Comments

અર્થતંત્રની સાઇઝમાં ભારતે યુકેને પાછળ રાખી દીધું: હવે જર્મનીનો વારો

બ્રિટનમાં હમણા ટોરી (રૂઢીચુસ્ત) પક્ષના બે ઉમેદવારોમાંથી એકને વડાપ્રધાન તરીકે પસંદ કરવાની પ્રક્રિયામાં જ બ્રિટનમાં લગભગ અઢી મહીનાથી સરકાર ઠપ થઇ ગઇ છે. રૂઢીચુસ્ત પક્ષના વડાપ્રધાન બોરીસ જહોનસને કોરોનાના સમયગાળામાં, સત્તાવાર નિવાસસ્થાન દસ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ક્રિસમસ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને નિયમોની ઐસી તૈસી કરી હતી. વિવાદ ચગ્યો અને એમણે રાજીનામું આપવું પડયું. નવા વડાપ્રધાન બનવા માટે કોન્ઝર્વેટિવ પક્ષમાંથી જ ઘણા ઉમેદવારો આગળ આવ્યા. જાહેરમાં બકિંગહેમ પેલેસે અને બીગ બેનના પ્રાંગણમાં અમુક ડિબેટો યોજાઇ. અમુક ટીવી સ્ટુડિયોમાં યોજાઇ.

હવે આખરી પરિણામ આ પાંચ તારીખ સુધીમાં આવશે. ટોરી પક્ષના નોંધાયેલા દોઢ લાખથી વધુ સભ્યોએ આ નિર્ણય લેવાનો હતો. તેમાં ઇંગ્લેન્ડ – યુકેની વ્યવસ્થા રઝળી પડી છે. લીઝ ટ્રસ કે સુનક રિષિમાંથની એકની પસંદગી થશે. આજના ફાસ્ટ યુગમાં એક પક્ષને વડાપ્રધાન પસંદ કરવામાં મહિનાઓ લાગે તો પછી બ્રિટનનું જે થવાનું લખ્યું છે એ જ થાય. ઘણી વખત મોટાં સામ્રાજયો નવી ઢબમાં ઢળાવા તૈયાર થતાં નથી. તેઓ જૂની જીદ્દો અને રીતરસમો છોડતા નથી. જેવું ભારતમાં કોંગ્રેસનું થયું છે એવું યુકેનું થઇ રહ્યું છે. છેલ્લાં અને તાજા સમાચાર બ્રિટન (યુકે) માટે અમંગળ છે તો ભારત માટે મંગળ સમાચાર છે. જગતના સૌથી મોટા પાંચમાં ક્રમના અર્થતંત્રના સ્થાન પર આજ સુધી બ્રિટન હતું. ભારતે તે જગ્યા પરથી બ્રિટનને દૂર કરી હવે ભારત પાચમા ક્રમે બિરાજમાન થયું છે. પંચોતેર વરસ અગાઉ જે ભારત બ્રિટનનું ગુલામ હતું તે અર્થશાસ્ત્રના કદની દૃષ્ટિએ ઇંગ્લેન્ડ – બ્રિટન કરતા આગળ નીકળી ગયું છે.

જો કે આ સ્થિતિનો અર્થ એવો નથી કે ભારતના લોકો યુકેના લોકો કરતાં આર્થિક બાબતમાં સુખી થયા છે. વાસ્તવમાં સુખાકારીમાં બ્રિટિશ લોકો આપણાથી જોજનો આગળ છે. ભારતના ૧૪૩ કરોડ (એકસો તેતાલીસ કરોડ) લોકોની મહેનત, ઉદ્યોગ ધંધાએ જે કદનું અર્થતંત્ર બનાવ્યું છે લગભગ એવડું જ અર્થતંત્ર યુકેની માત્ર સાત કરોડની જનતા ચલાવે છે. બ્રિટનની માથાદીઠ આવક લગભગ ૪૮ હજાર ડોલર છે તો તે સામે ભારતની માથાદીઠ આવક ૧૮૫૦ અમેરિકી ડોલર છે. લગભગ દોઢ લાખ ભારતીય રૂપિયા. યુકેના એક નાગરિકની વાર્ષિક આવક ૩૮ લાખથી વધુ થાય. આ તફાવત દૂર કરવામાં હજી વરસો લાગી જશે. પણ જગતના અર્થતંત્રમાં ક્રમ આગળ વધવાથી ભારતનું રાજકીય મૂલ્ય અને પ્રભાવ જરૂર ઊંચે જાય છે. બ્રિટન હમણા મંદી અને મોંઘવારી બન્નેનો એક સાથે અનુભવ કરી રહ્યું છે. બ્રિટનની તમામ વ્યવસ્થાઓ અને તંત્રોના વહીવટો કથળ્યાં છે. ગુનેગારીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આજે મુંબઇની પોલીસને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ સાથે સરખાવવી એ વાસ્તવમાં મુંબઇ પોલીસનું અપમાન છે.

