Madhya Gujarat

શેત્રા ગામમાં રેલ્વેતંત્રના વાંકે અનેક ખેડુતોને સિંચાઈના પાણી માટે વલખાં

નડિયાદ: ખેડા તાલુકાના શેત્રા ગામમાં રેલ્વે પ્રોજેક્ટની કામગીરીને પગલે તળાવમાંથી નીકળતી માઈનોર કેનાલનું પાણી 200 વીઘા ખેતરોમાં પહોંચી શકતું નથી. જેને પગલે ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડુતોએ રેલ્વે વિભાગની ગાડીઓ રોકી વિરોધ નોંધાવ્યો હતો અને કાયમી ગરનાળું બનાવી આપવાની ઉગ્ર માંગ ઉચ્ચારી હતી. જો તેમ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

ખેડા તાલુકાના શેત્રા ગામની સીમમાં એક તળાવ આવેલું છે. આ તળાવમાંથી ઈરીગેશન વિભાગની માઈનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલના પાણીનો ઉપયોગ આસપાસમાં આવેલ અંદાજે 200 વીઘા જેટલી જમીનોમાં સિંચાઈ માટે વર્ષોથી કરવામાં આવતો હતો. જેને પગલે આ તળાવ અને કેનાલ નજીક ખેતરો ધરાવતાં ખેડુતો પાક લઈને થોડા ઘણાં રૂપિયા કમાતાં હતાં અને જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. જોકે, પાંચેક વર્ષ અગાઉ આ વિસ્તારમાં રેલ્વે પ્રોજેક્ટની કામગીરી માટે ચોવીસ ફુટ જેટલું પુરાણ કરવામાં આવતાં ખેડુતોને સિંચાઈ માટે માઈનોર કેનાલનું પાણી મળતું બંધ થઈ ગયું હતું.

પાણી વિના પાક કેવી રીતે લેવો…? અને જો પાક નહીં લઈએ તો પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશું ? તે પ્રશ્ન ઉભો થયો હતો. જે તે વખતે ખેડુતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને પાણી મળે તે માટેની વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી. આ મામલે ઈરીગેશન વિભાગ, રેલ્વે વિભાગ, મામલતદાર સહિતની કચેરીઓમાં રજુઆતો પણ કરવામાં આવી હતી. જેથી ખેડુતોને પાણી મળી રહે તે માટે રેલ્વે વિભાગે બે-ત્રણ ગરનાળાં મુકી આપ્યાં હતાં. પરંતુ, આ ગરનાળા ચોમાસા દરમિયાન જ ખુલ્લા રાખવામાં આવતાં હતાં. ચોમાસું પૂર્ણ થયાં બાદ ગરનાળા પુરી દેવામાં આવતાં હતાં. અત્યારે પણ ગરનાળું પુરેલી હાલતમાં જ છે. આમ, રેલ્વે વિભાગ અને ઈરીગેશન વિભાગના વાંકે ખેતરોમાં પાક લઈ ન શકાતો હોવાથી ખેડુતોની હાલત કફોડી બની છે.

રેલ્વે વિભાગે કાયમ માટેનું પાકુ ગરનાળું બનાવી આપવાની બાંહેધરી આપી છે. જોકે, હાલ રેલ્વેની કામગીરી પૂર્ણતાના આરે હોવાછતાં રેલ્વે વિભાગે ગરનાળું ન બનાવતાં ખેડુતો રોષે ભરાયાં છે. રોષે ભરાયેલાં ખેડુતોએ રેલ્વે વિભાગની ગાડીઓ રોકી, કામ અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો. હાલ, ખેડુતો લડી લેવાના મુડમાં જણાઈ રહ્યાં છે. ખેડુતોએ જો ગરનાળું બનાવી આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની તૈયારીઓ પણ દર્શાવી છે.

ઈરીગેશન વિભાગને રૂપિયા ચુકવવા છતાં ખેડુતોને પાણી મળતું નથી
તળાવની આસપાસ ખેતરો ધરાવતાં મોટાભાગના ખેડુતો ખુબ જ ગરીબ છે. આ ખેડુતો પોતાના ખેતરમાં સિંચાઈના પાણી માટે નજીકમાં આવેલ તળાવના પાણી ઉપર નિર્ભર છે. તમામ ખેડુતો તળાવના પાણીનો ઉપયોગ કરવાના બદલામાં ઈરીગેશન વિભાગમાં રૂપિયા ભરે છે. તેમછતાં ખેડુતોને છેલ્લાં કેટલાક વર્ષોથી પાણી મળતું નથી. જેથી ખેડુતોએ ઈરીગેશન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ રોષ ઠાલવ્યો છે.

Most Popular

To Top