Columns

માફિયા ડોન મુખ્તાર અન્સારીને સજા કરવામાં ભારતના ન્યાયતંત્રને ૪૪ વર્ષ લાગ્યાં હતાં

ભારતનું ન્યાયતંત્ર કેટલું સુસ્ત છે કે કોઈ ગુનેગાર ગંભીર ગુનો કરે તો તેને સજા કરવામાં દાયકાના દાયકા નીકળી જતા હોય છે, જે દરમિયાન તે નિર્ભય બનીને નવા ગુનાઓ કર્યા કરે છે. તાજેતરમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અન્સારીના નામે પોલીસના ચોપડે પહેલો ગુનો ૧૯૭૮માં નોંધાયો હતો, જેનો ચુકાદો છેક ૨૦૨૨માં આવ્યો હતો.

આ ૪૪ વર્ષ દરમિયાન તે ચૂંટણીઓ લડતો રહ્યો હતો અને લોકોનો પ્રતિનિધિ બનીને વિધાનસભામાં પણ બેસતો રહ્યો હતો. જો મુખ્તાર અન્સારી દ્વારા જે ગુનો ૧૯૭૮માં કરવામાં આવ્યો તેની સજા ૧૯૮૦માં જ મળી ગઈ હોત તો તેની ગુનાખોરી પર લગામ આવી ગઈ હોત અને રાજકારણમાંથી તો તેનો એકડો ત્યારે જ નીકળી ગયો હોત. ભારતના ન્યાયતંત્રની આ નબળાઈ કોઈ પણ ઉપાયે તાત્કાલિક દૂર કરવી જરૂરી બની ગઈ છે.

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર કમ રાજકારણી મુખ્તાર અન્સારીનું લાંબા જેલવાસ પછી ગુરુવારે મૃત્યુ થયું હતું. તેની સામે ૬૦ થી વધુ ફોજદારી કેસો પેન્ડિંગ હતા. મુખ્તાર અન્સારી ઉત્તર પ્રદેશના મૌ વિધાનસભા ક્ષેત્રનો પાંચ વખત ધારાસભ્ય રહ્યો હતો. મુખ્તાર અન્સારી પર ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં નોંધાયેલા ૬૦ કેસોમાંથી ૧૬ કેસો હત્યાના હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાજકારણીઓ અને વિદ્વાનોના પરિવારમાંથી આવતા મુખ્તારે ગુનાખોરીની દુનિયામાં માત્ર ૨૦ વર્ષની ઉંમરે પ્રવેશ કર્યો હતો.

તેની સામે પહેલો ફોજદારી કેસ ૧૯૭૮માં નોંધાયો હતો, જ્યારે હત્યાનો પહેલો કેસ ૧૯૮૬માં નોંધાયો હતો. તેને ૨૦૦૫માં જેલમાં પૂરવામાં આવ્યો હતો, પણ ભારતના કાયદા મુજબ કોઈ પણ આરોપી જ્યાં સુધી કોર્ટમાં ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ જ માનવામાં આવે છે. તેને જેલમાં કાચા કામના કેદી તરીકે રખાય છે, પણ તે જેલમાં રહીને ચૂંટણી લડી શકે છે. આ નિયમ મુજબ મુખ્તાર અન્સારી ૨૦૨૨ સુધી જેલમાં રહીને ચૂંટણી લડતો રહ્યો અને જીતતો રહ્યો હતો. છેક ૨૦૨૨માં સજા થતાં તેને ગેરલાયક ઠરાવવામાં આવ્યો હતો.

ગુના અને રાજકારણની દુનિયામાં મુખ્તાર અન્સારીનો પ્રવેશ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટેની લડાઈથી શરૂ થયો હતો. ગાઝીપુર સ્થિત મુખ્તાર અન્સારી અને શક્તિશાળી માફિયા ડોન બ્રિજેશ સિંહ ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં એકબીજા સાથે કાતિલ સ્પર્ધામાં ઊતર્યા હતા. સર્વોચ્ચતા માટેની લડાઈમાં મુખ્તાર અન્સારીએ ૧૯૯૧માં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયના ભાઈ સ્થાનિક રાજકારણી અવધેશ રાયની હત્યા કરી નાખી હતી. મુખ્તાર અન્સારીને જે આઠ કેસો માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા કરવામાં આવી હતી તેમાંથી તે એક છે. મુખ્તાર અન્સારીને કલંકિત કરનારા અન્ય મુખ્ય કેસોમાં ૨૦૦૫માં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને અન્ય છ લોકોની હત્યાનો સમાવેશ થાય છે.

વર્ષ ૧૯૯૧માં મૌનાં રમખાણો દરમિયાન મુખ્તાર અન્સારી, તેના ભાઈ અફઝલ અને અન્ય પાંચ સામે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તેને છેક ૨૦૦૫માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારથી લઈને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મુખ્તાર અન્સારી ક્યારેય જેલની બહાર નહોતો આવ્યો. તે કેસમાં સીબીઆઈની તપાસ બાદ દિલ્હીની કોર્ટે મુખ્તાર અને અફઝલ અન્સારી સહિત સાતેયને નિર્દોષ જાહેર કર્યા હતા. ૧૯૯૯માં જેલ સુપ્રિન્ટેન્ડેન્ટની હત્યામાં સંડોવણી બદલ મુખ્તાર અન્સારી પર ગેંગસ્ટર એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેણે તેને જેલના સળિયા પાછળ રાખ્યો હતો.

