Editorial

ન્યાય પાલિકા રાજકારણના પડછાયાથી પણ દૂર રહે તે જરૂરી છે

સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતના અને વિવિધ રાજ્યોની વડી અદાલતોના કુલ મળીને ૨૧ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ દેશના વડા ન્યાયમૂર્તિને એક પત્ર લખ્યો જેમાં તેમણે કેટલાક વર્ગો દ્વારા દેશની ન્યાય પ્રણાલિ પર દબાણ લાવવા માટેના થઇ રહેલા કથિત પ્રયાસોની વાત કરી છે. જો કે સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટોના ૨૧ નિવૃત જજોના આ જૂથ દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ચોક્કસ વર્ગો દ્વારા ન્યાયપાલિકાને ગણતરીપૂર્વકના દબાણ, ગેરમાહિતી અને જાહેરમાં અપમાનજનક ટીકાઓ દ્વારા ધીમે ધીમે નબળું પાડવા માટેના પ્રયાસો વધી રહ્યા છે.

જો કે આ પત્ર નવો નથી. થોડા સમય પહેલા જ દેશના અનેક વકીલોએ આ જ પ્રકારનો આ પત્ર દેશના ચીફ જસ્ટિસને લખ્યો હતો જેમાં પણ તેમણે આ પ્રકારનો જ સૂર કાઢ્યો હતો. ઉપરા છાપરી આવા બે પત્રો દેશના વડા ન્યાયમૂર્તિને બે જુદા જુદા જૂથો દ્વારા લખવામાં આવે તે નવાઇ ઉપજાવે તેવી પણ વાત તો છે જ. અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તો આક્ષેપ કરી જ દીધો છે કે સ્વાયત્ત ન્યાયતંત્રને દબાણ હેઠળ લાવવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાનના ઇશારે જ આ પત્રો લખવામાં આવ્યા છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે કેટલાક સ્થાપિત હિતો અંગત સ્વાર્થ ખાતર દેશના ન્યાયતંત્રની જાહેરમાં ટીકાઓ કરીને તેને દબાણ હેઠળ લાવવા પ્રયાસો કરી રહ્યા છે. આ ટીકાકારો સંકુચિત રાજકીય હિતો અને અંગત લાભો વડે દોરવાયેલા છે અને તેઓ ન્યાયતંત્રની પ્રણાલિમાં જાહેર જનતાનો વિશ્વાસ નાબૂદ કરવા માટેના પ્રયાસોમાં લાગ્યા છે એમ આ નિવૃત જજોએ પત્રમાં લખ્યું છે. આ નિવૃત જજોમાંથી ચાર જજો સર્વોચ્ચ અદાલતના નિવૃત જજો છે જ્યારે બાકીના ૧૭ વિવિધ હાઇ કોર્ટોના નિવૃત જજો છે. તેમણે પોતાના પત્રમાં જો કે એ લખ્યું નથી કે કયા બનાવોએ  તેમને આ પત્ર લખવા પ્રેર્યા.   તેમનો આ પત્ર ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે કેટલાક વિપક્ષી નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસોમાં પગલાઓ અંગે ચાલતા શાબ્દિક યુદ્ધ વચ્ચે આવ્યો છે.

પત્ર લખનાર નિવૃત જજોમાં જસ્ટિસો(નિવૃત) દીપક વર્મા, ક્રૃષ્ણ મુરારી, દિનેશ મહેશ્વરી અને એમ.આર. શાહનો સમાવેશ થાય છે. તેમણે સુપ્રીમ કોર્ટની આગેવાની હેઠળની ન્યાયપાલિકાને વિનંતી કરી છે કે તે આવા દબાણ સામે પોતાને કિલ્લેબંધ કરે અને એ સુનિશ્ચિત કરે કે ન્યાય પ્રણાલિની પવિત્રતા અને સ્વાયત્તતા જળવાઇ રહે. આ પહેલા ૬૦૦ જેટલા વકીલો, જેમાં કેટલાક જાણીતા વકીલોનો પણ સમાવેશ થતો હતો તેમના દ્વારા લખાયેલા પત્રમાં પણ આ જ પ્રકારનો સૂર કાઢવામાં આવ્યો હતો. આ પત્રોથી કંઇક ગુંચવાડાનો પણ માહોલ ઉભો થયો છે. પત્ર લખનારાઓ પણ ન્યાયતંત્રને દબાણથી બચાવવાની વાત કરી રહ્યા છે જ્યારે આ પત્ર લખનારાઓ સરકારને ઇશારે કામ કરી રહ્યા છે એમ કહેનારાઓ પણ કહી રહ્યા છે કે ન્યાયતંત્રને દબાણ હેઠળ લાવવા આ પત્રો લખાઇ રહ્યા છે!

દેશના ૨૧ ભૂતપૂર્વ જજોને લખેલા પત્ર પછી કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને ૨૧ નિવૃત જજો દ્વારા લખવામાં આવેલ પત્ર એ વડાપ્રધાનના ન્યાયપાલિકાને ધમકી આપવાના, ધમકાવવાના અને દબાણ હેઠળ લાવવાના સુઆયોજીત અભિયાનના ભાગરૂપે છે જે ન્યાયપાલિકાએ તાજેતરના મહિનાઓમાં પોતાના બાવડા ફુલાવ્યા છે. આ પત્ર અંગે એઆઇસીસીના વડા મથકે એક પત્રકાર પરિષદમાં પૂછવામાં આવતા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાને સૌથી મોટો ખતરો ભાજપ તરફથી  છે. કૃપા કરીને આ યાદીમાં ચોથું નામ જુઓ અને તે તમને આ પત્રનો આખો હેતુ, પશ્ચાદભૂ અને કોણે લખ્યો તે સમજાવી દેશે એમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એમ. આર. શાહના દેખીતા સંદર્ભમાં રમેશે કહ્યું હતું જે શાહને મોદીના ખાસ સમર્થક માનવામાં આવે છે.

આથી આ ૨૧ મોદી મિત્ર ભૂતપૂર્વ જજો દ્વારા લખાયેલ પત્રને પહેલા ૬૦૦ મોદી મિત્ર વકીલો દ્વારા લખાયેલ પત્રની સાથે જોવો જોઇએ. આ સ્વાયત્ત ન્યાયતંત્રને દબાવવા, બીવડાવવા અને ઝૂડવાના પ્રયાસો છે એમ તેમણે કહ્યું હતું. શાસક અને વિપક્ષ બંને – જો અદાલત પોતાની તરફેણમાં ચુકાદો આપે તો ગેલમાં આવી જાય છે અને વિરુદ્ધમાં આદેશ આપે તો દબાતા સૂરે ટીકા કરવા લાગે છે. ખરેખર તો સ્વસ્થ લોકશાહી માટે ન્યાયપાલિકા સર્વ પ્રકારના દબાણોથી મુક્ત રહે તે જરૂરી છે.

Most Popular

To Top