Charchapatra

ભારતનું આગવું સ્થાન

આઝાદી પછી આપણે ત્યાં પહેલી ચૂંટણી 1951 52 માં થઈ ત્યારે યુરોપના જે જે દેશો લોકશાહી ધરાવતા હતા તેઓ હસતા હતા કે ભારતમાં 60 ટકા લોકો નિરક્ષર છે. તેઓ ઉમેદવારોને નામથી  કેવી રીતના ઓળખી શકશે અને કેવી રીતે  મત આપી શકશે? ભારતનાં કેટલાંક  બુદ્ધિજીવી લોકોએ તેનો પણ સરળ રસ્તો શોધી કાઢ્યો અને ચૂંટણીના ઉમેદવારના નામ સાથે  ચિહ્ન તરીકે મરઘાં બતક  હાથી બળદ જેવાં પ્રાણીઓનાં ચિહ્નો મૂકવામાં આવ્યાં, જેથી કરી અભણ લોકો પણ પ્રાણીનાં ચિહ્ન જોઈ  સરળતાથી પોતાના ઉમેદવારને ઓળખી શકે અને સરળતાથી મત આપી શકે અને આવી રીતે ચૂંટણી સફળતાપૂર્વક પાર પાડી હતી. ચૂંટણી માંટે ભારતે શોધેલી આ પદ્ધતિથી એશિયા આફ્રિકાના નિરક્ષરો દેશો માટે કહો ને કે લોકશાહીનો દરવાજો ખુલી ગયો અને અનેક  દેશોએ ભારતની ચૂંટણીની નકલ કરી પોતાના દેશમાં આવી રીતે ચૂંટણી યોજી હતી.  1951 52 થી ભારતમાં અવિરત દર પાંચ વર્ષે લોકસભાની તેમજ વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોય છે તે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે.

કોઈ પણ પક્ષ ગમે તેટલો તાકાતવાળો હોય પરંતુ દર પાંચ વર્ષે ચૂંટણી આવે અને ફરી  ચુંટાવું  પડે ત્યારે ચૂંટણી જીતવા મત માટે તેઓએ પ્રજા સમક્ષ આવવું જ પડે છે. નેતાઓને પણ હારવાની સતત બીક રહેતી હોય તેવો રેલીઓ અને ભાષણો  તેમજ ટી. વી. પર કે અખબારોમાં આખેઆખા પાના પર   પોતાના પક્ષે  કરેલાં કામોના ગુણો ગાતાં રહેતાં હોય છે. ટૂંકમાં એટલું કહી શકાય કે ભારતમાં લોકશાહી પ્રજાના મતોથી  સફળતાપૂર્વક ચાલી રહી છે અને ભારતની પ્રજા પોતાના હિત માટે  સતત સજાગ રહેશે તો આગળ પણ આવી જ રીતે લોકમતથી ચૂંટાયેલી સરકાર બનતી રહેશે. આપણે લોકશાહી સ્વીકારેલી છે અને દરેક નાગરિકને સમાન હક આપેલો છે  અને તેથી જ દુનિયામાં વિશાળ જનસમૂહ ધરાવતા  દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે.
સુરત     – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top