Sports

ભારત સામેની મેચના બે દિવસ અગાઉ આ કારણસર બાંગ્લાદેશે પોતાનો નવો કેપ્ટન જાહેર કર્યો

નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. દરમિયાન બાંગ્લાદેશની ટીમને મોટો આંચકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશની ટીમનો કેપ્ટન (Captain) તમીમ ઈકબાલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને સમગ્ર ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જો કે આ પહેલા ટીમનો પ્લેયર તસ્કીન અહેમદ પણ મેચમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ કેપ્ટનનું મેચના બે દિવસ પહેલા આવી રીતે બહાર થવું બાંગ્લાદેશની ટીમ માટે મોટી સમસ્યા સર્જી શકે તેમ છે.

જણાવી દઈએ કે 4 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ તેમજ ભારતની બાંગ્લાદેશમાં જ મેચ રમાવા જઈ રહી છે. ઈજાગ્રસ્ત થવાના કારણે બાંગ્લાદેશની ટીમના કેપ્ટનના સ્થાને ટીમે સિરીઝના બે દિવસ પહેલા જ અચાનક પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરવી પડી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દેશે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા બાંગ્લાદેશ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તમીમ ઈકબાલની હકાલપટ્ટી બાદ હવે લિટિન દાસને બાંગ્લાદેશ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તે ત્રણેય મેચમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. વન-ડે સીરીઝ બાદ બે મેચની ટેસ્ટ સીરીઝ પણ રમાશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી, પરંતુ બાંગ્લાદેશે હજુ સુધી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી નથી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તમીમ ઇકબાલ ટેસ્ટ સિરીઝ પણ રમી શકશે નહીં. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી. બાંગ્લાદેશની ટીમ તેના બે મેચવિનર ખેલાડીઓની બાદબાકીને કારણે નબળી દેખાઈ રહી છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાંગ્લાદેશ તેના ઘરઆંગણે જ મેચ રમી રહ્યું છે, તેથી ટીમને ઓછી આંકવી જોઈએ નહીં. લિટન દાસની કેપ્ટનશીપમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તે 4 ડિસેમ્બરના રોજ જોવાનું રહેશે.

Most Popular

To Top