Comments

અવસરની શોધ

એક યુવાને નવી નવી કામ કરવાની શરૂઆત કરી. જેટલી મહેનત કરે એટલું વળતર મળતું નહિ અને વળી યુવાનને તો એવા અવસરની ખોજ હતી કે રાતોરાત જીવનમાં સફળ થઇ બહુ આગળ વધી જાય અને સાધનસંપન્ન થઇ જાય.યુવાન સતત કોઈ તકની ખોજમાં રહેતો. એક દિવસ યુવાન સાંજે ઘરે આવ્યો, થાકેલો હતો અને ચિંતામાં પણ. દાદાજીએ પૂછ્યું, ‘ભાઈ કેમ ચિંતામાં લાગે છે?’ યુવાને કહ્યું, ‘દાદાજી, થાકી જવાય એટલું કામ કરું છું, સતત મહેનત કરું છું પણ આમને આમ માત્ર બે રોટલા મળશે, બાકી કોઈ મોટો અવસર મળે તો જ કંઈ વાત બને, પણ ક્યારે મળશે શું ખબર…વળી એવા ખબર છે કે કંપની માણસો ઓછા કરી રહી છે એટલે જો કામ બરાબર નહિ કરું તો આ નોકરી પણ જઈ શકે છે.શું કરું કંઈ સમજાતું નથી? તમે જ કહો ને હું શું કરું? કયાં જઈને મોટો અવસર ગોતું? કોઈ મોટી તક કઈ રીતે મળશે?’ દાદાજી હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, મોટો અવસર શોધવાની જરૂર જ શું છે? યુવાન કહે, ‘દાદાજી, જીવનમાં આગળ વધવું હોય તો મોટી તક ગોતવી જ પડે, નહિ તો આમ જીવન પૂરું થઈ જાય અને આપણે જીવનમાં કંઈ કરી શકીએ જ નહિ.’ દાદાજી ફરી હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, હું કહું છું અવસર ગોતવાની, મહેનત કરવી જ વ્યર્થ છે.

ભાઈ તને જીવન મળ્યું છે ….તું અત્યારે સ્વસ્થ રીતે શ્વાસ લઈ રહ્યો છે…મહેનત કરી પૈસા કમાવા તારી પાસે ભણતર ,મગજ, બે હાથ અને બે પગ છે…આટલા અવસર તો તને મળી જ ચૂક્યા છે પછી હજી ક્યાં મોટા અવસરને શોધવાના વ્યર્થ ફાંફા તું મારે છે.તું જીવિત છે …તું વિચારી શકે છે એ જ સૌથી મોટો અવસર છે.માટે આ કોઈ મોટો અવસર શોધું અને જલ્દીથી સફળ થઈ જાઉં તેવી વ્યર્થ વાતો છોડ.જીવન મળ્યું છે … જીવનમાં જે મળ્યું છે તેને જ સૌથી મોટા અવસર તરીકે સ્વીકારી લે તો જીવનમાં કયારેય કોઈ ખામી નહિ લાગે.જીવનમાં કયારેય કંઈ શોધવા નહિ જવું પડે.જીવન આજે જ અત્યારે જ સફળ અને જીવવા જેવું લાગશે.યાદ રાખજે આ મનુષ્ય જીવન મળ્યું છે તે જ સૌથી મોટો અવસર છે.તેને આનંદથી ભરી દો તો રોજ ઉત્સવ છે.’ દાદાએ પોતાના અનુભવમાંથી સાચી સમજણ યુવાનને આપી. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top