Editorial

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે દેશની આર્થિક પ્રગતિમાં પણ ફાળો આપ્યો

અયોધ્યામાં રામમંદિરમાં ભારે ધામધૂમ સાથે રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને રાજકીય પક્ષો દ્વારા રાજકીય રંગ આપવામાં આવ્યો. ભાજપે તેનો લાભ લેવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરવામાં આવ્યા. આખા વિશ્વમાં આ પ્રસંગનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.

57 જેટલા મુસ્લિમ દેશો દ્વારા રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી તો બીજી તરફ વિશ્વભરના હિન્દુઓ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી. આ તમામ ઘટનાઓની વચ્ચે જો ઈકોનોમીને લગતી સારી વાત થઈ હોય તો તે હતી કે પ્રાણ પ્રતિષ્ઠાના આ કાર્યક્રમ દ્વારા દેશભરમાં આશરે 2 લાખ કરોડનો જંગી ધંધો થયો. દેશના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહે એક વખત ફિક્કીના કાર્યક્રમમાં દેશના ઉદ્યોગકારોને એવી સલાહ આપી હતી કે તેઓ તેમની પાસે રહેલા નાણાંને બજારમાં ઠાલવે કે જેથી બજારમાં તેજીનો માહોલ બને.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યારે નાણાં ફરે ત્યારે તેજી આવે અને જ્યારે નાણાં ફરતા બંધ થઈ જાય ત્યારે મંદી આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને કારણે દેશભરમાં નાણાં એક હાથમાંથી બીજા હાથમાં ગયા અને તેનો સીધો ફાયદો ઈકોનોમીને થયો. કોઈપણ દેશની પ્રગતિ માટે તેની આર્થિક સ્થિતિ મજબુત હોવી જરૂરી છે. ત્રણેક દાયકા પહેલા ભારતની આર્થિક સ્થિતિ નબળી હતી. તે સમયે ભારત સરકારે દેશનું સોનું વેચવું પડ્યું હતું. જોકે, તત્કાલિન વડાપ્રધાન નરસિંહ્મારાવ અને નાણામંત્રી મનમોહનસિંહ દ્વારા ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી અને દેશ પ્રગતિના પંથે મુકાયો. વડાપ્રધાન મોદીના સમયમાં આ પ્રગતિ જારી રહી.

વડાપ્રધાન મોદીની એક ખાસિયત રહી છે કે તેમણે ઉત્સવો દ્વારા નાણાં ફરતા રાખ્યા. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા ત્યારે મોદીએ ઉત્સવો દ્વારા નાણાં ફરતા રાખ્યા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ દેશમાં દિલ્હીમાં 25 હજાર કરોડ અને ઉત્તરપ્રદેશમાં 40 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. જ્યારે ગુજરાતમાંથી જ ધ્વજ, બેનરો સહિત બનાવવામાં આવ્યા અને ખાસ કરીને સુરતના કાપડના ઉદ્યોગકારોને પણ હજારો કરોડો રૂપિયાનો ફાયદો થયો. દેશભરમાં રામલલ્લા મંદિરને ધ્યાને લઈને 1.5 લાખથી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

દેશભરમાં રોશનીથી શણગાર અને સાથે સાથે ભજન, પૂજા, કિર્તન સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા. મંડપ ડેકોરેટર્સથી માંડીને અન્ય લોકોને ધંધો-રોજગારી મળી અને અનેક લોકોને ધંધો કરવાની તક પણ મળી. ખુદ સીએટીના હોદ્દેદારો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો. રામલલ્લા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ તો શ્રદ્ધા અને ભક્તિનો વિષય હતો પરંતુ તેને કારણે દેશના બજારોમાં પણ તેજી જોવા મળી. નાના વેપારીઓ કમાયા. નાના વેપારીઓની આવક વધવાથી આખા દેશમાં નાણાંકીય તરલતા વધવા પામી છે અને હજુ પણ આગામી દિવસમાં આ તરલતા વધતી જ રહેશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોજ અયોધ્યામાં 5 લાખથી પણ વધુ લોકો રામલલ્લાના દર્શન માટે આવી રહ્યા છે. જેણે અયોધ્યામાં જ અનેક નવી રોજગારી ઊભી કરી છે. જે લોકો આવે છે તેણે વાહનવ્યવહારના ધંધાને આગળ વધાર્યો છે. જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા હતી તે દિવસે જ દેશભરમાં વેપારી સંગઠનો દ્વારા 20 હજારથી પણ વધુ એલઈડી સ્ક્રીન લગાડવામાં આવી હતી. તો 50 હજારથી પણ વધુ જગ્યાએ સુંદરકાંડ, હનુમાન ચાલીસા, અખંડ રામાયણ અને અખંડ દીપકના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સોસા.માં પણ હવનો થયા. સુરતમાં ડ્રોન કાર્યક્રમો થયા.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે રામ લખેલા ધ્વજ, બેનરો, ટોપી, ખેસની સાથે સાથે રામમંદિરના મોડલ, માળા, પેન્ડન્ટ, બંગડી, બિંદી, રામના ચિત્રો, રામદરબારના ચિત્રો, મિઠાઈઓ વેચાઈ. કરોડો રૂપિયાના ફટાકડા ફોડવામાં આવ્યા. પંડિતો અને બ્રાહ્મણોને પણ મોટાપાયે રોજગારી મળી હતી. હજુ રામમંદિરનું બાંધકામ અધુરૂં છે. અયોધ્યાને દેશના બાકી શહેરો સાથે જોડતી ટ્રેન અને ફ્લાઈટો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સાથે સાથે આગામી દિવસોમાં દેશના અન્ય વિસ્તારોમાંથી અયોધ્યા સુધીની બસથી માંડીને યાત્રાના પણ આયોજનો થશે.

દેશવાસીઓને દર્શન કરવા માટે એક નવું જ યાત્રાધામ અયોધ્યા સ્વરૂપે મળ્યું છે અને તેને કારણે અયોધ્યાની સિકલ બદલાઈ જશે. અયોધ્યા ખાતે રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ભક્તિ અને શ્રદ્ધા તો વધારી જ છે પરંતુ સાથે સાથે દેશની ઈકોનોમીમાં મોટો ફાળો આપ્યો છે. જે આગામી દિવસોમાં પણ ચાલુજ રહેશે. જોવા જેવી વાત એ છે કે ભલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હિન્દુઓ માટે આસ્થાનો પ્રસંગ હતો પરંતુ તેને કારણે આર્થિક લાભ દેશની અન્ય કોમના લોકોનો પણ થયો જ છે તે નક્કી છે.

Most Popular

To Top