Gujarat

ગુજરાતમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટનો પગપેસારો, આ શહેરમાં નોંધાયો પ્રથમ કેસ

અમદાવાદ: રાજ્યમાં (Gujarat) કોરોનાથી (Corona) લોકોને આંશિક રાહત તો મળી છે. પરંતુ આ રાહત વચ્ચે ફરી કોરોનાનો ખતરો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ કોરોનાનો નવો વેરીયન્ટ ઓમિક્રોન (Omicron) દહેશત ફેલાવી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરીયન્ટ BA.5 લોકોમાં ફેલાઈ રહ્યો છે જેને લઈ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે.

ભારતમાં (India) આ નવા વેરીયન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારબાદ આ નવા વેરીયન્ટે ગુજરાતમાં દસ્તક આપી છે. ગુજરાતમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.5નો પ્રથમ કેસ મળી આવ્યો છે. જેના પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ પ્રથમ કેસ નોંધાયો છે વડોદરા શહેરમાં. ઓમિક્રોનના સબ વેરીયન્ટનો દેશમાં પ્રથમ કેસ તેલંગાણામાં નોંધાયો હતો, ત્યાર બાદ ગુજરાતના આ બીજો કેસ નોંધાયો છે.

ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.5નો પ્રથમ કેસ ગુજરાતના વડોદરામાં (Vadodara) નોંધાયો છે. મળતી માહિતી મુજબ ગુજરાતના વડોદરામાં સાઉથ આફ્રિકાથી આવેલો 29 વર્ષીય યુવક કોરોના પોઝીટીવ નીકળ્યો હતો. ત્યાર બાદ તેનો રિપોર્ટ શંકાસ્પદ જણાતા યુવકના સેમ્પલને ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આખરે ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોમાં હાલ કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણો જણાયા નથી.

BA4 અને BA5ને ‘ચિંતાના પ્રકારો’ તરીકે જાહેર કર્યા
12 મેના રોજ ચેપી રોગોની દેખરેખ માટેની યુરોપીયન એજન્સીએ BA4 અને BA5 ઓમિક્રોન વેરિયન્ટ્સને ‘ચિંતાનાં પ્રકારો’ તરીકે જાહેર કર્યા છે. ECDPC એ માન્યતા આપી છે કે આ પ્રકારો ગંભીર અસરો અને દેશમાં રોગચાળાની સ્થિતિ પર અસર કરી શકે છે. BA4 અને BA5 ઓમિક્રોન વેરિયન્ટ સૌપ્રથમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યા હતા. ત્યાર બાદ આ બે પ્રકારોને કારણે દક્ષિણ આફ્રિકા, અમેરિકા, યુકે અને જર્મની-ડેનમાર્ક જેવા યુરોપિયન દેશોમાં કોરોનાની નવી લહેર આવી હતી.

તમામ પ્રકારો સૌપ્રથમ આફ્રિકામાં જોવા મળ્યા હતા
ઓમિક્રોનના તમામ નવા પ્રકારો આ વર્ષની શરૂઆતમાં પ્રથમવાર દક્ષિણ આફ્રિકાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. હવે અન્ય કેટલાક દેશોમાં પણ તેના કેસો સામે આવી રહ્યા છે. ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.4 અને BA.5 વૈશ્વિક સ્તરે ફેલાઇ રહ્યા છે. આ બંને પેટાપ્રકારના કેસો દક્ષિણ આફ્રિકામાં નોંધાયા હતા અને હવે અન્ય કેટલાક દેશોમાં તેની પુષ્ટિ થઈ રહી છે.

Most Popular

To Top