Dakshin Gujarat

અહીં ફળિયામાં તું તારી ગાડીનો અવાજ કેમ કરે છે? કહી જમાઈએ યુવકને પતાવી દીધો

દેલાડ: સરોલી (Saroli) ગામમાં હળપતિ સમાજ દ્વારા આઠમના દિવસે ભંડારો હોવાથી જમણવાર દરમિયાન ડીશ ઘટી પડતાં કાકા-ભત્રીજા ડીશ લઈને પરત આવ્યા હતા, ભત્રીજો વાડામાં મોપેડ પાર્ક કરતો હતો તે દરમ્યાન સામે રહેતા પટેલે ‘તું ફળિયામાં આવીને ગાડીનો કેમ અવાજ કરે છે? તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો (Fight) થયો હતો તે દરમ્યાન પટેલના જમાઈ ત્યાં આવી ‘તું મારા સસરા સાથે કેમ ઝઘડો કરે છે’ કહીં ઉશ્કેરાઈને હળપતિ યુવાનને કોઈ બોથડ પદાર્થ મારી પતાવી (Murder) દીધો હતો.

  • સરોલી ગામમાં હળપિત સમાજ આયોજીત ચૈત્રી નવરાત્રીની આઠમના જમણવારના સ્થળ નજીક ઝઘડો
  • ‘અહીં ફળિયામાં તું તારી ગાડીનો અવાજ કેમ કરે છે,’ કહેતા ઝઘડો થયો: સસરા-જમાઈ સામે ગુનો દાખલ

ઓલપાડના સરોલી ગામના જુના હળપતિવાસમાં રહેતા દિવ્યાંગ ગુણવંતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૨૦) ખેત મજૂરી કરતા હતા. તારીખ ૯/૪/૨૦૨૨ના રોજ ચૈત્રી નવરાત્રીની આઠમનો તહેવાર હોવાથી હળપતિ સમાજ દ્વારા માતાજીના ભંડારમાં જમણવાર પણ રાખ્યો હતો. સાંજે છ વાગ્યે જમણવાર ચાલુ કરી દીધો હતો. જમણવાર દરમિયાન ગુણવંતભાઇ રાઠોડનો આખો પરિવાર ત્યાં હાજર હતો.

જમણવાર દરમ્યાન ડીશો ખૂટી પડતા ગુણવંતભાઇએ તેના નાના પુત્ર દિવ્યાંગને ગામમાંથી ડીશો લાવવાનું કહેતા દિવ્યાંગ કાકા ભરતભાઈ સાથે પિતાની મોપેડ જીજે-૦૫-ઈઝેડ-૯૦૧૧ લઈ ડીશો લેવા ગયો હતો. ડીશો લઈ પરત આવ્યો ત્યારે કાકા ઘર આગળ ડીશો મુકવા ગયા અને દિવ્યાંગ ઘરના વાડામાં મોપેડ પાર્ક કરતો હતો તે દરમ્યાન વાડાની સામે રહેતા ગણપતભાઇ ચુનીલાલ પટેલ દિવ્યાંગને કહેવા લાગ્યા કે અહિ ફળિયામાં તું તારી ગાડીનો અવાજ કેમ કરે છે?’ કહી ગાળો બોલતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે દિવ્યાંગના કાકા ભરત અને ભાઈ મહેશ ઘરના વાડામાં હાજર હતા તે દરમિયાન ગણપતભાઈનો જમાઈ ચેતનભાઈ ઠાકોરભાઈ પટેલ ત્યાં દોડી આવી દિવ્યાંગને ‘તું મારા સસરા સાથે કેમ ઝઘડો કરે છે’ કહીં ઉશ્કેરાઈ જઇને કોઈ બોથડ પદાર્થ દિવ્યાંગને માથામાં મારી દેતા દિવ્યાંગ રોડ પર પટકાયો હતો.

ભાઈ મહેશ અને કાકા દોડી જઈ દિવ્યાંગને સારવાર માટે મોરાભાગળની પ્રાઇવેટ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે દિવ્યાંગને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાબતે મહેશભાઈ ગુણવંતભાઇ રાઠોડે સરોલી ગામના પટેલ મહોલ્લામાં રહેતા ગણપતભાઇ ચુનીલાલ પટેલ તથા તેમનો જમાઈ ચેતનભાઈ ઠાકોરભાઈ પટેલ વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઘટનાની વધુ તપાસ ઓલપાડના પીઆઇ આર.આર.વસાવા કરી રહ્યા છે.

Most Popular

To Top