Dakshin Gujarat

ભરૂચમાં ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં વાતાવરણ ચીસોથી ગૂંજી ઊઠ્યું

ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકાના બંબુસર ગામ નજીક નબીપુર ઝનોર રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેના પગલે અકસ્માતગ્રસ્તોની ચીસોથી આસપાસનું વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.

  • અકસ્માતગ્રસ્તમાં ચીસોથી આસપાસનું વાતાવરણ ગૂંજી ઊઠ્યું, ઘાયલો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પ્રાપ્ત માહિતી અનુસાર અલ્ટો કાર નં.(GJ-16-K-6593) નબીપુર તરફથી ઝનોર તરફ જઈ રહી હતી. એ સમયે આઇસર ટેમ્પો નં.(GJ-20-U-3201) ઝનોર તરફથી નબીપુર તરફ જઈ રહ્યો હતો. આ સમયે અલ્ટો કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આઇસર ટેમ્પોના આગલા ભાગે ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 3ને અને આઇસર ટેમ્પોમાં સવાર 4 લોકોને એમ કુલ 7 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમાં કારમાં સવાર 1 નાના બાળકને પણ ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ બંબુસર ગામ લોકોને થતાં ગામમાંથી લોકોએ દોડી આવી અકસ્માતગ્રસ્તોને હેમખેમ બહાર કાઢી તમામ 7 જેટલા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરી જતાં એક સમયે નબીપુર-ઝનોર રોડ ઉપર લોકોનાં ટોળેટોળાં જમ્યાં હતાં.

વલસાડ દિવેદ ગામે ચાલકે આઠ માસના બાળક ઉપર રિક્ષા ચઢાવી દીધી
વલસાડ : વલસાડ તાલુકાના દિવેદ ગામે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોય ત્યારે મજૂરનું આઠ માસનું બાળક ઓવરબ્રિજ નીચે રમી રહ્યું હતું. ત્યારે રિક્ષા ચાલકે પોતાની રિક્ષા હંકારી લાવી રિવર્સ લેતી વખતે બાળકના માથા ઉપર ચડાવી દેતા બાળકને ગંભીર ઇજા થઇ હતી. ૧૦૮ મારફતે બાળકને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરોયો હતો. જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.

વલસાડ તાલુકાના દિવેદ ગામે આહીર વાસમાં મૂળ ઝારખંડના સુનિલ બાલેશ્વર મહંતો પરિવાર સાથે રહે છે. આરએન્ડબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. સંતાનમાં ચાર પુત્ર છે. મોટો પુત્ર વતન છે અને ત્રણ પુત્ર અહીં તેની સાથે રહે છે. સૌથી નાનો પુત્ર રેશમ આઠ માસનો છે. ગતરોજ સુનિલ નોકરી પર ગયો હતો. ત્યારે તેના પત્ની દિવેદમાં ઓવરબ્રિજ બની રહ્યો છે તેમાં કામ કરી રહ્યા હતા. તેનો આઠ માસનો પુત્ર ઓવરબ્રિજ નીચે સુઈ રહ્યો હતો. ત્યારે અતુલ ડુંગરવાડી દાદરી ફળિયામાં રહેતા રાજુ પ્રભુ નાયકાએ પોતાની રિક્ષા નં. જીજે ૧૫ વાય વાય ૦૩૧૭ પુરઝડપે હંકારી લાવી રિક્ષા રિવર્સ લેતી વખતે ચાલકે પોતાની રિક્ષા આઠ માસના બાળકના માથાના ભાગ ઉપર ચડાવી દેતા ભારે ચકચાર મચી ગઇ હતી. જેથી પોતાની માતા તથા આજુબાજુ મજુરી કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો. જ્યારે ઈજા થયેલા બાળકને સારવાર અર્થે ૧૦૮ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.

Most Popular

To Top