Madhya Gujarat

આણંદમાં બોગસ ડોક્ટરોએ શંકાસ્પદ કોરોના દર્દીની સારવાર શરૂ કરી દીધી!

  • બોગસ ડોક્ટર સામેની સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસે સાતને પકડી પાડ્યાં
  • એન્ટીબાયોટીક સહિતની દવાનો જથ્થો સીઝ કરાયો
  • ડિગ્રી વગર એલોપથીની દવા આપતાં હતાં

આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય વિભાગ સારવાર આપવામાં ટુકું પડતાં બોગસ ડોક્ટર્સને લીલાલહેર થઇ ગઇ હતી. આ ડોક્ટર્સે કોઇ પણ જાતની ડિગ્રી વગર જ સારવાર શરૂ કરી દીધી હતી. ખાસ કરીને શંકાસ્પદ કોરોનાના દર્દીઓની બારોબાર જ સારવાર કરતા હોવાની શંકાઓ ઉઠી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ડોક્ટર માત્ર બીએચએમએસ જ નહીં, 12 પાસ, બીએ સહિતની ડીગ્રી પણ ધરાવે છે. એક ડોક્ટર પાસે નર્સીંગની ડિગ્રી મળી હતી. આ ઉપરાંત ભળતી ડિગ્રી વાળો પણ ડોક્ટર હતો. જે ડિગ્રી ખરેખર ભૂતિયા છે કે વાસ્તવિક તે પણ આરોગ્ય વિભાગના ડોક્ટર કળી શક્યા નહતાં. આ સમગ્ર ડ્રાઇવ ચલાવવા પાછળ કોરોના કારણભૂત છે. કોરોનાની બીજી લહેરમાં મોતનો આંકડો વધુ આવ્યો છે, તેમાં આવા બોગસ ડોક્ટરની સારવાર પણ કેટલાંક અંશે કારણભૂત હોવા અંગેની શંકા તંત્રને જાગી હતી. જેથી આ ખાસ કાર્યવાહી કરી હતી. લાંબા સમયથી ચાલતા બોગસ ડોક્ટરના ધિકતા ધંધામાં આરોગ્ય વિભાગની ભાગબટાઇ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આણંદમાં 25 વરસથી દવા કરતો ધો. 8 પાસ ડોક્ટર પર તંત્રની નજર ન પડી

આણંદ શહેરના મંગળપુરા ખાતે રહેતો કનુ ભુપતસિંહ ગોહેલ ગણેશ ચોકડી નજીક વગર ડિગ્રીએ પ્રેક્ટીસ કરતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં કનુ ગોહેલની પૂછપરછ કરતાં તે છેલ્લા 20થી 25 વરસથી ડોક્ટરી પ્રેક્ટીસ કરતો હોવાની કબુલાત કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, તે માત્ર ધો.8 સુધી જ ભણ્યો છે. પોલીસે તેની પાસેથી વિવિધ એન્ટીબાયોટીક દવા, રજીસ્ટર સહિત કુલ 18,001 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કરમસદના શખસે હેલ્થ કેર વર્કરનું સર્ટી મેળવી દવાખાનું શરૂ કર્યું

કરમસદ રેલવે સ્ટેશન સામે રહેતા સંજયકુમાર રાવજીભાઈ ભોઇએ ઘરમાં જ છેલ્લા કેટલાક સમયથી દવાખાનું શરૂ કર્યું હતું. જે અંગે બાતમી મળતાં વિદ્યાનગર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આરોગ્ય વિભાગના ડો. સુધીર પંચાલ પણ હતાં. જેમની તપાસમાં સંજયકુમાર ભોઇ પાસે હેલ્થ કેર વર્કરનું સર્ટીફિકેટ મળ્યું હતુ. જોકે, તે મેડિકલ કાઉન્સીલમાં માન્ય નથી. આ ઉપરાંત આ સર્ટીફિકેટ આધારે ખરેખર સારવાર કરી શકાય કે કેમ ? તે પણ તપાસનો વિષય છે.