જોકે ગયા આર્થિક વરસના છેલ્લા ત્રિમાસિકમાં ભારત યુકે કરતા આગળ નીકળી ગયું હતું. ભારતમાં પણ છેલ્લાં ત્રિમાસિકમાં વિકાસ દરનું પ્રમાણ અભૂતપૂર્વ રહ્યું. ભારત યુકેથી આગળ નીકળી ગયું છે તે હકીકત આઇએમએફ માટે બ્લ્યુબર્ગ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડાઓ દ્વારા બહાર આવી છે. ૨૦૨૧ ના છેલ્લા ત્રિમાસિકમાં ભારત આગળ નીકળી ગયું હતું અને તે આગેકૂચ આજે પણ ચાલુ છે. દીપક શર્મા જેવા કોંગ્રેસનું ખાઇ બદેલા તથાકથિત યુટયુબર પત્રકારો ઘણા સમયથી અર્થતંત્રનો દારૂણ સમય આવી રહ્યો છે એવી પ્રયત્નપૂર્વકની દહેશતો ફેલાવી રહ્યા હતા. તેઓ માત્ર શંકાનો લાભ લઇ સમાચારોની રચના કરે અને તેને ફેલાવે. તેઓના માટે આ એક મોટી લપડાક છે.

બ્રિટનના આર્થિક નિષ્ણાતો અને બ્લૂમબર્ગનો અંદાજ છે કે બ્રિટનનું અર્થતંત્ર આગામી મહિનાઓમાં વધુ મંદ પડશે અને સંકોડાશે. જયારે બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપી આગળ વધી રહેલું અર્થતંત્ર છે અને ઘર આંગણાની વેપારી ડિમાન્ડો ઝડપથી વધી રહી છે. જયારે આખા જગતનાં અર્થતંત્રોની સ્થિતિઓ ડામાડોળ છે ત્યારે ભારત તેનાથી સાવ અલિપ્ત નહીં રહી શકે. છતાં જગતના લગભગ તમામ દેશો કરતાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. જુલાઇમાં ડિલોઇટ નામક અગ્રણી આર્થિક સંસ્થા દ્વારા ભવિષ્યકથન થયું હતું કે આગામી બે ચાર વરસ સુધી ભારતનો આર્થિક વિકાસ છથી સાત ટકાની ઝડપે થશે. જો ભારત તેમ કરવામાં સફળ રહે તો લોકોની આર્થિક સુખાકારી વધશે, બેરોજગારી ઘડશે.

એ જ રિપોર્ટ કહે છે કે દુનિયાના અને ખાસ કરીને પશ્ચિમના સુખી અને વિકસિત દેશોના અર્થતંત્રો મંદ પડી રહ્યા છે ત્યારે ભારત જગતમાં વિકાસનું એક એન્જીન બની રહેશે. ચાલુ ત્રિમાસિકમાં ભારતની શેરબજારોમાં લગભગ અગિયાર ટકાની મૂલ્યવૃધ્ધિ થઇ છે. દુનિયાના જે જે દેશોમાં શેર બજાર એક ટ્રિલિયન ડોલરથી વધારે માર્કેટ ધરાવે છે તેની હરોળમાં ભારતની શેરબજારની આ વૃધ્ધિ એક બેન્ચમાર્ક સમાન છે, અથવા શ્રેષ્ઠ છે. સોમવારે બ્રિટનના નવા વડા પ્રધાન જે કોઇ બનશે, એમના માટે આર્થિક સમસ્યાઓ અને તેના તોડ મહત્વના સરદર્દ બની રહેશે.

બ્રિટનમાં હાલમાં ફૂલાવાના દરે છેલ્લા ચાલીસ વરસનો રેકોર્ડ તોડયો છે. આ વરસમાં બ્રિટનના પ્રત્યેક કુટુંબની વાર્ષિક આવકમાં દસ ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટાડો આવતા વરસે ચાલુ રહેશે. હમણા તો રશિયાએ શિયાળાનો લાગ જોઇને ગેસ આપવાનું બંધ કર્યું છે. ઇંધણની ઊંચી કિંમતો ફૂગાવો અને મોંઘવારીને વકરાવશે. નાનાં ઉદ્યોગો બંધ પડી જશે. બેરોજગારી વધશે. ચાલુ વરસના છેલ્લા ત્રિમાસિકમાં યુકેની જીડીપીમાં એક ટકાનો ઘટાડો થશે. હાલમાં સૌથી મોટાં અર્થતંત્રોમાં પ્રથમ ક્રમે અમેરિકા છે. પછી ચીન, જપાન અને જર્મની છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વરસી ૨૦૨૬ સુધીમાં ભારત જગતના એક મહત્વના ઔદ્યોગિક દેશ જર્મનીને પણ પાછળ રાખી દેશે અને ચોથા સ્થાને હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top