Comments

જમ્મુ-કાશ્મીર પ્રયોગશાળા નથી

જમ્મુ-કાશ્મીરના એક વારના રાજયને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની કલમ 370 તા. 5 મી ઓગસ્ટ, 2019 ના રોજ નાબૂદ કરાઇ અને રાજય બે ભાગમાં વહેંચાઇ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું ત્યારથી એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે જમ્મુ-કાશ્મીરને રાજયત્વનો પૂર્ણ કક્ષાનો દરજ્જો જલ્દીથી મળશે? ખુદ કેન્દ્ર સરકારના ટોચના નેતાઓ અને ભારતીય જનતા પક્ષના નેતાઓ આ મુદ્દાને જીવંત રાખી રહયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે સંસદની અંદર અને બહાર વારંવાર ખાતરી આપી હોવાથી જમ્મુ-કાશ્મીરને રાજયનો દરજ્જો ફરી જલ્દીથી મળી જશે એમાં કોણ શંકા રાખશે! ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓ આ ખાતરીને ફરજના ભાગ રૂપે આગળ વધારી રહયા છે.

આમ છતાં રાજય સભામાં સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદો 2019 ના સુધારા ખરડો સંસદમાં પસાર કર્યો તે પછી જમ્મુ-કાશ્મીરને રાજયત્વનો દરજ્જો ફરી આપવા બાબતનો પ્રશ્ન ફરી ઉપસ્થિત થયો છે. આ ખરડો ગૃહમાં ધ્વનિમતથી પસાર થયો હતો.

મૂળ પુનર્ગઠન ધારામાં સુધારો થવાથી એક વખતના આ રાજયના દરજ્જામાં ફેરફાર થયો છે. તેમાં ભારતીય સનદી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવાની જમ્મુ-કાશ્મીર કેડરની સેવાઓને અરુણાચલ, ગોવા, મિઝોરમ, અને કેન્દ્રશાસિત પ્રદેશો એગવર અથવા યુનિયન ટેરિટરી કેડરમાં ભેળવી દેવાનો ઇરાદો છે. તેની પાછળનો આશય તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના શાસનમાં ‘એકરૂપતા’ લાવવાનો અને તેમની ‘કાર્યદક્ષતા’ વધારવાનો છે અને આ કાયદાની કલમમાં સુધારો કરતો આ સુધારો પસાર પણ થઇ ગયો.

સદરહુ કાયદાની કલમ 13 માં પણ વધારાનો સુધારો સૂચવાયો છે જેમાં કલમ 239-એમાં સમાવિષ્ટ જે જોગવાઇઓ પુંડુચેરીને લાગુ પડે છે તે જમ્મુ-કાશ્મીરને પણ લાગુ પાડવામાં આવી છે. આ હેતુ સિધ્ધ કરવા સદરહુ કાયદામાં કલમ 239-એ પછી શબ્દો ઉમેરાયા છે કે રાજયની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના સંદર્ભમાં કોઇ પણ અન્ય કલમ એવો ઉમેરો કરાયો છે.

તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની વહીવટી એકરૂપતા નવા સુધારાથી સિધ્ધ થશે ત્યારે થશે પણ સવાલ સરકારે જમ્મુ-કાશ્મીરને રાજયત્વનો દરજ્જો ફરી આપવાનો જે વચન વારંવાર આપ્યાં છે તેનું શું? જમ્મુ-કાશ્મીરના નવરચિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં સનદી અધિકારીઓની ટોચ પડતી અટકાવવાનો આ સુધારા પાછળનો ઇરાદો જણાવાયો છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના દરજ્જાને વધુ મજબૂત કરવા સિવાય બીજા કોઇ રસ્તા ન હતા?

પહેલી વાર મુખ્યમંત્રી બન્યા પછી મર્હૂમ મુફતી મોહમ્મદ સૈયદે બઢતી બદલીના કારણસર અન્યત્ર મૂકાયેલા જમ્મુ-કાશ્મીર કેડરના જમ્મુ-કાશ્મીરના વતની તમામ અધિકારીઓને જુદાં જુદાં રાજયોમાંથી પોતાના વતન રાજયમાં લાવ્યા હતા. અન્ય રાજયોના વતની અધિકારીઓને ડેપ્યુટેશન પર બોલાવવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો છે અને જયારે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રનું શાસન હોય ત્યારે વધુ સરળ છે.

તેને બદલે સરકારે પોતાના વચન પર શંકા જાગે તેવું કામ કર્યું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વેની કવાયત લેખાતી જિલ્લા વિકાસ સમિતિઓની ચૂંટણી પછી સરકારે લીધેલું આ પગલું એવું સૂચવે છે કે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રનું શાસન ધારણાથી વિશેષ સમય રહેવાનું છે.

રાજય સભામાં વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે સરકારના ઇરાદાઓ પર વાજબી રીતે શંકા વ્યકત કરી જણાવ્યું હતું કે સરકાર જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રનું શાસન કાયમી ધોરણે રાખવા માંગે છે.

અત્યારે જમ્મુ-કાશ્મીરના મુદ્દે કંઇ પણ કાર્યાવાહી કરતી વખતે સરકારનું ધ્યાન એક તરફ રાષ્ટ્રીય રાજકારણ પર છે તો બીજી તરફ ખુદ જમ્મુ-કાશ્મીર પર છે. બંધારણની કલમ 370 અને 35-એ ની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતીય જનતા પક્ષનો મુખ્યમંત્રી મૂકવા ભારતીય જનતા પક્ષ તલપાપડ થઇ ગયો છે,

કારણ કે તેને લાગે છે કે તેનાથી તેને આગામી મહિનાઓમાં રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓમાં મોટો લાભ થવાનો છે એમ પક્ષના વ્યૂહકારો માને છે. વ્યૂહકારોને એ પણ ખબર પડી છે કે ભારતીય જનતા પક્ષની પકડ છે તે જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં રાજયને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના પગલાને ઝાઝો આવકાર નથી મળ્યો.

આથી રાજયત્વનો મુદ્દો જીવંત રાખવો જોઇએ અને ચૂંટણી ઢંઢેરામાં તેને પ્રાધાન્ય આપવું જોઇએ. બાકી રાજકીય રીતે તો છેલ્લામાં છેલ્લા સુધારાથી ગુંચવાડો જ વધ્યો છે અને જમ્મુ-કાશ્મીરના ભાવિના પ્રશ્ને રહસ્ય ઘેરાયું છે. જમ્મુ-કાશ્મીરના નામે ઓળખાતી પ્રયોગશાળા માટે વધુ પ્રયોગો કરવાની ગુંજાઇશ નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top