ કર્યા છે. વિકાસનાં કામો થયાં છે એમાં રોડથી માંડી ટ્રેન સુધીનાં કામોનો સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓ દ્વારા રોકાણ થવાની પણ જાહેરાત થઇ છે. પણ હજુ ય અહીં રોજગારીનો પ્રશ્ન મોટો છે. કેટલાક વિસ્તારોમાં હજુ ય આતંકી ઘટનાઓ બને છે. એમાં હમણાં કેટલીક ઘટના એવી બની છે કે, આપણા સુરક્ષા કર્મીઓના કેમ્પ પર હુમલો થાય છે અને ત્યાંથી હથિયારો ઉઠાવી જવાય છે. આવી ઘટના પહેલાં બનતી નહોતી. બીજું કે, સરકાર પહેલાં સીમાંકનનું બહાનું આગળ ધરતી હતી પણ એ તો ક્યારનું પૂરું થઇ ગયું છે. સ્થાનિક ચૂંટણીઓ થાય છે. અલગતાવાદી નેતાઓનો ઉત્પાત ઘટ્યો છે તો પછી રાજ્યનો દરજ્જો કેમ નથી અપાતો અને ચૂંટણી શા માટે થતી નથી?

સરકાર શેની રાહ જુએ છે. એક બાજુથી સરકાર દાવો કરે છે કે, ખીણમાં સ્થિતિ સામાન્ય બની છે. પ્રવાસન સામાન્ય બન્યું છે અને વાતે ય સાચી છે કે લોકો કાશ્મીરના પ્રવાસે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. આ સ્થિતિમાં મોદી સરકારે કોઈ નિર્ણય લેવો રહ્યો. અહીં મુખ્ય ટક્કર ચાર પક્ષો વચ્ચે છે. ભાજપ , કોંગ્રેસ, પીડીપી અને એનસી. કોણ કોના સાથે જશે એ સ્પષ્ટ નથી પણ કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ અને જલ્દી થવી જોઈએ. કોઈ પ્રદેશ કેન્દ્રના તાબામાં ઝાઝો સમય રહે તો એ લોકશાહીનાં મૂલ્યોનું પતન છે.

ગુજરાતમાં ઓબીસી ક્વોટામાં વધારો

ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ઓબીસી ક્વોટા એમની વસ્તી પ્રમાણે કરવા અને ત્યાં સુધી સ્થાનિક ચૂંટણીઓ ના કરવી. એ પછી સરકારે ઝવેરી કમિશન રચ્યું અને એનો અહેવાલ ગયા એપ્રિલમાં આવી ગયો અને હવે સરાકરે એનો સ્વીકાર કરી ઓબીસી ક્વોટા ૧૦ ટકા હતો એ વધારી ૨૭ ટકા કર્યો છે અને આ સાથે સ્થાનિક ચૂંટણીઓ માટેનો માર્ગ મોકળો થયો છે. સરકારનું આ મહત્ત્વનું પગલું છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા ત્યારે એમણે પટેલોનું વર્ચસ્ તોડવા ઓબીસી રાજકારણ શરૂ કર્યું અને એ કારણે ભાજપને ફાયદો થયો. આખા દેશમાં ભાજપે ઓબીસીને મહત્ત્વ આપ્યું છે.

આ મુદે્ ભાજ્પ અને કોંગ્રેસ જશ ખાટવાનો પ્રયત્ન કરે છે. પણ એ સ્પષ્ટ છે કે, આ કારણે ભાજપને સ્થાનિક ચૂંટણીઓમાં જરૂર ફાયદો થવાનો. સરકારે સુપ્રીમ કોર્ટની ૫૦ ટકા અનામતની મર્યાદા મુકાઈ છે એ જાળવી આ વધારો કર્યો છે પણ વસ્તી મુજબ કેટલી અનામત મળવી જોઈએ એ અસ્પષ્ટ રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં ઓબીસી અનામત ૧૦ ટકા પૂર્વવત્ રાખવામાં આવી છે. એ જ રીતે એસસી એસટી અનામતમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી. ચૂંટણીમાં આ મુદા્ને ભાજપ બરાબર ઉજાગર કરશે એ નક્કી.

છતીસગઢ સરકારની માંગ
ગુજરાતમાં ઓબીસી અનામત ક્વોટા દસ ટકાથી વધારી ૨૭ કરાયો છે અને એનો કોઈ વિરોધ થયો નથી. રાજ્ય સરકારે મંજૂરી આપી છે પણ છતીસગઢમાં આવી જ માગણી થઇ છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારે વિધાનસભામાં આવી માગણી મંજૂર કર્યા બાદ રાજ્યપાલે એને અટકાવી છે. પટેલે હવે વડાપ્રધાનને પત્ર લખી વસ્તી ગણતરીમાં ઓબીસી માટે અલગ કોલમ રાખવા વિનંતી કરી છે. એમનું કહેવું છે કે, ઓબીસીની વસ્તી સૌથી વધુ છે અને એને એ પ્રમાણે અનામત મળવી જોઈએ.

પટેલ સરકારે એક આયોગની રચના કરી અને એના અહેવાલ પ્રમાણે રાજ્યમાં ઓબીસીની વસ્તી ૪૨.૪૧ ટકા છે અને આર્થિક રીતે પછાતોની વસ્તી ૩.૪૮ ટકા છે. આ આધારે સરકારે એસટીને ૩૨ , એસસીને ૧૩ , ઓબીસીને ૨૭ અને ઈડબ્લ્યુએસને ૪ ટકા અનામત માટે ભલામણ કરી , વિધાનસભામાં એ મંજૂરી મેળવી પણ રાજ્યપાલે એ વાતને અટકાવી છે. મંજૂરી આપતા નથી. ગુજરાતમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપી શકાય તો છતીસગઢમાં કેમ નહિ? હવે આ મુદો્ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જરૂર ઉઠાવાશે.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top