મુખ્તાર અન્સારી કાયદાની કોર્ટમાં ૨૦૨૨ માં જ પહેલી વખત  મુશ્કેલીમાં મુકાયો હતો, જ્યારે તેને  સજા કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૨માં ટ્રાયલ કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો હતો અને મુખ્તાર અન્સારીને જેલરને ધમકી આપવા બદલ સાત વર્ષની સજા ફટકારી હતી, જ્યાં તે ૨૦૦૩ માં રિવોલ્વર સાથે પકડાયો હતો. મુખ્તાર અન્સારીને સાત વર્ષની સજા ઉપરાંત ૩૭,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે પછી ૧૯૯૦ના નકલી હથિયાર લાયસન્સના કેસમાં વારાણસીની અદાલત દ્વારા તેને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.

તે સાથે તેને સજા કરવાનો સિલસિલો ચાલુ થયો હતો. મુખ્તાર અન્સારીએ ૨૦૨૨ પહેલાં ઘણી ટ્રાયલોનો સામનો કર્યો હતો, પરંતુ તેને ક્યારેય દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો. સપ્ટેમ્બર ૨૦૨૨માં ફરમાવાયેલી સજા તેની પ્રથમ સજા હતી અને ત્યાર પછી તેને વધુ સાત વખત દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પૂર્વીય ઉત્તર પ્રદેશ પર મુખ્તાર અન્સારીની એક જમાનામાં મજબૂત પકડ હતી, પણ યોગી આદિત્યનાથની ભાજપ સરકારે માફિયા સરદારો સામે ઝડપી કાર્યવાહી કરવાનું શરૂ કરતાં તેની ક્રાઈમ સિન્ડિકેટ તૂટી પડવા લાગી હતી.

મુખ્તાર અન્સારીના ભાઈ અફઝલને પણ ૨૦૦૭ના ગેંગસ્ટર એક્ટ કેસમાં ૧૦ વર્ષની સજા થઈ હતી. ડિસેમ્બર ૨૦૨૩ માં મુખ્તાર અન્સારીને ૧૯૯૭ ના રૂંગટાના ભાઈની હત્યા કેસમાં સાક્ષી મહાવીર પ્રસાદ રૂંગટાને ધમકી આપવા બદલ સજા આપવામાં આવી હતી. ૧૯૯૬ના એક કેસમાં મુખ્તાર અન્સારીની સાથે તેના સાથી ભીમ સિંહને પણ ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોલસા ઉદ્યોગપતિ નંદકિશોર રૂંગટા ઉર્ફે નંદુબાબુના અપહરણ અને હત્યાના કેસમાં પણ મુખ્તાર અન્સારીનું નામ હતું, જેની ટ્રાયલ હજુ બાકી છે.

મુખ્તાર અન્સારીને ૨૦૧૦માં ક્રાઈમ સિન્ડિકેટમાં સંડોવણી બદલ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ્સ એક્ટ હેઠળ પણ પકડવામાં આવ્યો હતો, પરંતુ નિર્દોષ છૂટ્યા બાદ તેને સજા થઈ ન હતી. તદુપરાંત તેના પર એમ્બ્યુલન્સની નોંધણી કરાવવા માટેના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. તેણે એમ્બ્યુલન્સનો ઉપયોગ મોહાલી જેલમાં પ્રવેશ કરવા અને બહાર જવા માટે કર્યો હતો, જ્યાં તેને રાખવામાં આવ્યો હતો. આ સિવાય મુખ્તાર અન્સારી પર ઘણા નાના આરોપો હતા. ઘણા કિસ્સાઓમાં સાક્ષીઓ પ્રતિકૂળ બની ગયા હતા અથવા મૃત્યુ પામ્યા હતા. ૬૦ થી વધુ કેસોમાંથી મુખ્તાર અન્સારીને ફક્ત આઠ જ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

એક સમય એવો હતો, જ્યારે મુખ્તાર અન્સારીનો ડર એટલો બધો હતો કે તેની પત્ની અફશા અન્સારી કેટલીક વાર તેના પતિ સાથે જેલમાં જ રોકાઈ જતી હતી. સમયનું ચક્ર એવું બદલાયું કે પતિના અવસાન પછી અફશા છેલ્લી વાર તેની લાશ પણ જોઈ શકતી નથી, કારણ કે તેને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. મુખ્તાર અને અફશાની લવ સ્ટોરી પણ ફિલ્મી છે. મુખ્તારની મિત્રતા મહરુપુરના રહેવાસી અતીઉર રહેમાન ઉર્ફે બાબુ સાથે હતી. મુખ્તારને ઘરથી પાંચ કિ.મી. દૂર અતીઉર રહેમાનના ઘરે જવાનું થતું હતું. આ સમયે મુખ્તારની મિત્રતા અતીઉર રહેમાનની ભત્રીજી અફશા અન્સારી સાથે થઈ હતી. બાદમાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા.

મુખ્તાર અન્સારી ગુનાખોરીની દુનિયાનો તાજ વગરનો રાજા બન્યો અને આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અફશા પણ પોતાના પતિ સાથે કદમ મિલાવીને ચાલવા લાગી હતી. ૨૦૦૫માં મુખ્તાર જેલમાં ગયા પછી અફશાએ તેનો ગુનાખોરીનો કારોબાર સંભાળી લીધો હતો. બાળકો મોટાં થયા પછી તેણે મુખ્તારની ગેંગની કમાન સંભાળી હતી. સ્થિતિ એવી બની કે અફશા સામે ગંભીર આરોપો હેઠળ કુલ ૧૩ કેસો નોંધાયા હતા. અફશાને પકડવા માટે ગાઝીપુર પોલીસે ૫૦ હજાર રૂપિયાના અને મૌ પોલીસે ૨૫ હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. મુખ્તાર અન્સારીની ૫૦૦ કરોડની સંપત્તિ પણ તેના પરિવારને સુખ કે શાંતિ આપી શકી નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top