National

આવતીકાલથી દેશમાં થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફારો, જાણો તમારા માટે શું બદલાશે..

નવી દિલ્હીઃ (New Delhi) આવતીકાલથી સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં બેંકિંગ (Banking) અને ફાયનાન્સને (Finance) લગતાં ઘણા ફેરફારો થાય છે. આ 1લી સપ્ટેમ્બરથી પણ ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. શેરબજારથી લઈને રાંધણગેસ સુધી દરેક જગ્યાએ તેની અસર જોવા મળી શકે છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. તમને જણાવીએ કે તમારા માટે કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

દેશમાં તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ભાવ સુધારે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1 સપ્ટેમ્બરે તેમનામાં ફેરફાર થઈ શકે છે. જો કે કેન્દ્ર સરકારે બે દિવસ પહેલા એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

બીજી તરફ આધાર અપડેટ કરવા માટે તમારી પાસે 14 દિસવનો સમય છે. જો તમે આધાર અપડેટ કરવા માંગતા હોવ તો તમારી પાસે તે કરવાની છેલ્લી તક છે. UIDAIએ આધાર અપડેટની સુવિધા મફતમાં આપી છે. તેની સમયમર્યાદા 14 સપ્ટેમ્બરે પૂરી થાય છે. અગાઉ આ સુવિધા 14 જૂન સુધી હતી. આ પછી તેને ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો.

બીજી તરફ એલપીજીની કિંમતની સાથે ઓઈલ કંપનીઓ દર મહિને સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે. એર ફ્યુઅલ (ATF) ની કિંમત પણ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આ વખતે પણ પહેલી તારીખમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ CNG-PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.

સેબીએ આઈપીઓ બંધ થયા બાદ કંપનીના શેરના શેરબજારમાં લિસ્ટિંગની સમયમર્યાદા ઘટાડી દીધી છે. તે હવે ઘટાડીને ત્રણ દિવસ કરવામાં આવી છે. અત્યાર સુધી આ સમયમર્યાદા 6 દિવસની હતી. સેબીએ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે 1 સપ્ટેમ્બર 2023 પછી આવનારા તમામ IPOના લિસ્ટિંગ સમય સંબંધિત નવા નિયમો સ્વૈચ્છિક રીતે લાગુ કરવામાં આવશે. 1 ડિસેમ્બર 2023થી કંપનીઓએ આ નિયમનું ફરજિયાતપણે પાલન કરવું પડશે.

તો બીજી તરફ જેનું એક્સિસ બેંકમાં ખાતું છે તેમને પણ આ જાણવું જરૂરી છે કે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનામાં એક મોટું અપડેટ છે. Axis Bank 1 સપ્ટેમ્બર 2023 થી Magnus ક્રેડિટ કાર્ડ માટે 12,500 રૂપિયાની વાર્ષિક ફી વસૂલવાનું શરૂ કરશે. તે જ સમયે આવા ગ્રાહકો માટે આ ફી માફ કરવામાં આવશે જેમણે આખા વર્ષમાં તે કાર્ડમાંથી 25 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

Most Popular

To Top