Columns

તો દાઝી જવાશે

એક કોલેજીયન છોકરી નીના રડતાં રડતાં ઘરે આવી.આંખોમાં આંસુ અને મનમાં ગુસ્સો હતો.ધમ ધમ કરતી બારણાં પછાડીને પોતાના રૂમમાં જતી રહી.દરવાજો બંધ કરી દીધો.મમ્મી પૂછતી જ રહી ગઈ, શું થયું, તો કંઈ જવાબ ન આપ્યો. થોડી વાર પછી મમ્મી વળી પાછી નાસ્તો અને દૂધ લઈને નીનાના રૂમમાં ગઈ. બહુ વાર દરવાજો ખખડાવ્યા બાદ નીનાએ દરવાજો ખોલ્યો. આંખો રડી રડીને સૂજીને લાલ થઈ ગઈ હતી.ભૂખ પણ લાગી હતી,પણ મનમાં ગુસ્સો પણ બહુ હતો.તેણે પોતાનો બધો ગુસ્સો મમ્મી પર કાઢ્યો અને તેને કહેવા લાગી, ‘જા તું અહીંથી, મને જયારે ખાવું હશે ત્યારે ખાઈ લઈશ.

દૂધ પીવું હશે ત્યારે પી લઈશ.તું જા અહીંથી.’ તેની મમ્મીએ કહ્યું, ‘નીના, શું થયું છે કે આમ ખોટો ગુસ્સો કરે છે?’નીનાએ ગુસ્સાથી કહ્યું, ‘મમ્મી, તું જા અહીંથી, મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી.કોલેજમાં મારું કેટલું અપમાન થયું કારણ કે મારી પાસે સરસ ફેશનેબલ મોંઘાં કપડાં નથી, નથી ફેશનેબલ શુઝ અને નથી ફેન્સી બેગ્સ.મારે તો કોલેજ પણ સ્કુટી પર જવું પડે છે.મારી બધી બહેનપણીઓ મારી મજાક ઉડાડે છે કે તું શું આવા સસ્તા અનબ્રાન્ડેડ કપડાં પહેરે છે.આપણી પાસે કેમ બધું ખરીદી શકાય તેટલા પૈસા નથી.

મને બહુ ગુસ્સો આવે છે મારા નસીબ પર.તમારા પર.મારા મિત્રો પર.’ આ વાત સાંભળતાં સાંભળતાં અચાનક મમ્મીએ ગરમ દૂધના ગ્લાસમાંથી થોડું દૂધ નીનાના હાથ પર ઢોળ્યું.નીનાના હાથ પર લાલ ચકામું થયું. તે દાઝી ગઈ અને ચીસ પાડી ઊઠી, ‘મમ્મી, આ શું કર્યું,’મમ્મી તરત ઠંડું પાણી લાવી અને તેમાં નીનાનો હાથ ડુબાડ્યો,નીનાને રાહત થઇ. મમ્મી બોલી, ‘જો દીકરા, આપણા શરીર પર જરા પણ ગરમ વસ્તુ અડી જાય તો કેટલી પીડા થાય છે? અને ઠંડા પાણીના સ્પર્શથી રાહત મળે છે.તો વિચાર કર, તારા મનમાં બીજાનાં સારાં કપડાં અને બેગ્સ અને શૂઝ જોઇને છૂપી ઈર્ષ્યા છે.

તારા મિત્રો તારી મજાક કરે છે તો તને ગુસ્સો આવે છે.તને બધું મેળવવાની લાલચ થાય છે અને તારી પાસે નથી અને બીજા પાસે છે તેનો તને દ્વેષ થાય છે.દીકરા, સમજ આ ગુસ્સો, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, લાલચ છૂપો અગ્નિ છે અને તે બધાને તારા મનમાં રાખ્યા છે તો તારું મન રોજ કેટલું દાઝતું હશે, તેને રોજ કેટલી પીડા થતી હશે.મનને રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને ગુસ્સાથી દૂર રાખ, નહીં તો રોજ દાઝતી રહીશ અને જેમ ઠંડા પાણીથી તારા દાઝેલા હાથને રાહત મળી તેમ તું સ્વીકાર અને સંતોષનું શીતળ જળ દાઝેલા મન પર છાંટી જો તો રાહત થશે.’ મમ્મીએ નીનાને સમજાવ્યું કે મનમાંથી ગુસ્સો, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, લાલચ દૂર કરે નહિ તો દાઝી જવાશે.

Most Popular

To Top