Sports

IPL 2021 : સેમસન પાવર પર અર્શદીપની ઓવર ભારે, પંજાબે રાજસ્થાનને 4 રને હરાવ્યું

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની અહીં રમાઇ રહેલી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન કેએલ રાહુલ(KL RAHUL)ની 91 અને દીપક હુડ્ડાની આક્રમક 64 રનની ઇનિંગની મદદથી પંજાબ કિંગ્સે મુકેલા 222 રનના લક્ષ્યાંકની સામે રાજસ્થાન રોયલ્સ કેપ્ટન સંજૂ સેમસન(SANJU SAMSAN)ની વિસ્ફોટક સદી (CENTURY) છતાં અંતિમ ઓવરના છેલ્લા બોલે મેચ 4 રને હાર્યું હતું. અંતિમ ઓવરમાં મેચ જીતવા માટે જરૂરી 13 રન સામે અર્શદીપ સિંહે માત્ર 8 રન જ કરવા દેતા પંજાબનો 4 રને વિજય (PUNJAB VICTORY) થયો હતો. આ પહેલા 19મી ઓવર ફેંકવા આવેલા રિલે મેરેડિથે માત્ર 8 રન આપવાની સાથે એક વિકેટ પણ ખેરવી હતી, જે મહત્વની પુરવાર થઇ હતી.

લક્ષ્યાંકને આંબવા માટે મેદાને પડેલી રાજસ્થાન રોયલ્સની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર બેન સ્ટોક્સ શૂન્ય રને આઉટ થયો હતો અને 25 રન બોર્ડ પર હતા ત્યારે બીજો ઓપનર મનન વોહરા પણ આઉટ થઇ ગયો હતો. બટલર અને સંજૂ સેમસન મળીને સ્કોર 70 સુધી લાવ્યા ત્યારે બટલર ઝાય રિચર્ડસનના બોલે બોલ્ડ થયો હતો. સેમસને તે પછી શિવમ દુબે સાથે 53 રનની ભાગીદારી કરી હતી. દુબે 23 રન બનાવીને આઉટ થયો હતો. સેમસન અને રિયાન પરાગ વચ્ચે તે પછી 19 બોલમાં 50 રનની ભાગીદારી થઇ હતી, તે પછી પરાગ 11 બોલમાં 25 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 5 વિકેટે 175 રન હતો. જો કે સેમસને પોતાની ઇનિંગને ધીમી થવા દીધી નહોતી અને તેણે 54 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. અંતિમ ઓવરમાં રાજસ્થાનને 13 રન કરવાના આવ્યા હતા.

આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી પંજાબ કિંગ્સ વતી કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે દાવની શરૂઆત કરી હતી. પોતાના આઇપીએલ ડેબ્યુમાં ગુજરાતના ચેતન સાકરિયાએ પોતાની બીજી જ ઓવરમાં મયંક અગ્રવાલને આઉટ કરીને રાજસ્થાન રોયલ્સને પહેલી સફળતા અપાવી હતી. રાહુલ અને ગેલે મળીને 67 રનની ભાગીદારી કરીને સ્કોર 89 સુધી લઇ ગયા ત્યારે ગેલ આઉટ થયો હતો. તે પછી હુડ્ડા અને રાહુલે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 46 બોલમાં જ 105 રન જોડ્યા હતા.

સ્કોર 194 પર હતો ત્યારે હુડ્ડા 28 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 64 રન કરીને આઉટ થયો હતો. કેએલ રાહુલ 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 91 રન કરીને આઉટ થયો અને તે પછી પંજાબ કિંગ્સનો સ્કોર 20 ઓવરના અંતે 6 વિકેટે 221 રન થયો હતો. રાજસ્થાન રોયલ્સ વતી ચેતન સાકરિયાએ 4 ઓવરમાં માત્ર 31 રન આપીને 3 વિકેટ ઉપાડી હતી, તેના સિવાયના મોટાભાગના બોલરોને 12થી વધુની એવરેજે રન પડ્યા હતા.

Most Popular

To Top