World

ભારત નજીકના સમુદ્રમાં જહાજ પર હુમલાનો ઇરાને કર્યો ઇનકાર, અમેરિકાને આપી આ ચેતવણી

તેહરાન: (Tehran) ઈરાને (Iran) ભારત (India) નજીક ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલાને લઈને અમેરિકાના (America) દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્કર પર હુમલો કરનાર ડ્રોન ઈરાનથી આવ્યું હતું. હવે ઈરાને અમેરિકાના આ દાવાને નકારી કાઢ્યું છે કે તેની જમીન પરથી છોડવામાં આવેલા ડ્રોને અરબી સમુદ્રમાં ભારત નજીકના ટેન્કરને નિશાન બનાવ્યું હતું. પેન્ટાગોને કહ્યું હતું કે લાઇબેરિયન ધ્વજવાળા અને જાપાનની માલિકીના કેમ પ્લુટો જહાજ પર ભારતના દરિયાકિનારાથી 200 નોટિકલ માઇલ દૂર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ નેધરલેન્ડની એક શિપિંગ કંપની ઓપરેટ કરી રહી હતી. આ હુમલામાં જહાજમાં આગ લાગી હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનાનીએ એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ વારંવારના આરોપોને પાયાવિહોણા તરીકે નકારી કાઢવામાં આવે છે. તેમણે કહ્યું કે ગાઝામાં ઈઝરાયેલના યુદ્ધમાં તેની ભૂમિકા માટે અમેરિકાએ તેની સામેના આરોપોનો સામનો કરવો જોઈએ. ઈરાનના રાજ્ય મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો છે કે બે નવી મિસાઈલ અને હેલિકોપ્ટરને ઈરાની નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી એક મિસાઈલની રેન્જ 1000 કિમીથી વધુ છે જ્યારે બીજી 100 કિમી સુધી માર કરી શકે છે.

બીજી તરફ અરબી સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે ભારતીય નૌકાદળના INS મોરમુગાવ યુદ્ધ જહાજને મોકલવામાં આવ્યું હતું. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે મેંગલોર બંદરે જઈ રહ્યું હતું. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે આ કોમર્શિયલ જહાજ સોમવારે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. નેવીએ જણાવ્યું હતું કે જ્યારે જહાજ મુંબઈ પહોંચશે ત્યારે નેવલ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) નિષ્ણાતો જહાજને સાફ કરવા અને વધુ તપાસ હાથ ધરવા માટે એમવી કેમ પ્લુટો પર સવાર થશે. ભારતીય નૌકાદળ તમામ હિતધારકો સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પ્રદેશમાં વ્યાપારી શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top