Business

ટેસ્લાના માલિક એલોન મસ્કે ટ્વિટરનો હિસ્સો ખરીદ્યો, તેમને ગમતી ન હતી ટ્વિટરની આ વાત

નવી દિલ્હી: એલોન મસ્ક વિશ્વના ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં સૌથી મોખરે છે. તેઓ તેમના વેપારને વધારવાના સતત પ્રયત્નો કરતા હોય છે. સોમવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાંથી માહિતી સામે આવી છે કે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરમાં 9.2 ટકા નિષ્ક્રિય હિસ્સો ખરીદ્યો છે. આ સમાચારથી ટ્વિટરના શેરમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરનો શેર 16 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. માર્ચની શરૂઆતમાં એલોન મસ્કે કહ્યું હતું કે તેઓ એક નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિચાર કરી રહ્યા છે. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર એલોન મસ્કે 10 ફેબ્રુઆરી, 2022ના રોજ જ ટ્વિટરમાં આ હિસ્સો લીધો હતો. ટેસ્લાએ શનિવારે પ્રથમ ક્વાર્ટરના (ત્રણ માસ) કાર વેચાણના આંકડા જાહેર કર્યા હતા. ટેસ્લાએ પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક ઇલેક્ટ્રિક વાહનોની ડિલિવરી કરી છે.

હાલમાં જ એલોન મસ્કે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા એપ પર કામ કરી રહ્યા છે. મસ્કે ટ્વીટ કર્યું કે તે ટ્વિટરનો વિકલ્પ લાવવા માંગે છે. કારણ કે તે વાણીની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ અંગે તેમણે વધુમાં કહ્યુ કે ટ્વીટર એક વાસ્તવિક જાહેર ટાઉન સ્ક્વેર તરીકે કાર્ય કરે છે અને વાણીની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. અગાઉ ટેસ્લા અને સ્પેસએક્સે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે લોકશાહી માટે વાણીની સ્વતંત્રતા જરૂરી છે.

સોશિયલ મીડિયા પર જ ટ્વિટર ખરીદવાની સલાહ મળી હતી
મસ્ક દ્વારા નવું સામાજિક પ્લેટફોર્મ વિકસાવવાના ઇરાદો દર્શાવ્યા બાદ ઘણા લોકો ઇચ્છતા નથી કે મસ્ક નવું સામાજિક પ્લેટફોર્મ વિકસાવે. તેઓ ઈચ્છતા હતા કે મસ્ક પોતે ટ્વિટર ખરીદે. ટેસ્લાના CEOના ટ્વીટ પર ટિપ્પણી કરતા ઘણા વપરાશકર્તાઓએ કહ્યું છે કે તેઓએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ખરીદવાનું વિચારવું જોઈએ. એક યુઝરે કહ્યું કે, ‘કાશ ઈલોન મસ્કે ટ્વિટર પહેલેથી જ ખરીદી લીધું હોત.’

ટેસ્લાના ઉત્પાદન પર અસર
ટેસ્લાનું ઉત્પાદન ગયા ક્વાર્ટરની સરખામણીએ ઓછું રહ્યું. સીઇઓ એલોન મસ્કએ કહ્યું, “ચીનની શૂન્ય-કોવિડ નીતિ અને સપ્લાય ચેઇન વિક્ષેપને કારણે આ અસાધારણ રીતે મુશ્કેલ ત્રિમાસિક હતું.” ટેસ્લાએ છેલ્લા ક્વાર્ટરમાં 3,10,048 વાહનોની ડિલિવરી કરી હતી. આ અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં થોડું વધારે છે અને એક વર્ષ અગાઉની સરખામણીએ 68 ટકા વધુ છે.

Most Popular

To Top