SURAT

ક્યારેય ન સાંભળી હોય તેવી ઘટના સુરતમાં બની, પતિએ પત્નીને HIV પોઝિટિવ લોહીવાળું ઈન્જેક્શન માર્યું

સુરત: સુરતમાં (Surat) ખૂબ જ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની છે. અહીંના રાંદેર વિસ્તારમાં એક શંકાશીલ પત્નીની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતા પતિએ ક્રુરતાની બધી હદ વટાવી દીધી છે. પોતાની જ પત્નીને HIV પોઝિટીવનું લોહીનું ઈન્જેક્શન (Injection) માર્યું છે. જેના લીધે પત્નીની સ્થિતિ કફોડી બની હતી અને બેહોશીની હાલતમાં તેણીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પત્ની હોંશમાં આવી ત્યારે તેણીએ તબીબોને પતિની હેવાનિયતની વાત કરી હતી. પતિએ કોઈ ઈન્જેક્શન માર્યું હોવાનું પત્નીએ તબીબોને જણાવ્યું હતું. ઈન્જેક્શન શેનું હતું તે કોઈને ખબર નહોતી. આ ઘટના અંગે જાણકારી મળતા પોલીસ દોડીગઈ હતી. પત્નીની ફરિયાદને આધારે પૂર્વ પતિને પકડ્યો હતો ત્યારે બેશરમ પતિએ પોલીસને પોતે આચરેલી ક્રુરતા અંગે બિન્ધાસ્ત કબૂલાત કરી હતી. પોતે HIV પોઝિટિવ લોહીવાળું ઈન્જેક્શન પૂર્વ પત્નીને આપ્યું હોવાની પતિએ કબૂલાત કરતા પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આ સનસનીખેજ ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં બની છે. રાંદેર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યાસ્મીન અમીમુદ્દીન સેરઅલી સૈયદ તરફથી ફરિયાદ મળી છે. 30 વર્ષીય યાસ્મીન ચોકના મુગલીસરા વિસ્તારમાં ચિંતામણી જૈન દેરાસરની પાસે આવેલા મસ્કન 3 એપાર્ટમેન્ટના ઘર નં. 302માં રહે છે. યાસ્મીને પોતાના પૂર્વ પતિ શંકર મોહન કામલે વિરુદ્ધ ફરિયાદ આપી છે. 35 વર્ષીય પૂર્વ પતિ શંકર ડ્રાઈવર છે. તે મોરાભાગરના એસએમસી ક્વાર્ટસ સુમનશાંતિ એપાર્ટમેન્ટમાં ઈ-102માં રહે છે. યાસ્મીને ફરિયાદમાં જણાવ્યું છે કે, શંકર સાથે તેના ડિવાર્સ થયા છે. દરમિયાન ગઈ તા. 25 ડિસેમ્બરને રવિવારના રોજ શંકર તેણીને રાત્રિના 8 વાગ્યાના અરસામાં ફરવા માટે લઈ ગયો હતો. રાંદેરમાં રાયન સ્કૂલથી આગળ કોટયાકનગર એક્સપ્રેસ કાર વોશની સામે આવેલી ખુલ્લી જગ્યામાં તે લઈ ગયો હતો. અહીં અંધારાનો લાભ લઈ શંકરે યાસ્મીનના ડાબા થાપાના ભાગે ઘેનયુક્ત તથા ચેપી ઈન્જેક્શન મારી ત્યાંથી નાસી ગયો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, આ અંગે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે HIVનું ઈન્જેક્શન આપ્યું હોવાની ચોંકાવનારી કબૂલાત શંકર દ્વારા કરાઈ છે. કોઈ HIV પોઝિટીવ યુવકનું લોહીવાળું ઈન્જેક્શન પત્નીને આપ્યું છે. પૂર્વ પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય શંકરે આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ આ હકીકત સાંભળી ચોંકી ગઈ છે. યાસ્મીનની સારવાર ચાલી રહી છે. તબીબો પણ ચોંકી ગયા છે. દરમિયાન પોલીસે શંકરની ધરપકડ કરી લીધી છે. શંકર પાસે HIV પોઝિટિવ યુવકના લોહીવાળું ઈન્જેક્શન કેવી રીતે આવ્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ સુરતના લોકોને હચમચાવી મુક્યા છે. કોઈ આટલી હદે ક્રુરતા આચરી શકે તે માન્યામાં આવી રહ્યું નથી.

15 વર્ષ પહેલાં લવમેરેજ કર્યા હતા
યાસ્મીન અને શંકરના પ્રેમલગ્ન થયા હતા. હિન્દુ રિતીરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન નીશા અને સુમીત નામના બે સંતાનો થયા હતા. દરમિયાન શંકર ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી યાસ્મીને ડિવોર્સ લીધા હતા. રવિવારે તે ફરવા લઈ જવાના બહાને યાસ્મીનને લઈ ગયો હતો. મોતીવાલા પરફ્યુમમાંથી પરફ્યુમ અપાવ્યા બાદ તે રાંદેરમાં ઘટના સ્થળે લઈ ગયો હતો.

Most Popular

To Top