બીએચએમએસ ડિગ્રી છતાં શંકાસ્પદ કોરોનાના દર્દીને દવા આપી

આણંદ ટાઉન પોલીસે બાતમી આધારે ગામડી પોસ્ટલ કોલોની સામે ચાલતા દવાખાના પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પરેશકુમાર જયંતીલાલ મહેતા (રહે.આણંદ) નામનો શખસ વિવિધ રોગની એલોપેથી દવાની સારવાર કરતો હતો. જોકે, પૂછપરછ કરતાં તેની પાસે બીએચએમએસની ડિગ્રી મળી આવી હતી. આથી, તેની પાસેથી એન્ટીબાયોટીક દવા, રોકડ સહિત રૂ.39,363 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદના શખસે ભળતી ડિગ્રી મેળવી ગંભીરામાં સારવાર શરૂ કરી

બોરસદના નાની શેરડી ગામે રહેતા પુનમ હરમાનભાઈ ગોહેલે  ડોક્ટરની ભળતી ડિગ્રી મેળવી ગંભીર ગામમાં સારવાર શરૂ કરી દીધી હતી. આંકલાવ પોલીસને જાણ થતાં દવાખાના પર દરોડો પાડ્યો હતો. જેની તપાસમાં પુનમ ગોહેલ પાસે બીઆઈએએમએસ જેવી ડિગ્રીની ઝેરોક્ષ મળી હતી. જ્યારે ઓરીજનલ કોઇ જ ડિગ્રી રજુ કરી શક્યો નહતો. આ ઉપરાંત તેની પાસે મળેલી દવાથી તે શંકાસ્પદ કોરોના દર્દીની પણ સારવાર કરતો હોવાની શંકા ગઇ હતી.

ભેટાસીમાં BHMS ડોક્ટર પાસે એલોપેથી દવા મળી

આંકલાવના અંબાલી ગામે રહેતા તુષાર મંગળભાઈ ઝાલાના ભેટાસી ખાતેના દવાખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં તેની પાસેથી એન્ટી બાયોટીક દવા મળી આવી હતી. આ દરોડા અંગે પોલીસે ખડોલ (હ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રક્ષીતકુમાર શાહને સાથે રાખી તપાસ કરતાં તેની પાસેથી વિવિધ 13,164 રૂપિયાની દવા મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ સીઝ કરી પોલીસે તુષાર ઝાલા સામે ગુનો નોંધ્યો હતો.

નગરાનો શખસ 12 પાસ હોવા છતાં બે વરસથી દવાખાનું ચલાવતો હતો

ખંભાતના રોહિણી ગામે પોલીસે બાતમી આધારે દરોડો પાડ્યો હતો. જેમાં મુળ નગરાના ભાવીન શાન્તીલાલ રાવળ દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. ભાવીનની પૂછપરછ કરતાં તે છેલ્લા બે વરસથી વધારે સમયથી દવાખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તેની પાસે સર્ટીફિકેટ માંગતા તે માત્ર ધો.12 પાસ જ હોવાનું કબુલ્યું હતું. પોલીસે તેની પાસેથી વિવિધ સાધનો, દવાઓ મળી કુલ રૂ.3768નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદના બીએ પાસ શખસે લોકોને ઇન્જેકશન અને દવા આપવાનું શરૂ કર્યું

બોરસદના વહેરા ગામે રહેતા જયેશ ગોવિંદભાઇ ઠાકોરે ગામમાં જ દવાખાનું શરૂ કરી દીધું હતું. જે સંદર્ભે બોરસદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે સાથે રહેલા બોચાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. શીલ્પેશકુમાર પટેલે પુછપરછ કરતાં જયેશ ઠાકોર પાસે કોઇ જ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હતી. આ ઉપરાંત તે બીએ પાસ હોવા છતાં એન્ટીબાયોટીક દવા આપતો હતો અને શંકાસ્પદ કોરોનાના દર્દીની પણ સારવાર કરતો હતો. પોલીસે તેની પાસેથી દવા, રોકડ મળી કુલ રૂ.20,823નો મુદ્દામાલ કબજે લીધો હતો.

Most Popular

To Top