Charchapatra

સમાદર

સમાદર એટલે આદરસત્કાર, સન્માન. આદર એ સામા તરફ માનની લાગણી, ભાવના. આ એક પ્રકારનો પૂજ્યભાવ છે. સમાદરમાં સંભાળ, દરકાર સાથે જેના પર પ્રેમ,વ્હાલ અને સાચું હેત, પ્રીતિ હોય જે તે વ્યક્તિની કાળજીનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ તે વયમાં, સંપત્તિની ગણતરીમાં નાની હોય કે મોટી, દરેક વ્યક્તિનું માન, આબરૂ જાળવીને ઈજ્જત આપીને તેનો આદર કરવો એ આપણી સંસ્કૃતિમાં છે.

આ એક સદાચાર ગણાય. કાવ્યમાં આદર અલંકાર પણ છે. જેમાં કંઈ પણ વસ્તુ લેવાની સારી રીતનો સમાવેશ છે. જેમકે વધારે સારી વસ્તુ મળશે એવી આશા રાખીને પોતાની પાસેની ચીજ છોડી દેવી પણ, એવી સારી વસ્તુ નહિ મળતાં મૂળને માનપૂર્વક સ્વીકારી લેવી-આદર થયો કહેવાય. જીવનવ્યવહારમાં સમાદર આવકાર્ય છે. દરેક વ્યક્તિની સારી વાત, સિદ્ધિ ઉજાગર થવી જોઈએ. સમાજની પ્રગતિ માટે રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનારને સન્માન આપવામાં આવે છે તે સરાહનીય છે.

કોઈ વ્યક્તિમાં સ્વભાવગત ખામી હોય અને તે સ્પષ્ટવક્તા બની પોતાની વ્યક્તિગત નબળાઈ જણાવે ત્યારે તેમાં પરિવર્તન આવે તે માટે સદ્દવ્યવહાર કરવો રહ્યો. કેટલીક વ્યક્તિ સત્ય અને સ્પષ્ટવક્તા હોય તેવી વ્યક્તિ વિરલ હોય, પણ સમાજમાં તેમને સ્થાન આપવામાં આવતું નથી. સૌને એવી વ્યક્તિ ખટકે છે. સત્ય હંમેશા કડવું હોય, લાંબેગાળે ફળદાયી હોય સ્વીકાર કરીએ. કડવું સત્ય બોલનારને પણ સમાદર મળે તેમ કરીએ તો સોનામાં સુગંધ ભળે-એવું મારું માનવું છે.
નવસારી  – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top